આજની શિક્ષણ વ્યવસ્થા સામે ઓએસિસે ઉઠાવ્યા ખૂબ અગત્યના સવાલ –
કેળવણીના સંદર્ભે શું આપણે સારા એવા ભૂલા નથી પડ્યા?
ક્યાં છીએ આજે આપણે? સાચી દિશા કઈ? |
ગુજરાતની કેટલીક શાળાના જાગૃત આચાર્યો અને શિક્ષકોએ કહ્યું –
“પરીક્ષા અને હોમવર્કના બોજ નીચે બાળકો દબાઈ ગયાં છે... એવું વાતાવરણ નથી કે તેઓ આપણી પાસે આવે, ખૂલીને વાત કરે; જાણે પુસ્તકો, ભણતર, દફતરના ભાર નીચે બાળક દબાઈ ગયું છે... બૌદ્ધિક આંક ઊંચો લાવવા પ્રયત્ન થાય છે પણ લાગણી-ભાવનાના આંક માટે પ્રયત્ન નથી થતો... જિંદગી જીવવામાં ઇતિહાસ, ભૂગોળ ક્યાં ને કેટલા કામ લાગે છે?...
શાળામાં બધો સમય તો કોર્સ પતાવવામાં જ જાય છે. બીજું કંઈ કરવાનો સમય જ નથી... બધાં બાળકોને વિજ્ઞાનમાં જ જવું છે, અને માતાપિતા પણ એવું જ ઇચ્છે છે... એવી જ શાળા પસંદ કરાય છે જે વિજ્ઞાનમાં સારું ભણાવે... શાળામાં કોઈ એવી પ્રવૃત્તિ નથી હોતી કે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય...
આજે બાળકને શાળામાં આવવાનું ગમતું નથી... ટ્યૂશનપ્રથા મોટું દૂષણ બની ગઈ છે...” |
|
યુવાનો સાથે અઢી દાયકા અને બાળકો/શાળાઓ સાથે કામ કરવાનાં ૬-૭ વર્ષના સઘન અનુભવમાં ઓએસિસે પણ અનુભવ્યું કે –
• આજે શિક્ષણ મહદ્ અંશે પરીક્ષામાં સારા માર્ક/ગ્રેડ મેળવવા પૂરતું મર્યાદિત બની ગયું છે.
• અરે, 'તેજસ્વી/હોશિયાર' કહેવાતા-ગણાતા વિદ્યાર્થીઓમાં પણ આત્મવિશ્વાસ અને આત્મસન્માનનો બહુ મોટો અભાવ હોય છે.
• 'શિસ્તબદ્ધ' બાળકો અને શાળાઓને ઉત્કૃષ્ટતાના નમૂનારૂપ માનવામાં આવે છે, પછી ભલેને આ શિસ્ત ભયના જોરે કે બળપૂર્વક
મેળવાયેલી હોય.
• બાળકોની ટીકા કરવામાં આવે છે, તેમની પર દાદાગીરી કરવામાં આવે છે ને ઉપદેશ આપવામાં આવે છે; સજાને બધી બાબતોનો
ઉપાય માનવામાં આવે છે.
• સરખામણીઓ અને સ્પર્ધામાં બાળકો ખોવાયેલાં (પોતાની જાતથી કપાયેલાં) છે.
• શિક્ષણ અત્યંત બૌદ્ધિક બની ગયું છે, જેમાં ભાવનાત્મક બુદ્ધિમત્તાને કોઈ સ્થાન નથી.
• આજે શિક્ષણ એ પૈસા કમાવા માટેનો વ્યવસાય પ્રથમ છે, જ્યારે મૂલ્યો ગૌણ સ્થાને છે.
• આજે આખા દેશના તમામ હિસ્સાઓમાં વધુ ને વધુ બાળકો આત્મહત્યા કરી રહ્યાં છે. |
આવા વાતાવરણમાં ઓએસિસે એક સ્વપ્ન સેવ્યું છે –
શાળાઓ એવું સ્થાન બને જ્યાં બાળકો સ્વતંત્રતા અને આદરના વાતાવરણમાં ખુશ રહેતાં શીખે. બાળકો કોઈ પણ પ્રકારની સ્પર્ધા અથવા સરખામણી વિના પોતાની જાતને શોધી-ઓળખી શકે અને આત્મવિશ્વાસ અને સ્વ-સન્માનની ભાવના સાથે સતત વિકસતાં રહે. શાળાઓ બાળકો માટે હોય, બાળક શાળા માટે નહીં, કે જેમાં બાળકે શાળાની જરૂરિયાતો સાથે બંધબેસતા થવાનું હોય. |
|
‘ઓએસિસ સ્કૂલ્સ’: શીખતા માનવો માટે શીખતી શાળાઓ
{મૃતપ્રાય કેળવણીના ક્ષેત્રમાં પુનઃ પ્રાણ ફૂંકવાનું આંદોલન} |
આંદોલનના ઉદ્દેશો:
ખુશહાલ મનુષ્યો અને જવાબદાર વૈશ્વિક નાગરિકો પેદા કરતા કેળવણીના આદર્શ વાતાવરણને ઊભું કરવા માટે પ્રતિબદ્ધ અને દૃઢ નિશ્ચયી હોય તેવી 100 વ્યક્તિઓ થકી ગુજરાતભરમાં 100 નમૂનારૂપ શાળાઓ તૈયાર કરવી. |
‘આદર્શ ઓએસિસ શાળા’ની મુખ્ય લાક્ષણિકતાઓ -
1. આચાર્ય/ટ્રસ્ટી શીખે છે – તેઓ જાતે ઉદાહરણરૂપ બનીને નેતૃત્વ પૂરું પાડે છે
2. શિક્ષકો શીખે છે – તેઓ બાળકોને ખીલવા માટે મદદરૂપ, પ્રોત્સાહક બને છે
3. વિદ્યાર્થીઓ શીખે છે – પોતાની જાતને ઓળખવા-સમજવાના અને મહાન મનુષ્ય બનવાના સંદર્ભમાં
4. માતાપિતા પણ શીખે છે – કઈ બાબતો બાળકોના વૃદ્ધિ-વિકાસમાં સહાયરૂપ થાય છે અને કઈ બાબતો બાળકના
આત્મવિશ્વાસમાં બાધારૂપ બને છે તે અંગે તેમને પણ સભાન કરવામાં આવે છે
5. વિદ્યાર્થીઓ શાળા ચલાવે છે – વિદ્યાર્થીઓ દરેક રીતે સ્વ-નિર્ભર બને તે માટે તેમને પૂરતો આદર આપવામાં આવે છે. તેમાંથી જ
લોકતાંત્રિક ઢબે ચાલતી શાળાઓનો નવો ચીલો ઊભો થાય છે
6. કમ્યૂનિટી શીખે છે – શાળા પોતાના પડોશી સમુદાયમાં વિકાસ માટે ઉદ્દીપક બને છે
આ એ મુખ્ય આધારસ્તંભો છે જેનાથી શાળા ચાલે છે, અલબત્ત આવી ઓએસિસ સ્કૂલોમાં કેળવણીના સિદ્ધાન્તો પર આધારિત તમામ મહાન પ્રયોગો-પ્રથાઓ પણ મૂર્તિમંત થયેલાં જણાશે. |
|
મહત્ત્વના સિદ્ધાન્તોઃ
1. બિરદાવવું (પ્રશંસા) અને દૃઢીકરણઃ વ્યક્તિગત રીતે અને સામૂહિક ધોરણે, તમામ સારા ગુણો અને વર્તનને બિરદાવીને
વિદ્યાર્થીઓના આત્મ-સન્માનને સતત પોષવામાં આવે છે.
2. તમામ બાળકો તમામ વખત સારાં જ હોય છેઃ સમસ્યારૂપ લાગતાં/જણાતાં તમામ બાળકોને ખરેખર તો પ્રેમ, સ્વીકાર અને
માર્ગદર્શનના ઉપચારની જરૂર હોય છે.
3. સ્વતંત્રતા જવાબદારી શીખવે છેઃ સ્વતંત્રતાના વાતાવરણમાં બાળકો ઉત્તમ રીતે શીખે અને વિકસે છે.
4. તેઓ કોણ છેઃ શિક્ષકો અને માતાપિતાઓએ સતત શીખતાં/જાણતાં અને ઓળખતાં રહેવાની જરૂર છે કે આ બાળકો કોણ છે.
5. જીવન માટેનું શિક્ષણઃ શિક્ષણ સર્વાંગીણ અને જીવન-કેન્દ્રિત હોવું જોઈએ, વિભાજિત અને કારકિર્દી-કેન્દ્રિત નહીં. |
અગત્યની ફિલસૂફીઓઃ
વિશ્વભરમાં એવી અનેક સંસ્થાઓ છે જેમણે શિક્ષણના સાચા સિદ્ધાન્તોને અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે, તે સૌ ઓએસિસ સ્કૂલ્સના પ્રેરણા સ્રોત બનશે. તેમાંની કેટલીક છે -
1. મૉન્ટેસરી – બાલવાડીના તબક્કાથી જ બાળકોને સંપૂર્ણપણે સ્વ-નિર્ભર બનાવવા
2. જે. કૃષ્ણમૂર્તિ – બાળકોના ઉછેરમાં સ્વતંત્રતાની અને અન્ય મૂલ્યોની ભૂમિકા સમજવી
3. સમરહિલ – શાળાઓ કેવી રીતે લોકશાહી ઢબે શીખી શકે અને આનંદસભર સમાજ માટે બાળકો ખુશહાલ હોવાં કેવી રીતે જરૂરી
છે તે સમજવા માટે
4. શ્રી અરવિંદ – ફરીથી સર્વાંગી શિક્ષણની સાચી ફિલસૂફી માટે
5. શાંતિનિકેતન – મહાન કેળવણીકાર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત સંસ્થા
6. ગિજુભાઈ – તેમણે બાળકો માટે કરેલાં કામમાં ઉપરમાંથી ઘણી બધી ફિલસૂફીઓ વણાયેલી હતી
આ માત્ર ગણતરીનાં ઉદાહરણો છે. ઓએસિસ સ્કૂલ્સ તેના સંપર્કમાં આવતી તમામ સારી બાબતોમાંથી શીખવા માટે ઉત્સુક રહેશે. |
સ્વપ્ન સુધી પહોંચવાનો રસ્તો:
• ઓએસિસ શૈક્ષણિક સંસ્થાઓના એવા આગેવાનોને એકઠા કરીને જૂથ બનાવવું શરૂ કરશે, જેમના હૈયે પોતાની સંસ્થાઓમાં શિક્ષણ માટેનું શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવાનો આદર્શ વસેલો છે, અને જેઓ વ્યવસ્થા-તંત્ર, સ્થાપિત નિયમો અથવા તેમના રસ્તામાં આવતા અન્ય કોઈ પણ અવરોધો સામે સંઘર્ષ કરવાની હિંમત ધરાવે છે.
• ઓએસિસ આ સામૂહિક નેતૃત્વને તેમની દૃષ્ટિ (વિઝન) સ્પષ્ટ બનાવવામાં, તેમનાં ધ્યેય અને સમય સંબંધિત લક્ષ્યાંકો નક્કી કરવામાં અને તેમની સંસ્થા માટે વિશેષરૂપે એક રોડ-મૅપ (આગળ કેવી રીતે વધવું તેનો નકશો) તૈયાર કરવામાં મદદ કરશે.
• તે પછી, ઓએસિસ તેમને પોતાના ધ્યેયની દિશામાં આગળ વધવા માટે સહાયરૂપ, પ્રોત્સાહક એવી તમામ આવશ્યક માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડશે.
• આગેવાનોના આ જૂથમાં વધુ ને વધુ સમાન-વિચારધારાવાળા લોકો જોડાય તે હેતુથી ઓએસિસ વખતોવખત સાફલ્યગાથાઓ (સક્સેસ-સ્ટોરિઝ) પણ પ્રકાશિત અને પ્રસારિત કરશે. આદર્શ શાળા બનવાની પ્રક્રિયામાં અલગ અલગ તબક્કે ઓએસિસ શાળાઓ/સંસ્થાઓને ‘Appreciation Certificate (પ્રશંસાપત્ર)’ પણ આપશે. |
આંદોલનમાં સામેલ થનાર શાળાઓને ઓએસિસ નીચે જણાવેલી પ્રક્રિયાઓમાં સહાયરૂપ થશે:
1. દૃષ્ટિ (વિઝન) – એક આદર્શ શૈક્ષણિક સંસ્થાના સિદ્ધાન્તો અને મૂલ્યો સંબંધિત સ્પષ્ટતા
2. મિશન – ધ્યેય અને તેના તબક્કાઓ નક્કી કરવા તેમ જ ચોક્કસ લક્ષ્યાંક માટે સમયની રૂપરેખા નક્કી કરવી
3. કેળવણીની પ્રક્રિયાઓ – આગેવાનો, શિક્ષકો, માતાપિતા અને વિદ્યાર્થીઓ માટે
4. કાઉન્સેલિંગ – વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે કઈ રીતે મદદ આપવી તે માટે તમામ શિક્ષકોને અમુક અંશે તૈયાર કરવા અને કેટલાક
શિક્ષકોને નિપુણ બનાવવા
5. સ્વ-શિસ્ત – શાળાઓ લોકતાંત્રિક ઢબે ચાલી શકે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી, જેમાં બાળકો સમકક્ષ ધોરણે ભાગ લેતાં
હોય.
6. કારકિર્દી – એવી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ ઉપલબ્ધ બનાવવી જેથી વિદ્યાર્થીઓ પોતાની જાતને ઓળખી શકે અને તેમની આ ઓળખ સાથે સંવાદિતામાં હોય તેવા કારકિર્દીના વિકલ્પોમાંથી સાચી પસંદગી કરી શકે. |
|
ગુજરાતની વિવિધ શાળાઓના ૨૬ આચાર્યો અને આગેવાનોના
પ્રથમ મિલનની સાથે
‘ઓએસિસ સ્કૂલ્સ’ આંદોલનનો શુભારંભ |
|
તા. ૮ એપ્રિલ, ૨૦૧૪ને મંગળવારના રોજ ‘ઓએસિસ સ્કૂલ્સ’ આંદોલન અંતર્ગત પ્રથમ મિલનનું આયોજન થયું હતું. ગુજરાતની વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના ૨૬ જેટલા આચાર્યો અને આગેવાનો ઓએસિસની વડોદરા ખાતેની ઑફિસ પર ભેગા થયા હતા.
ત્રણ કલાકના આ મિલનમાં 'ઓએસિસ સ્કૂલ્સ શા માટે' તે અંગે ચર્ચા થઈ હતી અને બધા જ આમંત્રિતોએ એક સૂરે કહ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં બદલાવની તાતી જરૂરિઆત છે. ત્યારબાદ ઓએસિસ સ્કૂલ્સ આંદોલનની ફિલસૂફી, સિદ્ધાંતો અને એવી શાળાની લાક્ષણિકતાઓ ચર્ચાઈ હતી.
આવેલા મહેમાનોએ હાલની શિક્ષણ વ્યવસ્થા અંગે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં અને ત્યાર બાદ અભિયાનના મુખ્ય સંયોજકો એવા ડૉ. કૌશિક દેસાઈ (આચાર્ય, શ્રી એસ.એમ.કે.આર. વશી હાઈસ્કૂલ, મરોલી, જિ. નવસારી), કેયુર નાયક (આચાર્ય, રમણ બ્રધર્સ વિદ્યાલય, ગામ ઉગત, જિ. નવસારી) અને પ્રતીકસિંહ પરમાર (ડિરેક્ટર/ટ્રસ્ટી, નવનિર્માણ હાઈસ્કૂલ, મરોલીબજાર, જિ. નવસારી)-એ ઓએસિસના સંપર્કમાં આવ્યા બાદ અને કાર્યક્રમોમાં ભાગ લીધા પછી છેલ્લાં ૨-૩ વર્ષમાં તેઓના અંગત અને વ્યાવસાયિક જીવનમાં આવેલા ફેરફારો અંગેના અનુભવો સૌ મિત્રો સાથે વહેંચ્યા હતા.
આખા કાર્યક્રમનું સંચાલન ઓએસિસ વતી હિરલ પટેલે કર્યું હતું.
કાર્યક્રમને અંતે જૂન માસની ૨૦, ૨૧, ૨૨ દરમ્યાન આંદોલન માટેની પહેલી કાર્યશાળાની જાહેરાત થઈ હતી અને સૌને તેમાં સામેલ થવા અપીલ કરવામાં આવી હતી. |
|