Newsletter-cum-magazine of Oasis Movement YEAR 8  I ISSUE 11  I Jun 1, 2015

Hu Chhu Jyotirdhar Abhiyaan

Transformation Stories of Leading Torch Bearers

જ્યોતિર્ધરો વહેંચે છે એમના પરિવર્તનની રોમાંચકારી યાત્રા

The torch bearer - Jyotirdhar teachers undergoing Oasis Workshops. (Top left) Discussion during the workshop, (Top right) Workshop facilitators, Sanjiv Shah & Sheeba Nair in dialogue with participants,
(Bottom left) Participants Listening to facilitators, (Bottom right) Learning through skit.

The first group of teachers began their journey of ‘Hu Chhu Jyotirdhar’ Abhiyaan in 2013 & since then they have undergone more than half a dozen Oasis workshops under the program. It has been a life changing experience for many of them! They have discovered their mission in life & have already started their journey towards it. Continue to read further to know their stories of transformation so far along the path to be torch bearers in true sense.

{‘Hu Chhu Jyotirdhar’ Abhiyaan is a campaign for Awareness and Fulfillment of Teacher’s Self-duty, launched by Shree Sayaji Vaibhav Public Library, Navsari & Oasis A Selfless International Society (OASIS) in Gujarat in 2012. It is an innovative training program to create an awareness amongst 10,000 teachers of Gujarat about their sacred role as builders of posterity of our country; This will help to revolutionize prevailing Education System to make children sensitive human-beings and responsible citizens. For more information about the movement, please visit our website:  www.oasismovement.in}

 

“જ્યારે મનુષ્ય કોઈ બાબતને પૂરતી તીવ્રતાથી ઇચ્છે છે ત્યારે

તે બાબત તેને આપવા સમગ્ર વિશ્વ કાવતરું ઘડે છે”

સંઘર્ષ અને પરિવર્તન...

૨૦૦૫માં મહાદેવભાઈ થકી ઓએસિસની કાર્યશાળાનો પરિચય થયો.

ઓએસિસની પ્રથમ કાર્યશાળામાં ફેસિલિટેટરે બહુ હૃદયસ્પર્શી સવાલ પૂછેલા. મેં નક્કી કર્યું કે સાંજે ઘરે જઈ પત્ની અને પુત્રને પ્રેમથી ભેટીશ. અમલમાં મૂક્યું. પુત્ર તરફથી જબરો પ્રતિભાવ, ઉષ્માસભર અને પત્નીનો કોઈ પ્રતિભાવ નહીં... પુત્ર સાથે આત્મીયતા જામી ગઈ, જે આજ પર્યંત ચાલુ છે. પૂરી સ્વતંત્રતા અને મોકળાશ આપી. ધો. ૧૦ પછી વિજ્ઞાનની જગ્યાએ કૉમર્સ લીધું તેમાં પણ પૂરી સંમતિ. આ સંબંધ પણ કસોટીની એરણે ચડ્યો ધો. ૧રમાં. પ્રીલિમ પરીક્ષામાં આંકડાશાસ્ત્રમાં નાપાસ. જાતે ભણાવવાની તૈયારી બતાવી. દીકરાએ બાપના કડક સ્વભાવ અને શિસ્ત-આગ્રહને સ્વીકાર્યા. પરિણામ આંકડાશાસ્ત્રમાં ૯૩ ગુણ અને કુલ ૭૩ ટકા... પરિણામના દિવસે બાપ-દીકરો જાણે સ્વર્ગમાં!

ઓએસિસની દ્વિતીય કાર્યશાળામાં દીકરાને પત્ર લખ્યો. ઘરે આવી મેસેજ કર્યો - ‘In 20 years of your journey you have your own dreams & expectations which you have not shared with me. Forgive me for that. Write & share with your Paa whenever you want.’

દીકરાએ જવાબ પણ તરત આપ્યો. ‘Your love is enough for me to survive in this world; so no demands, no expectations.’ આવું સદ્ભાગ્ય કયા પિતાને મળે? મારું પિતા હોવું સાર્થક થઈ ગયું.

ડૉ. કૌશિક દેસાઈ, ઓએસિસ કાર્યશાળામાં

લગ્નજીવનમાં રચાયો સંવાદિતાનો સેતુ

આચાર્યપદે આવ્યા પછી અગ્રિમતા ક્યારે શાળા થઈ ગઈ તેનો ખ્યાલ ઓએસિસની પ્રથમ કાર્યશાળા બાદ આવ્યો. બીજી કાર્યશાળાના પ્રથમ દિવસે મને થયું કે પત્નીને ભેટવાની હિંમત કરવાની હતી. કાર્યશાળા બાદ ઘરે પહોંચી અમલ કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. ત્રણ દિવસ પછી હિંમત કરીને દીકરાને કહ્યું, “ચાલ, આજે તારી મમ્મીને ઉષ્માપૂર્વક સાથે ભેટીએ.” રસોડામાં ખભે હાથ વીંટાળી બંને ઊભા રહ્યા, પત્નીને આમંત્રણ, “ચાલ આવી જા...” બે મિનિટ કોઈ પ્રતિભાવ નહીં. દીકરાએ જરા જોશમાં કહ્યું, “મમ્મી...” અને પછી ત્રણેય ક્યાંય સુધી ભાવસમાધિમાં!

મારા દીકરાના ચહેરા પરના સુખદ ભાવ આજે પણ યાદ છે. સંવાદિતાનો સેતુ રચાયો. કુટુંબને પ્રથમ અગ્રિમતા આપી. પત્નીના ચહેરા પર ખોવાઈ ગયેલી તાજગી પાછી લાવી શક્યો છું. મનાંકનો બદલાઈ ગયાં છે. તણાવમુક્ત રહી શકું છું. શાળાએ જતી વખતે પત્નીને ઉષ્માસભર આલિંગન આપી નીકળું છું. પળેપળ જીવંત રહું છું. હીંચકે ઝૂલતાં આજે લાંબો સંવાદ કરી શકીએ છીએ, જે પહેલાં ન હતું.

જાતપરિવર્તન શરૂઆતમાં પીડાદાયક રહ્યું, પરંતુ આજે મન ઉચાટ નથી અનુભવતું. શાંત, નિર્મળ અને જીવંત... મારા દીકરાને આજે સંતોષ છે કે મારાં માતા-પિતા વચ્ચે સંવાદિતા છે. એ સંતોષ આપ્યાનો સુખદ ભાવ મારા હૃદયમાં સદાય જીવંત રહે છે. ઓએસિસ કાર્યશાળા-ર બાદ ઘરે આવી પત્નીને ગુલાબનું ફૂલ આપ્યું અને એને માથે હાથ મૂકી ચાર પ્રતિજ્ઞા લીધી છે. બીજા દિવસે પૂર્વભૂમિકા માટે પાંચ મિનિટ લઈ શાળાએ જવાના સમયે માફીનો પત્ર હાથમાં મૂક્યો. સાંજે જોવા મળ્યું બાગબાનનું દૃશ્ય! સંવાદિતાનો સેતુ રચાયો ર૦ વર્ષે ઓએસિસના પ્રતાપે.

ડૉ. કૌશિક દેસાઈ,
આચાર્ય,
શ્રી એસ.એમ.કે.આર.
વશી હાઈસ્કૂલ,
મરોલી, નવસારી

“જ્યોતિર્ધર અભિયાનથી મને ખબર પડી કે

અત્યાર સુધી હું જે ભણી એનો કંઈ જ અર્થ નથી”

જિંદગીનો ટર્નિંગ પૉઇન્ટ...

‘હું છું જ્યોતિર્ધર’ અભિયાનમાં ઓએસિસ કાર્યશાળાઓ શરૂ થઈ ત્યારે મનમાં અહમ્ હતો કે આ ઉંમરે શું નવું શીખવવાના? અમને બધું આવડે જ છે, ખબર જ છે. પણ નાનપણની કંઈક જુદું અને નવું કરવાની માનસિકતાથી હું કૉર્સમાં જોડાઈ. અને અહીંથી શરૂ થયો મારી જિંદગીનો ટર્નિંગ પૉઇન્ટ. જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ મારા બદલાવને હું જોતી રહી. મને ખબર પડી કે અત્યાર સુધી હું જે ભણી એનો કંઈ જ અર્થ નથી. અત્યારે જે હું શીખી રહી છું તે ભાથું જો મને ન મળ્યું હોત તો મારામાં રહેલી સાચી અવનિને હું ના પામી શકી હોત. જ્યોતિર્ધર અભિયાનથી મારી જિંદગીનો ખરો અધ્યાય શરૂ થયો. જૂના ખોળિયામાં નવો જીવ આવ્યો અને શરૂ થયા થોડા પ્રયોગો...

અવનિ દેસાઈ, લાક્ષણિક અદામાં

દીકરીની બની ખરેખરી મા...

મારું લગ્ન ખૂબ જ વહેલું થઈ ગયું હતું અને ૨૨મા વર્ષે હું એક દીકરીની મા બની. જીવનનો આ તબક્કો એવો હોય છે કે તમારે તમારી કરિઅર બનાવવાની હોય, પોતાના પગ ઉપર ઊભા રહેવાનું હોય, પરંતુ કૌટુંબિક કારણસર મારે દીકરીને જન્મ આપવો પડ્યો, જે મારા માટે એક મોટી અડચણ હતી. નોકરી સાથે નાના બાળકની કાળજી અને વળી આગળ ભણવાનું - બધું જ એકસાથે આવવાને કારણે જાણે-અજાણે દીકરી સાથે ગાળવાનો સમય ધીરે ધીરે ઓછો થતો ગયો. મહત્ત્વાકાંક્ષા વધતી ગઈ અને સમય ઘટતો ગયો. ‘દીકરી તો મોટી થઈ ગઈ, હવે એને મારી શું જરૂર?’ એવું મને લાગતું હતું પરંતુ આવું ન હતું.

ઓએસિસની કાર્યશાળામાં આવ્યા પછી થયું કે અરે, છેલ્લાં કેટલાં વર્ષથી હું તો મારી દીકરી માટે એવું કશું જ કરતી નથી કે જે યાદ કરી મારા મૃત્યુ સમયે એ રડી શકે... અને મારી આંખ ખૂલી. સમયનો તો અભાવ હતો જ, પરંતુ તેમ છતાં સમયનું આયોજન કરતાં શીખવા મળ્યું અને કયા કાર્યની અગ્રિમતા છે તે જાણવા મળ્યું ત્યારે થયું કે હજુ પણ મારી દીકરી એટલી મોટી નથી થઈ ગઈ

કે તેને મારી જરૂર નથી. અને મેં મારા સમયપત્રકમાં રાત્રે ૧ કલાક તેના માટે મૂક્યો. આ એક કલાક હું કંઈ પણ થાય તેની સાથે ગાળું છું. તેની સાથે વાત કરું છું, રમત રમું છું, કોઈક વાર તેની સાથે ગીત સાંભળું છું અને તેને ફાવે તે સિવાયનું હું કંઈ જ કરતી નથી. અને ખરેખર અદ્ભુત ચમત્કાર થયો. અમે આજ સુધી ન અનુભવેલી આત્મીયતાની લાગણી, પ્રેમ અનુભવ્યાં. એના વગર કહ્યે એની વાત મને સમજાવા લાગી. અમે જે આ એક કલાક પસાર કરીએ છીએ તે સમય બાર કલાકના થાકને ભુલાવી દે છે.

હવે જો ખરેખર મારું મૃત્યુ આવે તો મારી દીકરીને યાદ કરીને રડવું આવી જાય એવી ઘણી પ્રવૃત્તિ મેં કરી છે.

અવનિ દેસાઈ,
આચાર્યા (પ્રા. વિભાગ),
અંબિકા હાઈસ્કૂલ,
ગડત, જિ. નવસારી

“કેળવણીના ક્ષેત્રમાં કંઈક સર્જનાત્મક કરવાનો મારો સંકલ્પ

જ્યોતિર્ધર અભિયાનમાં જોડાયા પછી સિદ્ધ થઈ રહ્યો છે”

સંતોષ અને સફળતાની શોધમાં...

હું સંસ્કૃત ભાષામાં M.A./M.Phil અને Ph.D. થયો. જૂન ૨૦૦૭થી આણંદની ખ્યાતનામ એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા તરીકે જોડાયો. શિક્ષણ ક્ષેત્રમાં કંઈક કરી છૂટવા માટે પૂર્ણ શક્તિ કામે લગાડી દીધી. આ દુનિયામાં કંઈક નવું, કંઈક શ્રેષ્ઠ અને અસરકારક કરવાની મારી નેમ હતી. કૉલેજ, યુનિવર્સિટીથી લઈ નૅશનલ લેવલ સુધીની સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉત્સાહથી અને તન-મન-ધનથી નેતૃત્વ લેવાનું પસંદ કરતો. આમ, દિવસભરની વ્યસ્તતા છતાં સતત અસંતોષ અનુભવ્યા કરતો – હજુ કંઈક ખૂટે છે, હજુ કંઈક ચૂકી રહ્યો છું, અને વધુ નવી પ્રવૃત્તિઓમાં જોડાઈ જતો.

સંસ્કૃત પ્રત્યે ખૂબ અનુરાગ હોવાથી સંસ્કૃતભારતીનો જિલ્લા સંયોજક બન્યો. ‘સ્વર્ણિમ ગુજરાત સંસ્કૃત સંભાષણ’ યોજના અંતર્ગત એક લાખ બાળકો સુધી પહોંચ્યો. બીજા વર્ષે ‘વાંચે ગુજરાત અભિયાન’માં જોડાયો, માનદ મંત્રી બન્યો અને નોકરી છોડી. વળી પાછો સરકારી કૉલેજમાં પ્રાધ્યાપક બન્યો. સંસ્કૃત સાથે યોગને જોડીને કામ આરંભ્યું.

આ બધું ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ પ્રામાણિકતાથી કરતો હોવા છતાં અંગત વિકાસનાં પરિણામો મળતાં નહોતાં એટલે મનમાં મૂંઝવણ અને અસંતોષથી ઘોર નિરાશામાં જીવતો હતો. ઉત્તમ યોગદાન આપવું હતું, કંઈક સંતોષ થાય એમ સર્જનાત્મક કરવું હતું. પણ હું દિશા ભૂલેલો હતો.

સંબંધોમાં અસફળતાનો અસંતોષ...

અંગત જીવનમાં પણ ઘણો તણાવ હતો. પાંચ વર્ષના લગ્નજીવન પછી પણ લાગતું હતું કે હૃદયથી જોડાયાં નથી. હું તો સામાજિક કાર્યોમાં ડૂબેલો. પત્નીને કોઈ ફરિયાદ નથી એમ માની સંતોષ મેળવવા ફાંફાં મારતો. પછી, ચર્ચા-દલીલો, ઝઘડા એ રોજની ઘટના બની. એકબીજા પરનો ક્રોધ દીકરી પર ઠલવાતો. પરિવારમાં અસફળ વ્યક્તિ સામાજિક કાર્યો કરી સફળ થવાની અને સંતોષ મેળવવાની શોધમાં હતો.

દિવ્ય અનુભૂતિ, પરિવર્તનની શરૂઆત અને પરિણામો...

આવા સમયે મહાદેવભાઈ દેસાઈએ ‘હું છું જ્યોતિર્ધર’ અભિયાનમાં જોડવા આમંત્રણ આપ્યું અને મારી પ્રથમ કાર્યશાળા ઓએસિસ વૅલીઝ, ચાણોદ ખાતે થઈ. એ ત્રણ દિવસની કાર્યશાળા પછી મારા હૃદયમાં ચમકારો થયો અને એક દિવ્ય અનુભૂતિ થઈ. એ ક્ષણ હજુ પણ મને યાદ છે.

ડૉ. અતુલ ઉનાગર, કાર્યશાળાની પ્રક્રિયામાં લીન

ત્રણ દિવસની એ પહેલી કાર્યશાળા પૂર્ણ કરીને ઘરે જતા જ હું મારી પત્નીને પહેલીવાર ભેટી પડ્યો અને ખૂબ સ્નેહથી અમો એ બધી વાતો કરતાં કરતાં સાથે ખુશીથી ભોજન કર્યું. હજુ એ દિવસ યાદ છે. આ અભિયાનમાં જોડાયા પછી મારા ક્રોધ અને સ્વભાવમાં મોટું પરિવર્તન મારી પત્નીએ જોયું. આ અનુભૂતિ કૉલેજના વિદ્યાર્થીઓએ પણ કરી. આ અભિયાનની મારા પર એટલી બધી અસર થઈ કે મારું સૌથી વધુ પ્રિય અને ગમતું અભિયાન બની ગયું. પત્ની સાથે ચાલવા-ફરવા જવાનું, દીકરી સાથે મસ્તી અને કૉલેજના વિદ્યાર્થીઓ સાથે દોસ્તી કરવી - આવી ખુશાલી ફરી મારા જીવનમાં આવી ગઈ.

કેળવણીના ક્ષેત્રમાં કંઈક સર્જનાત્મક કરવાનો મારો સંકલ્પ જ્યોતિર્ધર અભિયાનમાં જોડાયા પછી સિદ્ધ થઈ રહ્યો હોય તેવો મને અહેસાસ થયો.

‘મારી જિંદગી મારી જવાબદારી છે. અને મને સંતોષ મળતો નથી તો તેનો હું જ જવાબદાર છું’- મારી જાત સાથે સંવાદો કરવાની શરૂઆત કરી અને મારામાં રહેલા દોષો પર કામ આરંભ્યું. મારાં મનાંકનો બદલાયાં. દરેકને સમાન દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું. પ્રેમ અને લાગણીનાં વાવેતરો આરંભાયાં. કૉલેજમાં વિદ્યાર્થીઓનો પ્રિય અને મિત્ર બન્યો. જીવનમાં ધ્યેય નક્કી થયું, અને એક ચોક્કસ દિશામાં જીવનનાં કાર્યો આરંભાયાં.

ડૉ. અતુલ ઉનાગર,
મુખ્ય સંયોજક,
હું છું જ્યોતિર્ધર
અભિયાન

“મેં નક્કી કર્યું છે હવે મરીશ નહીં, જીવીશ વર્ષોના વર્ષો,

સદીઓની સદીઓ વીતી જાય ત્યાં સુધી જીવવું છે બધાના હૃદયમાં”

સંઘર્ષ, હિંમત અને પરિવર્તન તરફ...

શિક્ષકમાંથી જ્યોતિર્ધર બનવા તરફનું પ્રયાણ એ સૌથી મોટું પરિવર્તન. આના માટે ખૂબ જ હિંમત એકઠી કરવી પડી હતી. નિર્ણયનો દિવસ આમ તો મારા માટે ખૂબ જ કપરો રહ્યો, કારણ કે શાળા અને ઘર બન્નેનો વિચાર રાત-દિવસ આવતો હતો. એ દિવસ મારી જિંદગીનો ટર્નિંગ પૉઇન્ટ બનીને આવ્યો. મારા જીવનનો પણ કોઈ ઉદ્દેશ, ધ્યેય છે એનો ખ્યાલ આવ્યો. બસ, આ ધ્યેયથી જ મારામાં આ અભિયાનમાં જોડાવાની હિંમત આવી.

ઓએસિસની કાર્યશાળામાં આવ્યા પછી એવું થયું- કોઈક તો છે આપણને સાંભળવાવાળું, તો પછી આપણે પણ અન્યને, બાળકોને સાંભળવા જોઈએ ને? પહેલાં મને એક પ્રકારનો ડર હંમેશાં સતાવતો હતો. પરંતુ, ખબર પડી કે જેઓ બધાથી ડરે છે તેમને બધા ડરાવતા જ રહે છે. મેં નક્કી કર્યું કે અભિયાનમાં જોડાઈને સ્વ-જાગૃતિ લાવીને, સાચા માનવી બનવા તરફ ડગલું આગળ વધારવું છે.

પરિવર્તનની પ્રક્રિયા...

ઓએસિસ કાર્યશાળાએ કલ્પનાની અદ્ભુત દુનિયામાં એવું તો ડોકિયું કરાવ્યું કે અંદર રહેલું બધું જ વર્ષોથી જાણે બંધ પડ્યું હતું, તાળાં લાગી ગયાં હતાં, તેની ચાવી મળી ગઈ.

હવે, બુદ્ધિથી જ્યાં ન વિચારવાનું હોય ત્યાં હું દિલનો ઉપયોગ કરતી થઈ છું. જેનાથી હું બીજાનાં દિલ, મન સુધી પણ પહોંચી શકી છું.

મિતલ દેસાઈ, કાર્યશાળા દરમિયાન ચર્ચામાં

બીજા શું કરે છે? શું કરી શકે છે?- તેના કરતાં હું પોતે શું છું અને શું કરી શકું છું? શું કરીશ?- તેનો ખ્યાલ આવવા માંડ્યો છે. હવે મારી પોતાની અંદર ડોકિયું કરવું પડ્યું એટલે મારાં સ્વપ્નો સાકાર કરવા તરફ પગ માંડ્યા છે. આના કારણે ઘણાને એવું લાગવા માંડ્યું છે કે આ તો સ્વાર્થી છે, આણે તો આમ કરવું છે, તેમ બનવું છે, આ મેળવવું છે, આ બધાનું શું કામ? એવું તો ઘણું ઘણું સાંભળવું પડ્યું છે – ઘરમાં અને શાળામાં દરેક જગ્યાએ. પરંતુ દૃઢ નિશ્ચય કર્યો છે, મારે મારી જાતને બદલવી તો છે જ, ગમે તે થાય.

મારું જ્ઞાન, જાણકારી મારા પૂરતાં સીમિત ન રહેતાં બધાંને, બાળકોને આપવાનો પ્રયત્ન કર્યો છે.

કાર્યશાળા દરમ્યાન એ શીખવાનું મળ્યું કે સંબંધોમાં જીવવું ખૂબ જરૂરી છે. જેના માટે આપણે પોતે જ આપણો દૃષ્ટિકોણ બદલવો પડશે. આપણે જે કહીએ છીએ અને કરીએ છીએ તેના કરતાં વધારે મહત્ત્વની વાત આપણે પોતે જે છીએ તે છે. આ સિદ્ધાંત પર ચાલવાની કોશિશ કરી રહી છું. મારે જીવનને પ્રેમાળ બનાવીને જીવવાની કળા શીખવાની છે. સંબંધોમાં વિશ્વાસ ઊભો કરવાનો છે કે જેથી મારી આસપાસના લોકો સલામતી અનુભવી શકે.

ઓએસિસ કાર્યશાળામાં આવ્યા પછી મારામાં આત્મસંયમ, ધૈર્ય, હિંમત, પડકારો ઝીલવાની તૈયારી આવી, સજ્જતા આવી. મારી દૃષ્ટિ વિશાળ બની. નાનામાં નાની વસ્તુ, વ્યક્તિમાંથી પણ કંઈક ને કંઈક શીખવા માટેની જાગૃતતા આવી.

મિતલ દેસાઈ,
શિક્ષિકા,
ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલ,
નવસારી

“ઓએસિસ કાર્યશાળાઓથી આત્મવિશ્વાસ વધ્યો છે, પોતાની જાત માટે માન થયું છે;
જિંદગીમાં કાંઈક નવું અને સારું કે જે ખૂબ જ જરૂરી છે તે મેળવી રહ્યો છું”

સુખદ અનુભવ...

શિક્ષણના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી સયાજી વૈભવ લાઇબ્રેરીની પ્રવૃત્તિમાં કોઈ વાર ભાગ લેવાનું થાય. આ દરમ્યાન એકવાર જ્યોતિર્ધર અભિયાનની વાત થઈ. અલગ અલગ નવું નવું શીખવાનું ગમે એટલે થયું કે આ તાલીમમાં પણ જોડાઈ જઈએ અને મહાદેવભાઈના સૂચનથી અભિયાનમાં જોડાયા. અંદરથી એવું લાગતું કે આ નવી તાલીમમાં જોડાઈએ પણ નવું શું મળશે? બધી વાતોથી એમ લાગતું કે સમય-સંજોગો અનુકૂળ થશે કે કેમ?

આ તાલીમ માટે સૌપ્રથમ સુખદ અનુભવ થયો પરિચય બેઠકમાં જે ઓએસિસ વેલીઝ પર થઈ. અને પ્રથમ દિવસે જ વિશ્વાસ આવી ગયો કે કંઈક નવું શીખવાનું મળશે જ. અને હવે આમાં સતત આગળ વધવું જ છે.

પ્રથમ કાર્યશાળામાં જઈને તો જાણે એવું લાગ્યું કે હવે જિંદગી અંદરથી બદલાવાની શરૂઆત થઈ ગઈ. પહેલાં મારી પત્ની કાર્યશાળામાં જોડાવવાની નહોતી પણ પ્રથમ સેશન પછી નિર્ણય લઈ લીધો કે હવે એણે પણ જોડાઈ જ જવું. અને જિંદગીની એક નવી શરૂઆત થઈ.

નવી શરૂઆત...

જેમ જેમ ઓએસિસ કાર્યશાળામાં તાલીમ લેતાં ગયા તેમ તેમ જિંદગીને જોવાના, લોકોને જોવાના દૃષ્ટિકોણ, પોતાની જાત માટેનાં વિચારો-રીતભાત બધું જ બદલાવા લાગ્યું. પહેલાં હંમેશાં બીજાની ભૂલો જોતો - હવે પહેલા આંતરખોજ. L3 કોર્સમાં જે વિષયો મળતાં ગયા તેનાથી જીવનમાં ક્યારેય વિચારેલી નહીં એવી દિશાઓ મગજમાં ખૂલી.

કાર્યશાળાની પ્રક્રિયામાં પ્રતીકસિંહ પરમાર

દરેક કાર્યશાળા પછી કાંઈક નવું મળે. આત્મવિશ્વાસ વધ્યો છે. પોતાની જાત માટે માન થયું. અને ચોક્કસપણે માન્યું કે જિંદગીમાં કાંઈક નવું અને સારું કે જે ખૂબ જ જરૂરી છે તે મેળવી રહ્યો છું. હવે ચોક્કસપણે કહી શકું L3 કોર્સમાં ના જોડાયો હોત તો ખાસ કરીને પત્ની સાથેનું જીવન અને દીકરીઓનો ઉછેર અધૂરો રહ્યો હોત! L3 કોર્સમાં પોતાની જાત સાથેની પ્રક્રિયા સૌથી વધારે હૃદયસ્પર્શી બની.

અંગત જીવનમાં પરિવર્તનો...

મારી પોતાની અંગત જિંદગીમાં ખૂબ મોટા પરિવર્તન આવ્યા છે. પ્રથમ તો જિંદગી/ લોકો/ પરિસ્થિતિને જોવાની નજર જ બદલાઈ ગઈ. સૌથી મોટું એ શીખવાનું મળ્યું કે મારી જિંદગી માટે હું જવાબદાર છું તથા જે કાંઈ પરિવર્તન લાવવું એ મારી અંદર જ લાવવું. પહેલાં જલદી ગુસ્સે થઈ જતો. પોતાની વાત-નિર્ણયો બીજા પર લાદતો. હવે બધાના મત લેવા, બધાને સાંભળવા અને ગુસ્સે ના થવું; બધાં જ માટે માન થયું. સૌથી મોટી વાત તો દરેક વ્યક્તિને સ્વીકારતો થયો. અરે! બધાને પ્રેમથી મળવું, એમની સાથે વાતો કરવી. બીજાની લાગણી સમજાવા લાગી.

અંગત જિંદગીમાં હું પહેલાં કરતાં વધારે ખુશ રહેવા લાગ્યો. કોર્સમાં જોડાયો તે પહેલાથી અંદરથી ઊણપનો ભાવ-અહેસાસ આવતો જે ધીમે ધીમે નહિવત્ બન્યો. મારી દીકરીઓના ઉછેરમાં ખરેખર ખૂબ જ મદદ મળી રહી છે. સૌથી સારું Parenting હું કરી શકું છું. સૌથી મોટો આનંદ બન્ને દીકરીઓના ઉછેરમાં મળી રહ્યો છે.

પ્રતીકસિંહ પરમાર,
ટ્રસ્ટી અને ડિરેક્ટર,
નવનિર્માણ હાઈસ્કૂલ,
મરોલી બજાર,
જિ. નવસારી

“જ્યોતિર્ધર અભિયાન એટલે બાળકોને સમજવાની આવડત કેળવવાની કાર્યશાળા;

ઓએસિસ એટલે મૂંઝાયેલા, ડરેલા શિક્ષકો અને આચાર્યોને મનોબળ મેળવવાની જગ્યા”

સંઘર્ષમય જીવન...

એક સુંદર નાની છોકરી જે આ વિશ્વમાં અનેક સપનાં જોતી, કંઈક કરવાની તમન્ના રાખતી અને ઊંચાં ધ્યેય રાખી એને મેળવવા તનતોડ મહેનત કરતી. દુનિયાદારીથી એ અજાણ હતી, દુનિયામાં એને બધા જ સારા લાગતા. એને કંઈક બનવું હતું. તે ઉત્સાહભેર આગળ વધી રહી હતી. ૨૮ વર્ષની ઉંમરે આજીવન અપરિણીત રહી જીવન પસાર કરવાનો નિર્ણય લીધો. પછી ડગલે ને પગલે એને યાદ કરાવવામાં આવ્યું કે “મર્યાદામાં જ રહેવું, મર્યાદા ઓળંગીને કરેલું કામ એટલે ગુનો.” ખૂબ જ ખુમારીસભર વ્યક્તિત્વ એટલે આવી ગેરસમજવાળા સમાજ સાથે સંઘર્ષો શરૂ થયા. એમાં સૌથી મોટો સંઘર્ષ પોતાની માતા સાથે થયો.

‘આદર્શવાદી’ માતા નિર્ણયો લેવામાં મૂંઝવણ ઊભી કરતી અને એમની દલીલો સામે મારે હંમેશાં ઝૂકી જવું પડતું. મને ખૂબ દુઃખ થાય, નિરાશા ઊપજે અને આપઘાતના વિચારો આવે. માતાને ભાઈ ખૂબ વહાલો. એના તરફ એમનું વધારે ધ્યાન. ડગલે ને પગલે માતા તરફથી ભાઈને મળતું પ્રોત્સાહન, વખાણ મારા દિલને તોડી પડતા. માતાનો પ્રેમ મેળવવા માટે મેં ભાઈ

જેવા બનવા મહેનત કરવા માંડી. પણ સંબંધ સુધરવાને બદલે દલીલબાજીનો, ઉગ્ર ચર્ચાનો અને સંઘર્ષમય થઈ ગયો. અમે બંને ખૂબ દુઃખી થતાં. ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ એ સમજવા છતાં મારી સમજવાની મર્યાદાને કારણે હું મારા એ સંબંધમાં કટોકટી અનુભવતી.

પરિવર્તનની શરૂઆત...

આ જ સમયે ‘હું છું જ્યોતિર્ધર અભિયાન’ દ્વારા મને ઓએસિસ મળ્યું, કાર્યશાળાઓ મળી. મારા સંબંધોને સમજવાની મારી અપરિપક્વતા છતી થઈ. 'મહાન હૃદયોના સારેગમપધનિ’એ મને જવાબદારીનું ભાન કરાવ્યું. બોલવું, દલીલો ઓછું કરીને સાંભળવું શરૂ કર્યું.

 

ઓએસિસ કાર્યશાળામાં ગૂંથાયેલા નેહા વ્યાસ

વળી, એમાં સામેથી સાંભળવું પડ્યું કે, “તું સ્વાર્થી થઈ ગઈ છે, લાગણીહીન થઈ ગઈ છે. મનસ્વી થઈ ગઈ છે અને અમારી લાગણી કે સમાજના અભિગમનું તને ભાન નથી.” મેં મારા અહમ્ પર કામ કર્યું. ગુસ્સે થયા વગર, શાંત ચિત્તે જવાબ આપવાની શરૂઆત કરી. દરેક પ્રસંગને આનંદથી વધાવી લેવાની પૂર્વતૈયારી કરતી થઈ. માતા સાથે દરરોજ અડધો કલાક શાંતિથી વાતચીત માટે આપતી થઈ. એમના સ્વાસ્થ્યની વધુ કાળજી રાખતી થઈ. અને મારી યાત્રાની ફરીથી શરૂઆત થઈ.

ઓએસિસે મને દરેક સંબંધને, મારા વ્યક્તિત્વને અને તમામ પ્રસંગોને અલગ રીતે જોવાની, માણવાની દૃષ્ટિ આપી. એ મારા જીવનમાં મીઠી વીરડી સમાન બન્યું.

 

નેહા વ્યાસ,
આચાર્ય (પ્રા. વિભાગ),
ડિવાઇન સ્કૂલ, દાંતેજ,
જિ. નવસારી

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives, Please   Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.