“મનુષ્ય જેમ વિચારે છે,
તેવો જ તે બને છે,
અને તેવું જ જીવન તેને મળે છે”
સત્ય કે પછી નિરર્થક શાસ્ત્રાર્થ?
|
સાચી સફળતા, ચારિત્ર્ય-ઘડતર તથા ઉન્નત જીવનને મનુષ્યના વિચારો સાથે સીધું જોડતું,
સમાજમાં વૈચારિક ક્રાંતિ પ્રેરવા સક્ષમ તેવું,
સંજીવ શાહનું નવું પુસ્તક...
હૃદયે ક્રાંતિ ... હું જ મારો ભાગ્યવિધાતા |
|
Taking the crux from the literature of British thinker & writer of 19th century, James Allen, Sanjiv Shah (the author of Mahaan Hrudayona SaReGaMaPaDhaNi…) brings ‘Hrudaye Kranti’ – a book which has potential to ignite revolution in the hearts & lives of the readers. |
“દરરોજ આ પુસ્તક દ્વારા ધ્યાનની સાધના કરવાથી સાધકના હૃદયમાં અને જીવનમાં
ક્રાંતિ થશે જ તે વિશે સહેજ પણ શંકાને સ્થાન નથી” |
“મનુષ્ય જેમ વિચારે છે, તેવો જ તે બને છે, અને તેવું જ જીવન તેને મળે છે.”
વર્ષો પહેલાં જેમ્સ એલનના ‘એઝ અ મેન થિંકેથ’ પુસ્તકના સંપર્કમાં આવવાનું થયું હતું. પણ ત્યારે આ સત્ય પર ચિંતન કરવાનો અવસર પકડાયો નહીં. એકાદ વર્ષ પહેલાં ફરી આ પુસ્તક હાથમાં આવ્યું, તો સમજાયું કે આ તો ચારિત્ર્ય ઘડતરની જાણે ગીતા જ છે. તેનું દરેક વાક્ય જાણે મહાન સત્ય ઉચ્ચારતું સૂત્ર જ જોઈ લ્યો. જીવન પ્રત્યે ગંભીર અને ચિંતનશીલ મનુષ્યના હાથમાં સોનાની ખાણ જ આવી ગઈ હોય તેમ લાગે.
અલબત્ત, આ સૂત્રો સમજવા, સ્વીકારવા અને જીવનમાં અજમાવવા આસાન નથી. તેથી જેમ્સ એલનનાં અન્ય પુસ્તકોના શાણપણના પરિપાકને વિસ્તારીને મારા વાચકમિત્રોના હાથમાં મૂકી રહ્યો છું.
જેમ્સ એલન કહે છે કે,
જ્યારે મનુષ્યના હૃદયમાં ઉચ્ચ જીવન જીવવાની અભિલાષા-
તીવ્ર અને ઉત્કટ ઇચ્છા પ્રગટે છે,
અને પછી જ્યારે તે જીવનને સમજવા મન-હૃદય એકાગ્ર કરે છે,
ત્યારે ધ્યાનનો જન્મ થાય છે.
દરરોજ આ પુસ્તક દ્વારા ધ્યાનની સાધના કરવાથી સાધકના હૃદયમાં અને જીવનમાં ક્રાંતિ થશે જ તે વિશે સહેજ પણ શંકાને સ્થાન નથી. આપણે જીવન કેટલું સુધારી શકીએ છીએ તે આપણા ગજાની વાત છે, પરંતુ સત્યની પ્રતીતિ અને સાક્ષાત્કારનો સંતોષ પણ ઓછો નથી.
મારા સૌ વાચકમિત્રોને એકાંતમાં આ પુસ્તક પર ચિંતન-મનન-ધ્યાન કરવા માટે મારો ખૂબ સ્નેહભર્યો આગ્રહ છે. મહેરબાની કરીને આ પુસ્તકને વાંચી જઈને, તેના પર ચુકાદો કે ટિપ્પણી આપી દઈને (‘ખૂબ સરસ છે’ કે ‘આ બધું ઠીક છે’ કે ‘આ બધું પ્રેક્ટિકલ નથી’... કહીને), પુસ્તકને બાજુ પર મૂકી દેતા નહીં. જેમ્સ એલન ભાર મૂકીને કહે છે તેમ, આપણે આપણા જીવનનાં ઉદાહરણોની |
સાપેક્ષે આ પુસ્તકનાં સત્યોનો અહેસાસ કરીએ તો જ આ પુસ્તકની કાંઈક ઝાંખી થઈ કહેવાય.
આજના અધીરાઈ, ઉશ્કેરાટ, આક્રમકતા, ઘર્ષણ, ગરમાગરમ દલીલો, કલેશ અને અશાંતિના જમાનામાં જેમ્સ એલન આપણને જીવનનું રહસ્ય પુનઃ પુનઃ યાદ કરાવી રહ્યા છે. દરરોજ વહેલી સવારે, જ્યારે વિશ્વ સૂતું હોય ત્યારે, તેઓ પોતાનો મૂલ્યવાન સમય આ લખાણો દ્વારા ભીતરી સત્યોને પ્રગટ કરવામાં વિતાવતા. તેમને ‘જીવનશિક્ષક’ કે ‘ધ્યાનના મસીહા’ કહીએ તો તે ખરેખર સાર્થક છે. જે મનુષ્ય તેના એકેએક શબ્દને જીવ્યો હોય, તેના શબ્દોમાં જ આવી શક્તિ, આવું તેજ હોય. એમ કહે છે કે સાચા ગુરુ છેવટે મનુષ્યને તેના જ હૃદય તરફ, તેના જ ભીતરમાંના શિક્ષક તરફ દોરે છે. એ રીતે જોઈએ તો ભલે એક સૈકા પહેલાંનાં તેમનાં આ લખાણો છે, તેઓ આ અને આવનારી સદીની માનવતા માટે ગુરુપદે જ રહેવાના છે.
હંમેશની જેમ, મને ઊંડી શ્રદ્ધા છે કે આ પુસ્તકના સર્જન પાછળનો પુરુષાર્થ નવમાનવ અને નૂતન વિશ્વની ઉત્ક્રાંતિમાં પોતાનું નમ્ર યોગદાન આપશે.
~ સંજીવ શાહ |
|
|
“બદલે વિચાર હૃદયે તો બદલે બહાર જિંદગી” |
જેમ્સ એલન (૧૮૬૪ - ૧૯૧૨)
“મારાં લખાણો મારાં ધ્યાન અને અનુભૂતિનો પરિપાક છે.
તેમનો હેતુ વિચારની શક્તિના વિષયે વિસ્તાર કરવાનો નહીં,
કેવળ સૂચક અને અંગુલીનિર્દેશ કરવાનો જ છે,
કારણ કે આ વિષયે આમ પણ ઘણું લખાયું જ છે.
મારાં લખાણોનો હેતુ મનુષ્યોને પ્રેરણા પૂરી પાડવાનો છે,
જેથી તેઓ એ સત્યને શોધી તથા સમજી શકે,
કે તેમના વિચારોને પસંદ કરી, પ્રોત્સાહિત કરીને,
તેઓ ખુદ તેમના અને તેમની નિયતિના સર્જક છે,
તેમનું મન-હૃદય જ ખરું ભરતગૂંથણ કરનારું છે,
ચારિત્ર્યનું અંતર્વસ્ત્ર અને સંજોગોનાં બાહ્યવસ્ત્ર વણનારું છે.
તેમણે આજ સુધી અગર અજ્ઞાન અને પીડા સર્જ્યાં છે,
તો હવે તેઓ જ્ઞાન-પ્રકાશ અને આનંદને સર્જી શકે છે.” |
|
Informal Launching of 'Hrudaye Kranti' by Oasis L3 Course Participants |
|
Photo above: Sanjiv Shah, in the center with participants, launching the book
Hrudaye Kranti book was informally launched on 26th July during the workshop of Oasis L3 Course by the participants. |
હૃદયે ક્રાંતિ
લેખક: સંજીવ શાહ
પ્રકાશક: ઓએસિસ સેલ્ફ-લીડરશિપ એજ્યુકેશન ફૉર કમ્યૂનિટી ડેવલપમેન્ટ, વડોદરા
પૃષ્ઠ: 160 કિંમત: રૂ. 350/-
પ્રાપ્તિસ્થાન
ઓએસિસ, “મૈત્રીઘર”, 201, શાલીન ઍપાર્ટમેન્ટ, 52, હરિભક્તિ કોલોની, રેસકોર્સ, વડોદરા - 390007
ટેલિફેક્સ: +91-265-2321728 e-mail: theoasisshop@yahoo.co.in
વળતરની યોજનાઓનો લાભ લેવા આજે જ તમારો ઑર્ડર નોંધાવો... |
પુસ્તકમાં ઉજાગર થતાં સત્યોના અંશોની ઝાંખી... |
મનુષ્યજીવનની બધી જ બાહ્ય પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રાપ્તિઓનું ઉદ્ગમસ્થાન કેવળ એક જ છે – અને તે છે તેનું હૃદય. બધાં જ સુખો અને દુઃખોનાં મૂળ મનુષ્ય બહાર જે પ્રવૃત્તિઓ કરે છે તેમાં નહીં, પણ તેનાં હૃદય અને મનની આંતરિક પ્રવૃત્તિઓમાં રહેલાં છે. |
એક શક્તિશાળી, બુદ્ધિશાળી અને પ્રેમાળ હસ્તી તરીકે, મનુષ્ય પોતાના વિચારોનો સ્વામી છે. દરેક પરિસ્થિતિની ચાવી તેના હાથમાં જ છે. તેની પાસે પોતાની ભીતર જ પરિવર્તન અને નવસર્જન માટેની એવી આવડત છે કે તે જે ધારે તે પોતાને બનાવી શકે છે. |
મનુષ્ય એમ માને છે કે વિચારોને ગુપ્ત રાખી શકાય છે, પણ એવું નથી. વિચારો ખૂબ ઝડપથી આદતમાં આકાર પામે છે, અને આદત છેવટે સંજોગોમાં સ્થાયીરૂપ ધારણ કરે છે. નીચ કક્ષાના વિચારો છેવટે શરાબીપણું કે ભોગવિલાસની આદતોમાં પરિણમે છે, અને આ આદતો છેવટે નિર્ધનતા અને રોગ-વ્યાધિના સંજોગોમાં ઊભરી આવે છે. |
જે મનુષ્ય પોતાની ગુપ્ત વાસનાઓ, તેની લોલુપતા, તેનો ક્રોધ, તેના આના કે તેના વિશેના અભિપ્રાયો વગેરે છોડતો નથી, ત્યાં સુધી તેને કશું દેખાતું નથી, તે કશું જાણી-સમજી શકતો નથી. ભલે તેને વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ અભ્યાસ કરેલો અને જ્ઞાની માનવામાં આવતો હોય, પરંતુ જીવનની શાળાનો તો તે ઠોઠ વિદ્યાર્થી જ રહેવાનો છે. |
એક માણસ જ્યારે ફરિયાદ અને નિંદા કરવાનું બંધ કરે છે,
અને કયો અદૃશ્ય ભાવ તેના જીવનને નિયંત્રિત કરી રહ્યો છે
તે સમજવા માટે તે જ્યારે સંશોધન કરવાનું શરૂ કરે છે,
ત્યારે જ તે સાચા અર્થમાં માનવ બનવાનું શરૂ કરે છે. |
આપણે જ્યારે વિચારોને મક્કમતાપૂર્વક હેતુઓ સાથે સાંકળીએ છીએ ત્યારે એ વિચારો સર્જનાત્મક બળ બની જાય છે. જે મનુષ્ય આ જાણે છે તેને હવે ખાલી ભટકતા વિચારો કે આવનજાવન કરતી વૃત્તિઓનું પોટલું બની જવામાં રસ નથી. તેને હવે કાંઈક મહાન અને શક્તિશાળી બનવામાં જ રસ છે, હવે તે તેને માટે તૈયાર પણ છે. |
જે મનુષ્ય પોતાના હૃદયમાં કોઈ બુલંદ આદર્શને કે સુંદર દર્શનને સર્જે છે ને તેમની માવજત કરે છે, તે એક દિવસે તેને જરૂર સાકાર કરી શકશે. મનુષ્ય જ્યારે તેના હૃદયમાં કોઈ સ્વપ્ન સેવે છે અને તેને પાળે-પોષે છે તો છેવટે તે સ્વપ્ન સાકાર થાય છે જ અને સમગ્ર માનવતા માટે તે ઉન્નતિકારક બની જાય છે. |
|
ઉમદા અને આદર્શ વિચારો સાથેના લાંબા સમયના સેવન અને સાધનાથી જ મનુષ્યનું ચારિત્ર્ય પણ ઉમદા અને આદર્શ બને છે. આ જ પ્રક્રિયા પ્રમાણે મનુષ્ય જ્યારે સતત હીન અને અનિષ્ટ વિચારો કર્યા કરે છે ત્યારે તેના પરિણામરૂપે જ તે નીચ અને હેવાન બની જતો હોય છે. |
મનુષ્યનું ચારિત્ર્ય તેનું પોત છે. જેમ તાણાવાણાઓથી વસ્ત્ર બને છે, તેમ વિચારોથી ચારિત્ર્ય બને છે. મનુષ્ય તેના હૃદયની અંદર વારંવાર જે વિચાર્યા કરે છે, જપ્યા કરે છે, સેવ્યા કરે છે તે જ તેનું ચારિત્ર્ય છે.
સંજોગો મનુષ્યના ચારિત્ર્યને
પ્રગટ કરે છે,
બનાવતા નથી. |
કોઈ પણ એક વિચારની શૃંખલા, ચાહે તે સારા હોય કે નરસા, જો ચાલતી રહે તો તેનાં ચારિત્ર્ય અને સંજોગો પર અસર કરતાં પરિણામો ઊભાં થયા વિના રહેતાં નથી. મનુષ્ય પોતાના સંજોગોની પસંદગી નથી કરી શકતો, પરંતુ તે પોતાના વિચારોની પસંદગી દ્વારા, ભલે આડકતરી પણ ચોક્કસ રીતે, પોતાના સંજોગોને આકાર આપી જ શકે છે. |
દુઃખ અને વેદના હંમેશાં ખોટી દિશામાંના ખોટા વિચારોનું જ પરિણામ હોય છે. મનુષ્ય પોતાની સાથે સંવાદિતામાં નથી તેનાં જ આ લક્ષણો છે. તે બતાવે છે કે મનુષ્ય જીવનના નિયમોને અનુસરી નથી રહ્યો. જે વિચારો નકામા છે, બિનઉપયોગી છે, અશુદ્ધ છે તેમને બાળીને શુદ્ધીકરણ કરવું તે જ દુઃખોનો એકમાત્ર અને ઉચ્ચ હેતુ છે, ઉપયોગ છે. |
જે મનુષ્ય પોતાના વિચારો બદલતો નથી
તેને ખોરાકમાં પરિવર્તન કરવાથી કોઈ ફાયદો થતો નથી.
જ્યારે મનુષ્ય તેના વિચારને શુદ્ધ કરે છે,
ત્યારે તેને અશુદ્ધ ખોરાકની ઇચ્છા જ થતી નથી. |
આ વિશ્વ કદી લોભિયા, અપ્રામાણિક, દ્વેષીલા અને ઝેરીલા મનુષ્યોને મદદ કરતું નથી, ભલે ક્યારેક ઉપરછલ્લું જોતાં તેવું લાગે. વિશ્વ તો પ્રામાણિક, ઉદાર-હૃદયના અને ગુણવાન માનવોને જ મદદ કરે છે. |
જ્યાં સુધી મનુષ્ય પોતાને જીવનની પાઠશાળાના આજીવન શીખનાર વિદ્યાર્થી તરીકે જોતો નથી, ત્યાં સુધી તે પોતાના જીવનમાં સતત, સતત શીખી શકતો નથી. |
|
|
|