// Year 11 // Issue 16 // 23 November 2018   NEWSLETTER CUM MAGAZINE OF OASIS MOVEMENT
First Gift Oasis gives to Youths is

Self-Reliance 
Youths taking decisions independently during Oasis Dream India Camp
મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યે પરાવલંબીમાંથી સ્વાવલંબી બનવું જોઈએ. પરંતુ સ્વાવલંબી બનવું એ કોઈ કમજોર કે ઢીલાપોચાનું કામ નથી. માત્ર વિચારો કે મોટી મોટી વાતો કરવાથી આપણે સ્વાવલંબી નથી બની શકતા. પણ જે પોતાને લગતી દરેક બાબતો માટે પોતાની પર જ આધાર રાખે, વિચારો અને લાગણીઓમાં આવ્યા વગર પોતાના જીવનના નિર્ણયો જવાબદારીપૂર્વક લઈ શકે તેવી જ વ્યક્તિ સ્વાવલંબનના માર્ગ પર આગળ વધી શકે. ભૂલ કે નિષ્ફતાઓમાંથી પણ શીખતા જઈને જીવનને સાચી રીતે માણતાંં રહેવું એ સ્વાવલંબન માટે એક અગત્યની બાબત છે. ઓએસિસ બાળકને એક પરિપક્વ યુવાન બનવા તરફની સાચી કેળવણી આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે.

બાળકો પોતાની સ્વતંત્રતાનો અનુભવ કરી શકે, નિર્ણયશક્તિની ઓળખ મેળવી શકે તે માટે ઓએસિસ અનોખા ડ્રીમ ઈન્ડિયા કૅમ્પનું આયોજન કરે છે. આ કૅમ્પમાં મોટે ભાગે 10 થી 18 વર્ષના બાળકો હોય છે જેમાંથી ઘણાં પહેલીવાર આઠ દિવસ માટે પોતાના માબાપ અને ઘરથી દૂર આવે છે. પોતાનું કામ પોતે કરતાંં શીખે છે સાથે પોતાની માટે સાચા-ખોટા નિર્ણયો પણ જાતે લેતાંં શીખે છે. બાળ-અદાલત ચલાવી દરેક બાબત અંગે ભેગાંં મળી જાતે નિર્ણયો લઈ ન્યાય કરતાંં શીખે છે; અને સ્વતંત્ર રીતે પોતાના સ્વપ્નના ભારતની રચના કરે છે. આજ રીતે ઓએસિસના લાઇફ કૅમ્પ હોય, મિસાલની સ્પર્ધા હોય કે હાકલ પ્રોજેક્ટ હોય, આ દરેકમાં બાળકો પોતાના વિશે વિચારતાં થાય છે; આગળ શું કરવું છે? હાલ શું કરી રહ્યાં છે? તે દરેક બાબતોથી સભાન બને છે.
"અમે સૌ ભેગા મળીને અમારા સ્વપ્નના ભારતને ચલાવીએ છીએ" 
સ્વાવલંબન યુવાનોને ખુમારીથી જીવતા શીખવે છે...
 
સ્વાવલંબન એ જ મિસાલ ઑનરશીપનું હાર્દ છે. આ માટેની પહેલી પરીક્ષા થઈ પોતાનું શહેર, મા-બાપનું ઘર છોડી પોતાના દમ પર પોતાની ઓળખ ઊભી કરવાની. ઑનરશિપમાં જોડાયા બાદ યુવાનો આજે ભેગા મળીને પોતાના જ નિયમો બનાવી ઘર ચલાવે, સાથે પોતાના કામ અને અભ્યાસને પણ સંભાળે છે, કપડાં ધોવાથી લઈને શાકભાજી ખરીદવા જેવા દરેક કામો જાતે કરતા શીખે છે. પોતાની નાનામાં નાની જવાબદારી તો લેતા શીખે છે સાથે ઓએસિસના ઘણાં ખરા કાર્યોની જવાબદારી લઈ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. આ જ યુવાનો સભાનતાથી પોતાને ઓળખી રહ્યા છે, જાતે નિર્ણયો લઈ આગળ વધતા રહે છે. એક પ્રોફેશનલ વ્યક્તિની જેમ પોતાના કામની અને તેમાં થતી ભૂલોની જવાબદારી પણ લે છે.

સ્વાવલંબી જીવન જીવવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. કારણ કે જે કામ આપણે ક્યારેય કર્યું નથી અથવા હંમેશાં બીજા પર આધાર રાખ્યો છે, તે કરવા માટે ખૂબ સાહસની જરૂર પડે છે. હાલ ઓએસિસ યુવાનોને ખુમારી ભેર જીવન જીવવાનો મોકો આપી રહ્યું છે; જ્યાં સંઘર્ષોમાં પડવાનો ને તેમાંથી બહાર નીકળીને પોતાની જાતને વિસ્તારવાનો મોકો મળી રહ્યો છે. આમ, ઓએસિસ સ્વાવલંબી જીવન જીવવાની સાચી કેળવણી આપી રહ્યું છે.
યુવાનો દરેક કામ પોતાની જાતે કરતા શીખી રહ્યા છે 
Financial, Intellectual & Emotional Independence = Self-Reliance 
 
ઑનરશિપના એક મિત્રના ઘરેથી અખરોટ મોકલવામાં આવ્યાં કે સૌ મિત્રો મળીને આને માણજો. ત્યારે પરિવારના આગ્રહને કારણે અખરોટનો તો સ્વીકાર કરવો પડ્યો, પણ પછી પ્રશ્નો ઊભા થયા કે આ ભેટને સ્વીકારવી જોઈએ કે નહીં. જો સ્વીકાર ના કરીએ તો પરિવાર દુઃખી થાય ને જો એકવાર સ્વીકારી લઈએ તો પછી દર વખતે આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે; તો પછી ઑનરશિપનો મર્મ મરી જાય. ત્યારે સૌએ ભેગા મળીને એ સમજણ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો કે જ્યાં સુધી આપણે પોતે આવી મોંઘી ચીજો ખરીદવાની આપણી ક્ષમતા બનાવી લઈએ નહીં ત્યાં સુધી આવી ભેટ પણ કેવી રીતે સ્વીકારી શકીએ? બીજી એ વાત સમજ્યા કે જ્યાં સુધી આપણે પોતાના દમ પર કંઈ આપતા નથી ત્યાં સુધી લેવું શી રીતે? ત્યાર પછી અખરોટ પાછા મોકલવામાં આવ્યાં; પરિવાર તરફથી આનાકાની કરવામાં આવી પણ જ્યારે એમની સામે પણ આ નિર્ણય પાછળની વાતો રજૂ કરી ત્યારે એમણે પોતાના સંતાન માટે તો ગર્વ જ અનુભવ્યો. આ ઘટના પરથી સૌ કોઈને ઑનરશિપ સાથે જોડાયેલ સ્વાવલંબનના વિશાળ અર્થને સમજવાની એક અનેરી તક મળી.
ઓએસિસની સાથે જોડાયેલ યુવામિત્રોના મતે સ્વાવલંબન...
“ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી અમે ઘણું સારું શીખ્યા. જેમ કે પોતાના નિર્ણયો જાતે લેવા; પોતાનું કામ જાતે કરવું જેથી કામ કર્યાની ખુશી મળે ને સાથે આત્મવિશ્વાસ પણ વધે. પોતાની સમસ્યાનું નિરાકરણ પણ જાતે લાવતા શીખવું. અહીંથી હું જાણી શક્યો કે પોતાનું કામ જો સારી રીતે કરીએ તો તેનાથી પોતાની એક અલગ ઓળખ ઊભી થાય છે."
- બીજુલ  કોઠડીયા

"સ્વાવલંબન કેળવવું એ ખૂબ અઘરી બાબત છે. જ્યારે મિસાલ ઑનરશિપમાં હું જોડાઈ ત્યારે દરેક કામ જાતે ને વ્યસ્થિત રીતે કરવાનું હોય તો આળસ, બેદરકારીને દૂર કરી પોતાની નબળાઈઓ સાથે લડીને મજબુત બનવું એ ખરેખર હિંમત માંગી લે છે. આ પ્રક્રિયામાં જોડાવા માટે જ્યારે પોતાનું શહેર, ઘર, પરિવાર વગેરે છોડીને આવી ત્યારે સાચી રીતે હું મારા પગ પર ઊભા થતા શીખી." 
- કૃતજ્ઞા ટંડેલ

“As a participant of Misaal Honourship Explorer Project I feel very proud of myself. I do really feel that Oasis has given me a beautiful gift of independence and courage. I am 18 years old and I am delighted to write that I earn on my own though I belong from a wealthy family. Today I am so happy that I study on my own, stay on my own, work on my own and  live on my own. The process of Misaal Honorship is so beautifully arranged that once you get into it you start moving with the flow and you start developing. So yes! MHE taught me the real meaning of independence."
 
- Avadhi Shah
ઓએસિસ આપે છે યુવાનોને સ્વાવલંબનનું આહ્વાન!

સ્વાવલંબનની ભેટ
 
જિંદગીમાં સફળતાનું સાચું રહસ્ય શું છે?
ખુદના દમ પર જીવન જીવતાં શીખવું,
સ્વનિર્ભર બની, સંઘર્ષોનો સામનો કરવો,
અને આમ સ્વાવલંબી, આપકર્મી બનવું?

ચકલા-ચકલીમાં પણ એવી સૂઝબૂઝ હોય છે.
કે તે પોતાનાં નાનાં બચ્ચાઓને પાળે-પોષે છે.
પણ થોડાં મોટાં થતાં જ માળાની બહાર ધકેલે છે.

શું ચકલા-ચકલી જેટલી પણ અક્કલ
બુદ્ધિશાળી કહેવાતા માણસમાં નથી?

શું માબાપને ખબર છે કે તેઓ શું કરી રહ્યાં છે?
શું સંતાનોને ખબર છે કે તેઓ શું ગુમાવી રહ્યાં છે?
સ્વાવલંબનની ભેટ (૧૬ પૃષ્ઠ)    કિંમત: રૂ. ૧૬/-   લેખક: સંજીવ શાહ
પુસ્તકમાંના કેટલાક અંંશો:-

જેની પાસે કશું નથી તે પણ અગર સ્વાવલંબી છે, સ્વતંત્ર છે તો તેનાં ડગલાંમાં શહેનશાહ જેવો આત્મવિશ્વાસ હોય છે. પોતાની બધી દૈનિક જરૂરિયાતો માટે, પોતાનાંં મોજશોખ અને અદ્યતન સવલતો માટે, પોતાના વિચારો અને નિર્ણયો માટે, પોતાની ખુશી અને લાગણીઓ માટે– પોતાના જીવનના દરેક પાસા માટે જે અન્યો પર નિર્ભર છે, તો બધું હોવા છતાં તેની પાસે કશું જ નથી. તેની દુનિયા એક કેદખાનું છે. તેના હાથપગ સાંકળોથી બંધાયેલા છે, ભલે એ સાંકળો સોનાની કેમ નથી.
પ્રેમના નામે પણ સાંકળો હોય છે. તમે જો એ સાંકળોથી બંધાયેલા છો તો એને તોડી નાખો. આઝાદ થઈને અનંત આકાશમાં ઊડવાના મનોરથ રાખો. નમ્રતાથી, પણ મક્કમતાથી ગુલામ થવાનો ઇન્કાર કરો. ગુલામ બનાવવાવાળાં પરિબળોથી દૂર રહો. જિંદગી દુર્લભ છે. અસંખ્ય મહાન વિભૂતિઓનાં જીવન તમારી સામે ખુલ્લાં છે. કૃપયા એમનું સાંભળો, તમારા માહ્યલાનું સાંભળો, તમને શક્તિશાળી બનાવવા જે હિતેચ્છુઓ ઇચ્છે છે તેમનું સાંભળો. જીવન દુર્લભ છે; યુવાની તો એથી પણ દુર્લભ. પોતાના પગ પર ઊભા રહો અને તમારી પાંખોથી તમારા આકાશની શોધ કરો.
જીવનની કરોડરજ્જુ... સ્વાવલંબન
 

"શરીરમાં જો કરોડરજ્જુ ના હોય,
તો માણસનું ધડ ફસડાઈ પડશે;
માણસ માથું ઉપર રાખી નહીં શકે.


જીવનમાં જો સ્વાવલંબન  ના હોય,
તો મનુષ્યનું જીવન ફસડાઈ પડશે;
મનુષ્ય ગૌરવપૂર્વક જીવી નહીં શકે."
શું તમે ખરેખર સ્વાવલંબી છો?

તો ચાલો, કેટલાક પ્રશ્નો કરી પોતાને ચકાસી જોઈએ...
  • તમે તમારું દરેક કામ શું જાતે કરી શકો છો? શું તમે સાફ-સફાઈથી લઈને તમારું ભોજન પણ જાતે બનાવી શકો છો?
  • શું તમે તમારા જીવનના અગત્યના નિર્ણયો જાતે લઈ શકો છો?
  • પોતાનો ખર્ચો શું તમે પોતે ઉપાડી શકો છો? શું તમારી પાસે કશું પેદા કરવાની ક્ષમતા છે ખરી?
  • તમે શેના ગુલામ છો તે જાણો છો? શું તમને જે ગમે છે તે જ તમે કરો છો?
  • શું તમે સાચા - ખોટા વચ્ચે ભેદ તારવી શકો છો?
  • શું તમે હંમેશાં બીજાના ચિંધેલા માર્ગ પર જ  આગળ વધો છો?
  • પોતાની ભૂલોની જવાબદારી શું તમે લઈ શકો છો?
  • તમારામાં સંઘર્ષોનો સામનો કરવાની હિંમત છે ખરી? 
  • શું તમે જીવનમાં પુરુષાર્થથી જ આગળ વધવામાં માનો છો? 

Anything that makes you weak Physically, Intellectually and Spiritually,
Reject as poison.
~Swami Vivekanand 
 
Website
Alive Archive
Subscribe
YouTube
TEAM ALIVE

Alkesh Raval
Hiral Patel
Jolly Madhra
Krishna Patel
Kshama Kataria
Mehul Panchal
Sanjiv Shah
Sheeba Nair
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.