અમૃત હૈયાનાં પાજો!
એવું નથી કે આપણે કશું આપવું હોય તો આપણે ધનવાન હોવા જોઈએ. કેટલીય બાબતો એવી છે કે જે આપવા માટે એક પૈસાની પણ જરૂર નથી, અને છતાં આ ભેટ આપનાર માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. આ રહ્યાં કેટલાંક ઉદાહરણો –
૧. ચિઠ્ઠી દ્વારા અભિવ્યક્તિની ભેટ – કોઈ સીધું સાદું વાક્ય ‘મદદ માટે આભાર’ કે પછી હસ્તલિખિત લાંબો પત્ર – જેમને મળે તે કદાચ તેને જીવનભર સંઘરી રાખે કે તે કદાચ તેમનું જીવન પણ બદલી નાખે.
૨. પ્રશંસાની ભેટ – “તેં સરસ કામ કર્યું છે” કે “તમે આજે સુંદર દેખાવ છો”, કે પછી “ભોજન ખૂબ સરસ હતું” તેવું કહેવાથી કોઈનો દિવસ સુધરી જઈ શકે છે.
૩. સ્મિતની ભેટ – લાગે છે તેટલું આ સહેલું નથી, અને છતાં ખરેખર કેટલું સહેલું છે! આપણું સ્મિત કોઈના મનમાં વાદળો વિખેરી નાખતા સૂર્ય સમાન બની શકે છે.
૪. સ્નેહ-અભિવ્યક્તિની ભેટ – આપણે અન્યોને ઉદારતાથી, યોગ્ય રીતે હગ કરીએ-ભેટીએ, તેમનો ખભો થાબડીએ, તેમના હાથને ઉષ્માપૂર્વક પકડીએ... આ બધું આપણા કુટુંબ અને મિત્રો માટે આપણા સ્નેહની પ્રતીતિ કરાવતું હોય છે.
૫. એકાંતની ભેટ – ક્યારે આપણે એકદમ એકલા રહેવા ઇચ્છીએ છીએ ને? કોઈ આપણને ખલેલ ન પહોંચાડે, એકલા રહેવા દે એવું માગીએ છીએ ને? તો તેવું અન્યોને પણ થતું હોય છે. બીજા પ્રત્યે સંવેદનશીલ રહીને તેમને એકાંતની ભેટ આપવી જોઈએ.
૬. શ્રવણની ભેટ – આ પણ આપવી અઘરી, પણ અમૂલ્ય ભેટ છે. કોઈને કેવળ, કેવળ સાંભળીએ. કોઈ ખલેલ નહીં, સલાહો નહીં, શું જવાબ આપવો તેની તૈયારી નહીં, ફ્ક્ત તેમની ભાવનાઓને સમજીએ.
૭. મદદની ભેટ – થોડુંક કષ્ટ ઉઠાવીને, જ્યાં થઈ શકે ત્યાં કોઈને કોઈ મદદ કરીએ.
૮. અભિવાદનની ભેટ – આ તો સાવ સહેલું છે. કોઈને પ્રસન્નતાથી ‘હેલ્લો’, ‘ગુડ મૉનિંગ’ કે ‘થૅન્ક યૂ’ કહેવું.
એમ લાગી શકે કે આ બધી ખૂબ નાની, તુચ્છ લાગે તેવી બાબતો છે. સ્મિત અને અભિવાદનથી વળી કોઈને શું મળી જવાનું છે? તેનાથી કોનો ઉદ્ધાર થઈ જશે? આવી બાબતોનું મૂલ્ય આપણે નથી કરી શકતા, અને છેવટે આપણે આ બધું પણ આપવાનો પ્રયત્ન નથી કરતા.
ક્યારેક એક તણખાથી આગ લાગી જાય છે, અને એક-બે ફૂંકથી બૂઝતા અંગારા ફરી સળગી નથી ઉઠતા?
આપણા હ્રદયની આ શક્તિઓ, આ જીવનપ્રેરક બાબતોને આપીને તો જુઓ!
- ઓએસિસ પ્રકાશન: સમર્પણની સાધના લેખક: સંજીવ શાહ (પાનાં નં. 42-43)
|