Reflections from Facilitators
“હાકલ એટલે આહ્વાન. ‘ગમે તે થાય, દુનિયા આખી મારા વિરુદ્ધ હોય, મારા સ્વજનો, મિત્રો મારાથી દૂર થઈ જાય, પરંતુ હું સત્યને માટે હંમેશાં અડીખમ ઊભી રહીશ.’ આ તાકાત ઊભી કરવાનું કાર્ય હાકલ કરે છે. હું પોતે આ પુસ્તકમાંથી પ્રેરણા મેળવી આજે એનો ભેટો લોકો સાથે કરાવવાનો પ્રયત્ન કરું છું. મારાથી ઉંમરમાં નાના અને મોટા વ્યક્તિઓના કૅમ્પ લીધા અને દરેક વ્યક્તિઓ સાથે કંઈક જુદો જ અનુભવ રહ્યો છે, સાથે પ્રેરણા પણ મેળવી છે. એની મદદથી હું આજે પોતાની ઘણી બધી નબળાઈઓ પર વિજય પ્રાપ્ત કરી શકી છું."
- દિંકલ ગાયકવાડ, વડોદરા
“જ્યારે ફૅસિલિટેટર તરીકે હાકલ કૅમ્પ લેવાનો થયો ત્યારે સૌ પ્રથમ અડચણ હતી મોટાપણું મૂકી બાળકોની સામે મારી હકારાત્મક અને નકારાત્મક બાબતોનો ખુલ્લા મને સ્વીકાર કરવો. આ સ્વીકાર પછી જે થયું તેને જાદુથી કંઇ ઓછું ના ગણાવી શકાય. બહારથી ફૂલો જેવાં લાગતાં બાળકો અંદરથી કેટલાં પ્રકારની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે તે જાણવા મળ્યું અને હાકલ બાદ વિશ્વાસથી કહી શકું કે તેઓને એ સમસ્યાઓથી બહાર આવવાનો રસ્તો જરૂર મળ્યો હશે.”
- જલ્પન માનકુવા, ભુજ, કચ્છ
“હાકલને કારણે હું સમજી શક્યો કે આત્મનિરીક્ષણ કરવું એ સ્વવિકાસ અને જીવનવિકાસ માટે ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં તો નબળાઈઓને ઓળખવામાં અને તેની કબૂલાત માટે ખૂબ હિંમતની જરૂર પડે છે, પણ તેને ઓળખી જો તેના પર વિજય મેળવતા જઈએ તો અનોખા આનંદની અનુભૂતિ થાય છે. આપણે સૌ અનન્ય છીએ, અને એકમેકના સહયોગથી શ્રેષ્ઠ મનુષ્ય જીવન જીવી શકીએ છીએ, તે અંગેની શ્રધ્ધા આ હાકલ કૅમ્પથી મેળવી શક્યો છું.”
- નીતિન પટેલ, વડોદરા
|