ઍલાઈવના છેલ્લા કેટલાક અંકોથી તમે ઓએસિસના ‘જીવન-વર્ગો’ વિશે વાંચતાં આવ્યા હશો. એકચિત્તે વક્તાને સાંભળતા ઉત્સુક ચહેરાઓની તસવીરો જોઈને કદાચ તમને ‘જીવન-વર્ગ’ એટલે વળી શું? ત્યાં ખરેખર શું થતું હશે? કોઈ ભાષણ કે વકતવ્ય અને આ વર્ગમાં શું ફેર હશે? - જેવા પ્રશ્નો થતા હશે. આમ તો આ પ્રશ્નોનું શ્રેષ્ઠ સમાધાન અનુભવથી જ મળી શકે, છતાં અહીં કેટલાક અંશે એ સમાધાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
આજે ઓએસિસની ઈમારત જે પાયા પર ઊભી છે તે પાયો ‘જીવન-વર્ગો’ જ છે. શરૂઆતના વર્ષોમાં અમે તેને "ઓએસિસ સ્વવિકાસ વર્તુળ" નામથી ઓળખતાં. જેનાથી અમારી જીવન અંગેની સમજણ વિકસી, સામાજિક નિસબત દઢ થઈ, અમે અનેક સંઘર્ષોમાં ટકી રહ્યા, એટલું જ નહીં પણ નવું જોમ લઈને બહાર આવ્યા, વધુ વિસ્તર્યા, તે ‘જીવન-વર્ગો’ આજના યુવાનોને પણ એટલા જ મદદરૂપ થઈ શકશે તેવા અનુભવસિદ્ધ આત્મવિશ્વાસથી અમે થોડીક શાળા-કૉલેજોનો સંપર્ક કર્યો અને કેટલીક જગ્યાઓએ નમૂનારૂપ પહેલો ‘જીવન-વર્ગ’ ગોઠવ્યો. જેની સફળતાને પગલે હવે વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મુંબઈમાં ઓએસિસના ‘જીવન-વર્ગો’ પ્રસરી રહ્યા છે, અને તેને નિયમિત ધોરણે ગોઠવી રહ્યા છીએ.
આમ તો નામ કહી આપે છે તેમ આ જીવનના વર્ગો છે, એટલે કે અહીં ગણિત, સમાજશાસ્ત્ર, ભાષા, વિજ્ઞાનની જેમ જ ‘જીવન’નો વિષય ચર્ચાય છે. બીજા શબ્દોમાં, ‘જીવન-વર્ગો’ એટલે એવી જગ્યા જયાં મિત્રતાની સાક્ષીએ જીવનની, જિંદગીની ચર્ચા થાય છે. અહીં ‘જીવનની ચર્ચા’ અને ‘મિત્રતા’ બંને શબ્દ ઓએસિસ ‘જીવન-વર્ગો’ના હાર્દ સમા છે. તેમાં જયારે સહભાગીઓ તરફથી સહૃદયતા ભળે છે ત્યારે સર્જાતું વાતાવરણ શબ્દોથી વર્ણવવું કે વાચકો સુધી પહોંચાડવું શકય નથી. એક વર્ગમાં સાથે ભણતાં બાળકો આમ તો એકબીજાના મિત્રો હોય જ છે, પણ તેમાં જયારે એક મિત્રતાની મિસાલ સમો ઓએસિસનો જીવન-શિક્ષક ઉમેરાય છે ત્યારે મિત્રતા માટે સાંભળેલી, વાંચેલી આદર્શ બાબતો જીવવા માટે બાળકોમાં જબરું ચેતન આવે છે! ઓએસિસના જીવન-શિક્ષકની ભૂમિકા અહીં માત્ર ઉદ્દીપક બનવા પૂરતી જ જરૂરી હોય છે.
|
ઓએસિસના ‘જીવન-વર્ગો’ની થોડી વિશિષ્ટતાઓ જાણીએ:
મોકળું વાતાવરણ:
ઓએસિસના પહેલવહેલા ‘જીવન-વર્ગ’માં હાજર રહેલા શિક્ષકોને શરૂઆતમાં વર્ગમાં વ્યાપેલી અરાજકતા/ઘોંઘાટથી લાગતો આઘાત, વર્ગ પૂરો થાય ત્યાં સુધીમાં જીવનને શીખવા માટે તત્પર બાળકોના પ્રશ્નો અને તેમના જવાબો સાંભળીને સાનંદાશ્ચર્યમાં જરૂર પલટાય છે, એવું અમે ખાતરીપૂર્વક કહી શકીએ.
ઓએસિસના ‘જીવન-વર્ગો’માં કશું જ ફરજિયાત નથી હોતું. કિશોરો/યુવાનો ચાહે તો માથું નાખી ઊંઘી જઈ શકે છે અને ચાહે તો આખા સેશનને અટકાવવાનું સૂચન કરી શકે છે. બધું જ તેમના હાથમાં છે તેવી ખાતરી સર્વપ્રથમ આપવામાં આવે છે. જયાં જીવનની ચર્ચા થવાની છે તે વર્ગ જીવંત ન હોય તો કેમ ચાલે? અને જીવન એવું તો અગાધ છે અને તેની સચ્ચાઈમાં એટલી તાકાત છે કે એ જ ઘોંઘાટ કરતાં કિશોરો/યુવાનો કયારે એકચિત્તે સાંભળતા ને ચર્ચાતી વાતમાં ઓતપ્રોત થઈ જાય છે તેની જોનારને ખબર પડતી નથી. મોકળું વાતાવરણ મન પણ મોકળું બનાવી આપે છે. પિન-ડ્રોપ સાયલન્સ નહીં, પણ જીવંતતા એ ઓએસિસના ‘જીવન-વર્ગો’ની નિશાની છે, જેમાં કદી શાંતિ તો કદી ખિલખિલાટ હાસ્ય તો કદી ગંભીરતા - તમામને સ્થાન છે.
વર્ગના નિયમો વર્ગ જાતે જ બનાવે:
ઓએસિસ ‘જીવન-વર્ગો’ની બીજી લાક્ષણિકતા એ છે કે અહીં કોઈ નિયમો નથી. હવે જે નિયમો બનાવવાની જરૂર લાગે તે નિયમો વર્ગ જાતે જ બનાવે છે. સર્વાનુમતે જે નક્કી થાય તે સહુએ કરવાનું, તેમાં ઓએસિસના જીવન-શિક્ષક પણ બાકાત નહીં.
અમારો અનુભવ છે કે બાળકો/કિશોરો/યુવાનો તરત જ વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગી નિયમો જાતે જ સૂચવે છે.
પ્રશ્ન કરો, જવાબ મેળવો:
ઓએસિસ ‘જીવન-વર્ગો’માં કિશોરો/યુવાનોને જે સૌથી પહેલા સિદ્ધાન્તનો પરિચય થાય છે તે છે - કશુંક શીખવું/સમજવું છે, તો પ્રશ્ન કરો. પ્રશ્ન પૂછવામાં બિલકુલ ખચકાવાની જરૂર નથી. ‘જે પ્રશ્ન કરે છે તે કદાચ થોડી ક્ષણો પૂરતો લોકોની નજરમાં મૂર્ખ ઠરે છે, પણ જે નથી કરતા તે હંમેશ માટે મૂર્ખ રહે છે.’ કિશોરો/યુવાનો ગમે ત્યારે ઓએસિસ જીવન-શિક્ષકને અટકાવીને પ્રશ્ન કરી શકે છે, જીવન-શિક્ષક પણ તેમને અગણિત પ્રશ્નો પૂછ્યા કરે છે અને આમ શીખવાની યાત્રા ચાલતી રહે છે.
|
બાળકો/કિશોરો શરૂઆતમાં ખચકાય છે પણ પછી ધીમે ધીમે ખૂલતાં જાય છે. જીવનમાં કેટલીય બાબતોને આપણે સમજયા વિના સ્વીકારી લેતાં હોઈએ છીએ, યુવાનોમાં જો વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, તે દરેક બાબતને પ્રશ્ન કરતા થાય તો માત્ર પ્રશ્નો કરવાની આદત તેમને જીવનની જટીલમાં જટીલ સમસ્યાઓ વખતે સ્પષ્ટતા તરફ દોરી શકે છે.
ઓએસિસ ‘જીવન-વર્ગો’માં આ રીતે પાયાનું વાતાવરણ તૈયાર કર્યા બાદ દરેક મહિનાને ફાળવેલા વિષય મુજબ અહીં જીવનના જુદા જુદા વિષયોની ચર્ચા કરવામાં આવે છે. અન્ય વિષયોની જેમ અમે આ ‘જીવન-વર્ગો’ના આખા વર્ષ માટેના અભ્યાસક્રમની રૂપરેખા તૈયાર કરી છે, અલબત્ત જૂથની જરૂરિયાત અનુસાર તે ફેરફારને પાત્ર રહે છે.
ઓએસિસ ‘જીવન-વર્ગો’ની આટલી ઝલકથી તમને એ પણ સ્પષ્ટ થયું જ હશે કે ‘જીવન-વર્ગો’ સાચા અર્થમાં ‘જીવન-વર્ગો’ બની રહે તેનો સૌથી મોટો આધાર જીવન-શિક્ષક છે. તેમની પરિપકવતા, સચ્ચાઈ અને મિત્રતાનો ભાવ તથા પશ્ચાદ્ભૂમાં જીવનની વિશાળ સમજણ તેમને યુવાનોની નજરોમાં ઉદાહરણરૂપ બનાવે છે. અત્યારે ઓએસિસ ‘જીવન-વર્ગો’ શ્રી સંજીવ શાહ દ્વારા લેવામાં આવે છે. સંજીવભાઈ અમારા ઓએસિસના મિત્રોમાં જીવનને પચાવી જાણનાર શ્રેષ્ઠ જીવન-શિક્ષક છે - તેઓ ઓએસિસના સ્થાપક છે, ૫૦-૬૦ પુસ્તક/પુસ્તિકાઓના લેખક છે (જે તેમના ગહન જીવનચિંતન અને સૌના વિકાસમાં મદદરૂપ થવાની ભાવનાનું પ્રતિબિંબ છે), ઓએસિસ કાર્યશાળાઓના ફેસિલિટેટર છે અને ઓએસિસના તમામ કાર્યક્રમોના માર્ગદર્શક છે. યુવાનો સાથે છેલ્લાં ૨૦ વર્ષોની સઘન કામગીરીએ અને તેમની સહૃદયતાએ તેમને સૂઝબૂજનું શ્રેષ્ઠ ભાથું આપ્યું છે. એટલે જ આજના યુવાનોની બોલી/ભાષા વગેરે અતંરોને વટાવીને તેમની મિત્રતા અને મદદરૂપ થવાની ભાવના યુવાનોને સ્પર્શી જાય છે.
ઓએસિસ ‘જીવન-વર્ગો’ના વધુ ચમકારા વખતોવખત વહેંચતા રહીશું. એ પહેલાં તમારી ઈંતેજારી વધી ગઈ હોય તો ઓએસિસ સંયોજકનો સંપર્ક કરી, ‘જીવન-વર્ગો’ની માહિતી મેળવી, સહભાગી બનવા આવી પહોંચી શકો છો.
~ Kshama Kataria
|