બાળપણ એક જ હોય છે. બાળકો દેશનું અને વિશ્વનું ભવિષ્ય છે. આ ભવિષ્યને તૈયાર કરવા માટે આપણને માત્ર એક અવસર મળે છે. આ અવસરનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ?
આધુનિક કેળવણીને લઈને શું છે સાચી દિશા, આજની પરિસ્થિતિ અને પડકારો? આજની કેળવણી કેટલી કારકિર્દી-કેન્દ્રી છે અને કેટલી જીવન-કેન્દ્રી? આજની શાળાઓ વિદ્યાર્થી માટે છે કે આજનો વિદ્યાર્થી શાળા માટે? શું આપણી શિક્ષણ વ્યવસ્થામાં બુનિયાદી ફેરફારો થાય ત્યાં સુધી આપણે મજબૂર છીએ? કે પછી શાળાઓ સર્જનાત્મક થઇ આપણાં ભવિષ્યને ઘડવા માટે કોઈ પ્રયત્નો કરી શકે છે?
આવા આવા પ્રશ્નોની ચર્ચા કરવા રાજકોટ ખાતે ડિસેમ્બર ગત મહિનાની ૨૫ તારીખે એક પરિસંવાદ યોજાઈ ગયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખૂબ જાણીતા કેળવણીકાર શ્રી ગુલાબભાઈ જાનીએ આવીને સ્થાન શોભાવ્યું હતું. જ્યારે પૅનલ ચર્ચા માટે શ્રી વસંતભાઈ પાઠક (પાઠક સ્કૂલ્સ), શ્રી અજયભાઈ પટેલ (ન્યુ ઇરા સ્કૂલ્સ), શ્રી જ્યોતિબહેન દવે (કોટક સ્કૂલ), શ્રી રાજુભાઈ પરીખ (મહાત્મા ગાંધી વિદ્યાલય), શ્રી જતીનભાઈ ભરાડ (ભરાડ ઇન્સ્ટિટયૂટ), ડૉ એસ ચિન્નમ રેડ્ડી (મારવાડી ગ્રૂપ) તથા શ્રી પ્રફુલ્લભાઈ ગોહિલ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓએસિસ તરફથી શ્રી સંજીવ શાહે કર્યું. આ કાર્યક્રમમાં હેતુપૂર્વક મર્યાદિત અને ચુનંદા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં આચાર્યો, શિક્ષકો, શિક્ષણ સાથે ગાઢ નિસ્બત ધરાવતા કેટલાક વ્યાવસાયિકો અને સામાજિક કાર્યકરો પણ શામેલ હતા.
આટલા વિશાળ પ્રશ્નોની ચર્ચા માટે ત્રણ કલાકનો સમય સ્વાભાવિક રીતે ઓછો પડ્યો. આમંત્રિત સૌના આગ્રહથી કાર્યક્રમનો સમય લંબાવવામાં પણ આવ્યો! આ ત્રણ કલાક દરમ્યાન થયેલ મંથન અને તે દરમ્યાન સાંપડેલ ડહાપણના કેટલાક અંશો અમે અહીં આપી રહ્યા છીએ.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સંજીવ શાહ તરફથી સૌ આમંત્રિત મહેમાનોને ઉષ્માસભર આવકાર આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે અહીંયાં આપણે ભાષણ સાંભળવા નહિ પરંતુ સંવાદ માટે ભેગા થયા છીએ
"ઇન્ટરનેટ તથા પુસ્તકોની સુલભ પ્રાપ્તિ એ આજના શિક્ષણની બહુ ઊજળી બાજુ છે. વધતી જતી કૉલેજો અને બેઠકોને કારણે આજે વિદ્યાર્થીઓને જે કરવું હોય તે કરવાની તકો પહેલાના જમાના કરતા ઘણી વધુ છે."
ડૉ એસ ચિન્નમ રેડ્ડી
(મારવાડી ગ્રૂપ)
|
|
|
|
છેલ્લાં દાયકાઓમાં આપણી કેળવણીની સંસ્થાઓમાં ઘણી જાગૃતિ અને આધુનિકતા પ્રવેશ કરી ચૂક્યાં છે. કાર્યક્રમની ચર્ચા વિધેયાત્મક અને સ્વસ્થ રહે તે માટે શરૂઆત આજે આપણે ક્યા હકારાત્મક પરિવર્તનો જોઈ રહ્યા છીએ તેનાથી થઇ. આજે શાળાઓ અને વિદ્યાર્થીઓ પાસે ઘણી અનુકૂળતા અને વિકલ્પો પ્રાપ્ય છે, જે પહેલા નહોતા તે વિષે સૌ એકમત હતાં.
ત્યાર બાદ કેળવણીના ક્ષેત્રે આપણે ક્યા અવરોધો અને પડકારોનો સામનો કરી રહ્યા છે તે વિષે સંવાદ શરુ થયો.
"બાળકે પોતે જે બનવું છે અને વાલીઓએ પોતાના બાળકોને જે બનાવવા છે- આ બંને વચ્ચે શાળાઓએ આજે સતત સંઘર્ષ કરવો પડે છે."
શ્રી રાજુભાઈ પરીખ
(મહાત્મા ગાંધી વિદ્યાલય)
|
|
|
આજની કેળવણીની વ્યવસ્થા કેળવણીના ઉદ્દેશો સાથે સંવાદિતામાં છે? શું આજે કેળવણી નરી કારકિર્દી-કેન્દ્રી બની ગઈ છે? શું આપણે વિદ્યાર્થીઓને ઉન્નત જીવન જીવવાની પ્રેરણા આપીએ છીએ કે જાણ્યે-અજાણ્યે ગળાકાપ સ્પર્ધાનો હિસ્સો બનાવી દઈએ છીએ? શું કેળવણી ધંધો બની ગઈ છે? આ મુદ્દે વિભિન્ન દ્રષ્ટિકોણ બહાર આવ્યા.
"‘આજે વાલીઓ ઇચ્છે છે કે બાળકને ઔપચારિક શિક્ષણ ઉપરાંત બીજું પણ ઘણું બધું મળે અને તેથી (શિક્ષણમાં સાચો રસ ધરાવનાર) શાળાના સંચાલકો પોતાની શાળાઓમાં ઔપચારિક શિક્ષણ ઉપરાંત બીજી ઘણી બધી પ્રવૃત્તિ કરી શકે છે.’"
શ્રી વસંતભાઈ પાઠક
(પાઠક સ્કૂલ્સ)
|
|
|
ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના દિપ્તીબહેને કહ્યું કે આપણે એરકન્ડિશન્ડ કમરો બનાવી, પછી ઊંચી ફીને વ્યાજબી ઠરાવીએ છીએ, પણ આવા કમરા અને તેવી બીજી સવલતો શિક્ષણ માટેની આવશ્યક જરૂરિયાતો નથી. આ વાતમાં જીતુભાઈએ સુર પુરાવતા કહ્યું કે તેઓએ ઝૂંપડપટ્ટી વિસ્તારના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓને સેલ્ફ-ફાઇનાન્સ શાળાઓમાં આમંત્રણ અપાવ્યું છે. પાઠક જેવી શાળાઓની સૌએ મુક્ત મને પ્રશંસા કરી, જે હંમેશા આવા યોગ્ય વિદ્યાર્થીઓને મદદ કરવા તત્પર હોય છે.
"આજે શાળાઓએ વિદ્યાર્થી અને વાલીની વચ્ચે કડીરૂપ બનવાનું છે... સમાજમાં પ્રવાહ એવો છે કે કશું ન બની શકે પછી લોકો શિક્ષક બનવા તરફ જાય છે. આનાથી સ્વાભાવિક રીતે કેળવણીની ગુણવત્તા પર ગંભીર અસર થાય છે."
શ્રી જતીનભાઈ ભરાડ
(ભરાડ ઇન્સ્ટિટયૂટ)
|
|
|
|
"જેમની પાસે પૈસા નથી અને જે બાળકો પ્રતિભાશાળી છે તેમને શિક્ષણના અવસરોથી વંચિત રહેવું પડે તે કેટલી દુઃખદ વાત છે! જે વાલીઓને ડોનેશન પરવડતા નથી તેમની પાસે છેવટે બાળકો પર વધુ ગુણ લાવવા માટે દબાણ કરવા સિવાય બીજો કોઈ આરો રહેતો નથી."
શ્રી જ્યોતિબહેન દવે
(કોટક સ્કૂલ)
|
|
|
ચર્ચાના અંતે સમસ્યાઓ અને ઉકેલોની પણ વાત થઈ. અશોક કડવાણી(ઉદ્યોગપતિ)એ જણાવ્યું કે પ્રેમ, સફળતા, કેળવણી..વગેરે શબ્દોનો અર્થ જ આજે આપણે ભૂલી ગયા છીએ. જો આ બધું લોકોને સમજાવીએ તો આપણાં કેટલાય પ્રશ્નો હલ થઇ જાય.
"આજે શિક્ષકોના પગાર ઘણા વધ્યા છે તેથી જેમને ખરેખર શિક્ષક થવું છે તેમને માટે એક પ્રકારની મોકળાશ ઊભી થઇ છે. પરંતુ (બીજા ક્ષેત્રના કર્મચારીઓની જેમ) શિક્ષકો પણ સલામતી અનુભવવા માંડે અને પોતાના કાર્ય પ્રત્યે બેદરકારી દાખવવા માંડે તે જોખમ પણ સાથે સાથે રહેલું છે."
શ્રી પ્રફુલ્લભાઈ ગોહિલ
(કડવીબાઈ વિરાણી ગ્રૂપ)
|
|
|
ગુલાબભાઈએ જણાવ્યું કે આજે વિષય-શિક્ષણ કરતા જીવન-શિક્ષણ તથા ભ્રષ્ટાચારને હટાવવા મૂલ્ય-શિક્ષણ પર ભાર મૂકવાની જરૂર છે. છેવટે સૌ તાત્કાલિક અમલમાં મૂકી શકાય તેવી બે બાબતો નોંધીને છુટા પડ્યાં-એક, બાળકોને પ્રશ્નો પૂછીને શીખવા ઉત્તેજન આપવું અને તેમને ઉચ્ચ સાહિત્યનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવા.
"આજે વાલીઓ (પોતપોતાની કારકિર્દીઓને કારણે) ખૂબ વ્યસ્ત છે અને બાળકો તો લાગણી શોધે છે, જે આપવાની જવાબદારી છેવટે શાળાની થઇ જાય છે. આમ આજે શાળાઓની જવાબદારીઓ અને ભારણ ખૂબ વધી ગયા છે."
શ્રી અજયભાઈ પટેલ
(ન્યુ ઇરા સ્કૂલ્સ)
|
|
|
શ્રી ગુલાબભાઈના ઉદબોધનથી કાર્યક્રમનું સમાપન થયું. સૌ આમંત્રિત મહેમાનોએ ઓએસિસને આવા સુંદર અવસર માટે અભિનંદન આપ્યાં.
લોકોના ઉત્સાહને માન આપીને શ્રી સંજીવ શાહે ‘સમરહિલ’ પુસ્તક પર આગામી બે મહિનામાં પુનઃ એક પરિસંવાદની જાહેરાત કરી અને એવી આશા વ્યક્ત કરી કે રાજકોટ શહેરમાં શીખતી શાળાઓ અને શીખતાં શિક્ષકોનું એક અનોખું વિકાસ-વર્તુળ ઊભું થશે. "
|