Newsletter-cum-magazine of Oasis Movement YEAR 4 I ISSUE 78 I Mar 1, 2011

આજનું પુખ્ત જીવન જીવવા આપણને પંદર વર્ષની શૈક્ષણિક તાલીમ કેટલી ઉપયોગી થઇ રહી છે?

શું આજે આપણે જીવનની, સંબંધોની સમસ્યાઓનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યાં છીએ?

આજની શિક્ષણ વ્યવસ્થાને પ્રશ્નો કરતી અને સાચી કેળવણીની દિશા ચીંધતી નવી પુસ્તિકા

“કેળવણીની ભેટ”

New Arrival

ઓએસિસનું નવું ચિંતનપ્રેરક પ્રકાશન......

કેળવણીની ભેટ

લેખક: સંજીવ શાહ       પૃ. ૬૪

આ તે કેવી કેળવણી આપણે આપણાં બાળકોને આપી રહ્યાં છીએ?
કેટલાંય બાળકો આત્મહત્યા શા માટે કરે છે?
ભણતર વધવા છતાં ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો કેમ ફૂલીફાલી રહ્યા છે?
શું આધુનિક કેળવણી એટલે કેવળ બાહ્ય સગવડો-સવલતો?
શું આપણી શાળાઓ બાળક માટે છે, કે બાળક શાળા માટે?
શું શાળાઓમાં શિસ્ત માટેની આપણી સખતાઈ યોગ્ય છે?
શું શિક્ષણ-વ્યવસ્થા બાળકોના પક્ષે છે કે વિરુધ્ધમાં?
કેળવણીના મુખ્ય સિધ્ધાંતો અને હેતુઓ કયા કયા છે?

પુસ્તિકા પ્રાપ્તિ સ્થાન:

ધ ઓએસિસ શોપ
જી.એફ. ૧૦,૧૧ હાર્મની કોમ્પ્લેક્ષ
૨૮, નૂતન ભારત સોસાયટી,
અલકાપુરી, વડોદરા.
ફોન: ૦૨૬૫-૨૩૫૧૮૬૨
મો.: ૯૯૨૪૩૪૩૦૮૩ (ચૈતાલી મેહતા)

અથવા

ઓએસિસ ઓફીસ : ૦૨૬૫ – ૨૩૨૧૭૨૮

“શીખતા શીખવું (Learning to learn) એ કેળવણીનો એક મુખ્ય હેતુ હોવો જોઈએ”

પુસ્તિકાના કેટલાક અંશો:

આપણા દેશમાં આટલો ભ્રષ્ટાચાર કેમ છે? ભણેલા માણસો પણ ગમે ત્યાં શા માટે થૂંકે છે? બાળકોને આત્મહત્યા શા માટે કરવી પડે છે? જે બાળકો આત્મહત્યા નથી કરતાં તેઓમાંના મોટા ભાગના ખુશ કેમ નથી? આતંકવાદ અને યુદ્ધો બંધ કેમ થતાં નથી? નાની ઉંમરેથી શરૂ થતો સ્ત્રીઓ પ્રત્યેનો અન્યાય અને અત્યાચાર અટકતો કેમ નથી?

"યુવાનોને જીવનનિર્વાહ કેવી રીતે કરવો તે શીખવે પરંતુ જીવન કેવી રીતે જીવવું તે ન શીખવે તો તે શિક્ષણ-વ્યવસ્થાનો કશો અર્થ નથી."
- એ. એસ. નીલ

જે.આર.ડી. ટાટા જેવા મહાન ઉદ્યોગપતિ અને ભારતના અગ્રગણ્ય શુભચિંતકે ૧૯૯૨ની સાલમાં ‘ભારતરત્ન’ એવોર્ડનો સ્વીકાર કરતી વેળાએ કહ્યું હતું કે, "હું ભારતને આર્થિક મહાસત્તા તરીકે જોવા નથી માંગતો. હું ભારતને એક ખુશહાલ રાષ્ટ્ર તરીકે જોવા માંગું છું." જો એક મનુષ્ય માટે ધનપ્રાપ્ત તેની ખુશી અને આનંદ કરતાં વધુ મહત્વની ન હોય, તો એ રાષ્ટ્ર માટે પણ ન હોઈ શકે. આજે આપણે આ વાત કેટલી સાચી છે તે જોઈ-અનુભવી શકીએ છીએ. ભારત ખરેખર આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે, પરંતુ ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો મોં ફાડીને ઊભા જ છે; અને આ પ્રશ્નો છેવટે કોઈક સ્તરે આપણી કેળવણીની વ્યવસ્થાની નિષ્ફળતાના જ સૂચક છે.

.................

"કોઈ ખુશ મનુષ્ય કદી સભામાં ખલેલ પહોંચાડતો નથી. કોઈ ખુશહાલ સ્ત્રી કદી પોતાના બાળકોની પાછળ પડી જઈ, તેમના દોષો કાઢ્યા કરતી નથી. કોઈ ખુશ માણસે કયારેય કોઈનું ખૂન કર્યાનું કે ચોરી કર્યાનું જાણમાં નથી. કોઈ ખુશ માલિક કદી પોતાના કર્મચારીઓને ડરાવતો નથી."

"બાળકો કદી ખરાબ કે સમસ્યારૂપ હોતાં નથી. માબાપ અને શિક્ષકોનું અજ્ઞાન જ સાચી સમસ્યા છે."
- અજ્ઞાત

બાળકોના પક્ષે હોવું એટલે હર સંજોગોમાં બાળકોની સાથે રહેવું. આ કહેવું સહેલું છે તેટલું કરવું સહેલું નથી જ. બાળકો ધમાલ કરે, ઘોંઘાટ કરે, ચીજ-વસ્તુઓને નુકશાન પહોંચાડે, આપણને સામે વળતો જવાબ આપે, આપણી મરજીની વિરુદ્ધ નિર્ણયો કે વર્તન કરે ત્યારે ભલભલાં બાળકોની વિરુદ્ધ થઈ જાય છે. પરંતુ જેઓ ખરેખર બાળકોના પક્ષમાં હોય છે તેઓ જાણે છે કે જયારે બાળકો ડાહ્યાં-ડમરાં હોય ત્યારે તો કોઈ પણ સરેરાશ મનુષ્ય તેમના પક્ષે રહી શકે છે - તેમાં કોઈ ધાડ મારવાની નથી. જયારે બાળકોનું વર્તન મુશ્કેલ, અકળ, પ્રતિકૂળ અને અસહ્ય લાગતું હોય ત્યારે જ આપણી ખરી કસોટી છે કે આપણે બાળકોના પક્ષમાં કેવી રીતે વર્તન કરીએ છીએ.

બાળકોને જેમતેમ કરીને, શિસ્ત-સજાની ચુંગાલમાં જકડીને ‘સીધાં’ રાખવાનાં પ્રયત્નો કરવા કરતાં, તેમની ઊર્જાને સર્જનાત્મક રાહે વાળી, બાળકોને ખુશખુશાલ રહેવાં મદદરૂપ થવું તે અનેકાનેકગણું સંતૃપ્તિ બક્ષનારું છે. બાળકોના માથા પર હથોડાની જેમ સૂચનાઓનાં પ્રહાર કરવાં કરતાં તેમના દિલમાં પ્રવેશવું અને તેમના પ્રફુલ્લનની પ્રક્રિયાને પ્રેમાળ વાતાવરણ આપવું કેટલું આહલાદક છે તેનો અનુભવ કેળવણી સાથે સંબંધિત દરેક વ્યકતને થાઓ.

~ સંજીવ શાહ

આપણે બીજની અંદર વૃક્ષને જોઈ શકતાં હોઈએ તો જ શું કરવું અને શું ન કરવું તેનો વિવેક પારખી શકતાં હોઈએ છીએ. મૂળ વાત બાળકની અંદર શ્રદ્ધા હોવાની અને તેના વિકાસ માટેની સાચી દ્રષ્ટિ ઊભી કરવાની છે.

"કેળવણી માત્રનો ઉદ્દેશ વ્યક્તિને ખરો મનુષ્ય બનાવવાનો જ હોઈ શકે. માનવને એના વિકાસને પંથે ચડાવવો એ જ કેળવણીનું અંતિમ લક્ષ્ય છે."
- સ્વામી વિવેકાનંદ

કેળવણીનો એક મહત્વનો હેતુ એ છે કે બાળક શીખતાં શીખે. જીવનમાં અનુભવો તો દરેક મનુષ્યોને થતાં જ હોય છે, પરંતુ સફળ અને વિકાસશીલ મનુષ્યો પોતાના અનુભવોમાંથી સાચી રીતે શીખી શકતાં હોય છે. જીવનના સંજોગો, પરિસ્થિતિઓ અને અનુભવોથી મનુષ્યની જિંદગી નથી ઘડાતી - પરંતુ દરેક મનુષ્ય જે તે અનુભવોમાંથી શું શીખે છે તેનાથી તેની જિંદગી ઘડાય છે.

"શિક્ષણ એ જીવન માટેની પૂર્વતૈયારી નથી. શિક્ષણ પોતે જ જીવન છે."
- જોન ડેવી

કેળવણી એક એવા આદર્શવાદનું સિંચન કરતી હોવી જોઈએ જે બાળકોને અને યુવાનોને સ્વપ્ના જોવાં પ્રેરે. સ્વપ્ના જોવાંનો અર્થ આ વિશ્વને કાંઈક આપવાનો છે. તેમાં લેવાની, મેળવવાની વૃત્તિ ગૌણ થઈ જાય છે. મનુષ્ય પોતાનાં દ્વારા થતાં સર્જનમાં આનંદ અને ઉત્સાહ અનુભવે છે, જે જીવનની સાચી મૂડી કે પ્રાપ્તિ હોય છે. આ સર્જનાત્મકતાની આડપેદાશરૂપે પછી તેને અન્ય ભૌતિક સફળતાઓ પણ મળી જ જતી હોય છે. તેથી કેળવણી સાચી રીતે ફળી ત્યારે જ કહેવાય, જયારે બાળકોને સ્વપ્નો જોઈ શકવાની સોગાદ મળે.

“તોફાનીપણું તો બાળક પાસેની સૌથી મોટી ભેટ છે, જેને એ પોતાની સાથે લાવ્યું હોય છે”

~ શ્રી. રવીન્દ્રનાથ ટાગોર

‘કેળવણીની ભેટ’ પુસ્તિકામાં આપેલા શ્રી. રવીન્દ્રનાથ ટાગોરના મૂળ લેખ ‘સ્કુલમાસ્ટર’ના કેટલાક રસપ્રદ અંશો:

પાંચ વર્ષની વયે જયારે મને શાળાએ જવા મજબૂર કરવામાં આવતો, ત્યારે મારું સમગ્ર હૃદય રૂપરંગ વગરની, જિંદગીની મજા વગરની એ વ્યવસ્થા સામે બંડ પોકારતું. એ એવી વ્યવસ્થા હતી, જેમાં અપાતા શિક્ષણને આસપાસની દુનિયા સાથે કોઈ નાતો નહોતો, જયાંથી પ્રકૃતિની પૂરબહાર સુંદરતા ખીલેલી હોય એવા જે સ્વર્ગમાં હું જન્મેલો, એ સ્વર્ગને દેશવટો આપવામાં આવેલો. અને એ પણ કાંઈ વાંક-ગુના વગર, વાંક માત્ર અજ્ઞાની તરીકે જન્મ્યો હોવા માત્રનો. પાંજરાના પક્ષીને બહારથી ખાવાનું આપવામાં આવે એ રીતે મને પણ પાંજરામાં પૂરીને બહારથી શિક્ષણ આપવામાં આવતું. હું ખૂબ નાનો હતો તેમ છતાં આ રીતના વ્યવહારથી મને ખૂબ ખરાબ લાગતું.

આપણી શિક્ષણ વ્યવસ્થા એ માનવાને તૈયાર નથી કે બાળકો, એ બાળકો જ છે. બાળકોને શિક્ષા કરવામાં આવે છે એ કારણે કે, તેઓ મોટા માણસોની જેમ વર્તી નથી શકતા. એમને શિક્ષણ આપનારા એ જાણતા નથી કે એ જાણવાનું જરૂરી નથી સમજતા કે બાળકોનું આ બાળપણ તો કુદરતી દેન છે અને બાળક, પોતાના અધીરિયા મગજ અને ક્રિયાઓ દ્વારા નવીનવી હકીકતોના સંપર્કમાં આવે છે. અને નવીનવી માહિતીઓ એને મળતી જાય છે. આમ, બાળક એક બાજુ ખુદ પ્રકૃતિ માતા અને બીજી બાજુ સ્કુલમાસ્ટર- એ બે વચ્ચેની લડાઈનું મેદાન બની જાય છે.

"બાળપણથી કિશોરાવસ્થા અને ફરી, કિશોરાવસ્થાથી પુખ્તાવસ્થા દરમ્યાન આપણે આપણી ઝૂકી ગયેલી પીઠ પર શબ્દોનો ભાર લઈને ફરનારા, શિક્ષણની દેવીના મજૂરો બની ગયાં છીએ."
- શ્રી. રવીન્દ્રનાથ ટાગોર

માસ્ટરજી એમ માને છે કે બાળકના મગજને કેન્દ્રિત કરવાથી જ બાળક શીખી શકે છે, જયારે પ્રકૃતિ મૈયા જાણે છે કે એનું મગજ જેટલું ફેલાશે એટલું એ વધુ શીખી શકશે. આપણે જયારે નાના બાળક હતાં ત્યારે મગજ ચોફેર દોડાવવાથી અને અણચિંતવ્યાં આશ્ચર્યો દ્વારા આપણે હકીકતો જાણતા થયા હતા. આશ્ચર્ય આપણને એવો ધક્કો મારતું કે આપણે જિંદગીની - વિશ્વની હકીકતો તરફ સજાગ થતા. હકીકતો બાળકો સામે એવી રીતે આવવી જોઈએ કે જે એમનાં મગજને ઝકઝોળીને પૂરા જોરથી કામ કરતાં કરી દે. પણ આવી કોઈપણ પ્રવૃત્તિ મને જે વર્ગમાં પરાણે ભણવા મૂકેલો એના પર રાજ કરતા સ્કુલમાસ્ટરથી સ્હેજે સહન નહોતી થતી. માસ્ટરજીનો આગ્રહ એ હતો કે મારે હંમેશા નિષ્ક્રય રહેવું અને મારું મન હરપળ એની સામે બળવો કરતું, કારણ કે પ્રકૃતિ મૈયાએ માણસની તાનાશાહી કયારેય ન સ્વીકારવા મને પ્રેરેલો.

.................

તમારે એ સમજવું જોઈએ કે ઉત્સાહ અને શક્તિ તો બાળકોને કુદરત તરફથી મળેલ ઉત્તમ ભેટ છે, અને આ ઉત્સાહ અને આપણાં સુસંસ્કૃત ઘરોની સન્માનની સંહિતા વચ્ચે કાયમ લડાઈ હોય છે. આ કાયમી ઘર્ષણમાંથી જ, જે કુદરતી અને સારું છે એના દમનમાંથી જ, બધા પ્રકારની ક્ષતિઓ અને દુષ્ટતા પેદા થાય છે. મેં મારા બેકાબૂ છોકરાઓ સામે દમન કે શિક્ષા અજમાવ્યા નહીં. આપણાંમાંના ઘણા એવું વિચારતા હોય છે કે દુષ્ટ છોકરાઓને શિક્ષા કરવા માટે એમની સ્વતંત્રતા પર લગામ લાવવી જરૂરી છે. પરંતુ નિયંત્રણ એ કુદરતની વિરુદ્ધ છે. જયારે મન અને જિંદગીને પૂરું સ્વાતંત્ર્ય આપવામાં આવે ત્યારે તે તંદુરસ્ત બને છે. જો કોઈ નામ આપવું હોય તો કહી શકાય કે મેં સ્વતંત્રતા-ઉપચારની

પદ્ધતિ અપનાવી. છોકરાઓને દોડવાની, અઘરાં ઝાડ પર ચડવાની અને પડી જાય તો પીડા ભોગવવાની છૂટ હતી. તેઓ વરસાદમાં મન મૂકીને પલળતા, તળાવમાં નહાતા. કુદરતના સાંનિધ્યમાં આ ખરાબ કહેવાતા છોકરાઓ સુધરી ગયા અને જયારે તેઓ પોતપોતાને ઘરે ગયા ત્યારે એમનાં મા-બાપો પણ એમનામાં આવેલ આમૂલ પરિવર્તન જોઈને નવાઈ પામી ગયાં!

.................

આપણી શિક્ષણ સંસ્થાઓમાં જીવંત વિકાસનો અભાવ છે. એ બધી બાળકોને સ્ટીલના સળિયાઓની અંદર રાખવા માટે બહુ કુશળતાપૂર્વક બનાવાયેલી હોય છે. પણ હું એમને એ અનુભવ કરાવવા માગું છું કે એ એમનું પિંજરું નથી, પણ માળો છે - એટલે કે એમણે પણ એ બનાવવામાં જાતે ભાગ લેવાનો છે. શિક્ષણનું માળખું આપણા સહુનું સહિયારું સર્જન હોવું જોઈએ, નહીં કે શિક્ષકોનું; નહીં કે એના આયોજકોનું; પરંતુ વિદ્યાર્થીઓનું પણ. છોકરાઓએ પણ એ બનાવવામાં એમની જિંદગીનો થોડો હિસ્સો આપવો જોઈએ અને તેઓ જે જગતમાં જીવી રહ્યા છે એ તેમનું પોતાનું છે એવો અહેસાસ એમને થવો જોઈએ. અને તે જ તો માણસને મળી શકે એવું ઉત્તમોત્તમ સ્વાતંત્ર્ય છે.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Jwalant Bhatt

Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.