બાળકોને માણવા એ આંખોનું કર્મ છે
“બાળકોને માણવા એ આંખોનું કર્મ છે. સંજોગો ગમે તેટલા કઠિન હોય, તમે કેવી રીતે તેમની સામે જુઓ છો – તમારી આંખો શું વ્યક્ત કરી રહી છે – તે બહુ મહત્ત્વની બાબત છે.
‘લાઇફ ક્લાસ’માં ખાસ કરીને મૂળ તોફાની અને દાદાગીરી કરતા છોકરાઓ તોફાન કરીને કે કોઈ ધાંધલ કરીને પછી મારી તરફ જોશે, અને મારી પ્રતિક્રિયા શું છે તે તપાસશે. તેમની આંખો સાથે આંખો મળે, ત્યારે હું મારો બિનશરતી પ્રેમ પ્રતિબિમ્બિત કરતા ચૂકતી નહીં. બસ, થોડા ‘ક્લાસ’ પછી અમારી વચ્ચે એક સેતુ રચાયો. તેમનો પ્રેમ અને વિશ્વાસ હું જાણી શકી. તેમને મારી વાત સમજાવવી મેં શરૂ કરી, અને જે વિદ્યાર્થીઓ પહેલાં ધાંધલ કરતા હતા, તેમણે જાતે ‘ક્લાસ’ના મોનિટર બની શિસ્તપાલન કરવાની જવાબદારી સ્વીકારી.”
~ શીબા નાયર |
આત્મવિશ્વાસનો સંચાર એ આ ‘લાઇફ ક્લાસ’નું શ્રેષ્ઠ પરિણામ હતું
સેઈન્ટ જોસેફ શાળામાં ‘લાઇફ ક્લાસ’નો પ્રથમ વર્ગ પૂરો થવાની તૈયારીમાં હતો, ત્યારે ખૂબ શાંત અને શરમાળ વિદ્યાર્થી હાર્દિકે સ્ટેજ પર આવી પોતાની ઓળખાણ આપવા માટે હાથ ઊંચો કર્યો. (આ ક્લાસમાં ‘લાઇફ ક્લાસ’ વિશેની પ્રાથમિક માહિતી પછી, સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવી પોતનું સ્વપ્ન, પોતાનાં જીવનની સૌથી યાદગાર પળ વગેરે પોતાનાં મિત્રો સાથે વહેંચે છે) તે દિવસનો ‘લાઇફ ક્લાસ’ પૂરો થયા પછી તે મારી પાસે આવ્યો અને કહ્યું કે “આ ક્લાસ મને ખૂબ ગમ્યો, અને હું ખૂબ જ ખુશ છું કે હું આગળ આવી, આત્મવિશ્વાસપૂર્વક મારી વાત વહેંચી શક્યો.”
શાળાના સંયોજક શ્રી જયશ્રીબહેને પણ નોંધ્યું કે, આટલા સંકોચાનાર બાળકમાં આત્મવિશ્વાસનો સંચાર એ આ ‘લાઇફ ક્લાસ’નું શ્રેષ્ઠ પરિણામ હતું.
~ પ્રીતિ નાયર |
જીવનની સૌથી યાદગાર ઘટના
કેન્સર હોસ્પિટલની મુલાકાત દરમિયાન મીલી અને તેની ત્રણ બહેનપણીઓ કેન્સરના દર્દી સાથે વાતચીત કરી રહી હતી. આ દર્દી બહેન તેમ જ તેમના પતિ વિદ્યાર્થીનીઓના સવાલોના જવાબ આપી રહ્યાં હતા. આ દંપતીને બાળક ન હતું. વિદ્યાર્થીનીઓના ગ્રૂપમાંથી મીલી ખૂબ ગમી ગઈ અને વાતવાતમાં દંપતીએ મીલીને પૂછ્યું કે, ‘તું અમારી દીકરી બનીશ?’ મીલીએ તુરંત જ હા પાડી. તેઓએ તેમના ટેલિફોન નંબર આપી મીલીને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું. દંપતી તેમ જ મીલીના ચહેરા પર ખુશહાલીના ભાવ હતા. થોડા સમય પછીના ‘લાઇફ ક્લાસ’ દરમિયાન મીલીએ તેમને યાદ કરી ફોન કરવાની ઇચ્છા દર્શાવી, તેમની સાથે વાતચીત કરી. આ વર્ષના છેલ્લા ‘લાઇફ ક્લાસ’માં પોતાની યાદગાર પળો વહેંચાતી વખતે મીલીએ આ ઘટનાને પોતાના જીવનની સૌથી યાદગાર બીના જણાવી.
~ પલ્લવી રાઉલજી |
લાઇફ ક્લાસમાં શીખવવામાં આવેલી બાબતોની નોંધપાત્ર અસર વર્ગખંડમાં પણ જોવા મળે છે
“શાળાના બાળકો જુદાં જુદાં પરિવાર, વાતાવરણ, વિચારો તથા સંસ્કારોમાંથી આવે છે. આ બાળકોને તેમની કક્ષાએ જઈ – જિંદગીને કેમ ગુણવત્તાયુક્ત બનાવાય? જિંદગી તેના સાચા અર્થમાં કેવી રીતે જીવી શકાય? જીવનનું ધ્યેય શું હોય? જીવનનું અંતિમ સત્ય શું? વગેરે – તાર્કિક પ્રશ્નોના ઉકેલ સ્વરૂપે કોઈ ચોક્કસ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે અને તે કાર્યક્રમ બાળકોમાં પ્રયોજવામાં આવે તો બાળકોની જિંદગીને યોગ્ય વળાંક આપી શક્ય, યોગ્ય દિશા મળે. આ ઉદ્દેશ્યથી ચાલતો કાર્યક્રમ એટલે ઓએસિસના ‘લાઇફ ક્લાસ’.
બ્રહ્માંડની ઉત્પત્તિ અને અંત (કદાચ હોય તો!)વચ્ચેના અનંત સમયગાળામાં માનવજીવન – આયુષ્ય નરી આંખે જોઈ શકાય તેવા એક કણ જેટલી પણ હસ્તી ધરાવતું નથી. આ જીવનને તેના સાચા અર્થમાં ભરપૂર માણવું, બીજા લોકોને પણ માણી શકે તેવું વાતાવરણ – પર્યાવરણ તૈયાર કરવું અને માનવીય ચેતના પ્રસરાવી શકે તેવા નાગરિકો તૈયાર કરવા એ લાઇફ કલાસથી શક્ય બને તેવું લાગે છે.”
~ શ્રી વસંતભાઈ પાઠક, પાઠક સ્કૂલ, રાજકોટ
|
આ પ્રવૃત્તિનો જેટલો પ્રસાર અને પ્રચાર થાય તેટલું ફાયદાકારક છે
“લાઇફ ક્લાસ થકી વિદ્યાર્થીઓની અંદર મૂલ્યોનો વિકાસ થાય, તેઓ નવા વિચારો કરતા થાય તેવું ચોક્કસ જ જણાયું. સંજીવભાઇ શાહના પુસ્તકો, વિચારો વિદ્યાર્થીઓમાં વૈચારિક સ્તરે ઘણું મોટું પરિવર્તન લાવવા સક્ષમ છે. આ પ્રવૃત્તિનો જેટલો પ્રસાર અને પ્રચાર થાય તેટલું ફાયદાકારક છે. તેનાથી આપણા પ્રાચીન મૂલ્યો શિક્ષણ જગતમાં ફરીથી સ્થાપિત થશે. મારા વિદ્યાર્થીઓને આ ક્લાસમાં ખૂબ જ મજા આવે છે. અને તેમને મજા આવે છે એટલે હું ખુશ છું.”
~ શ્રી. રાજુ પરીખ, પ્રમુખ, મહાત્મા ગાંધી સંકુલ, રાજકોટ
આ યુગમાં લાઇફ ક્લાસ ખૂબ જરૂરી છે
વિદ્યાર્થીઓમાં રહેલ આંતરિક શક્તિનો વિકાસ થાય તે હેતુથી મારી શાળામાં લાઇફ ક્લાસ શરૂ કર્યા. આજના ઈલેક્ટ્રોનિક્સ યુગમાં કિશોરો તેમ જ યુવાનોમાં પોતાની જાત વિશે વિચારવાનો સમય રહ્યો નથી અને તેઓ એક મશીનની જેમ જીવી રહ્યા છે ત્યારે આ યુગમાં લાઇફ ક્લાસ ખૂબ જરૂરી છે. લાઇફ ક્લાસથી વિદ્યાર્થીઓને વક્તૃત્વ શક્તિ ખીલી છે, સ્ટેજ ફિઅર ઓછો થયો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના ફકત પરિણામલક્ષી અભ્યાસક્રમ માટે નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ કરવો હોય તો ‘લાઇફ ક્લાસ’ના માધ્યમથી આ કોર્સ ફરજિયાત દાખલ કરવો જરૂરી છે.
~ શ્રી અજય પટેલ, ટ્રસ્ટી, ન્યૂ ઈરા સ્કૂલ, રાજકોટ |
લાઇફ ક્લાસ સાચા અર્થમાં તેના નામને સાર્થક કરે તેવા ક્લાસ છે
ઓએસિસ લાઇફ ક્લાસ સાચા અર્થમાં તેના નામને સાર્થક કરે તેવા ક્લાસ છે. વિદ્યાર્થીઓના નિયમિત કાર્યોમાં જીવન ભરનારા આ ક્લાસો તેમનામાં આત્મવિશ્વાસ જગાડીને તેમની પ્રતિભાને બળવત્તર બનાવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું તેમને દર્શન કરાવી તેને બહાર લાવવાનું ઉમદા કાર્ય આ ક્લાસ દ્વારા થાય છે.
મધ્યમ વર્ગના અમારા બાળકો સુધી આવું સુંદર ભાથું પહોંચાડનાર આ ક્લાસ, તેના આયોજકો તથા તેમાં સેવા આપનાર સહુ કાર્યકરો ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે.
~ ડૉ. પલ્લવી જે. મહેતા, પ્રિન્સિપાલ, પ્રકાશ હાયર સેકેન્ડરી સ્કૂલ, અમદાવાદ
|
ઓએસિસ લવ ક્લાસ (પ્રેમ વર્ગો)ની ફિલસૂફીની એક ઝાંખી:
સાચો પ્રેમ શું છે? શું પ્રેમ એ માત્ર લાગણી છે? શું પ્રેમ સ્વાર્થીપણું અને સંકુચિતતા છે? પ્રેમ આપણા જીવનનું એક જબરજસ્ત ચાલકબળ છે. સાચો પ્રેમ આપણી લાગણી કે ઇરાદાથી નહીં, પણ કર્મથી વ્યક્ત થાય છે. સાચો પ્રેમ કદી નિષ્ક્રિય હોતો નથી. |
પ્રેમ જેટલો વિસ્તરે અને વ્યાપક બને, તેટલો તે વધુ શુદ્ધ અને ઊંડો થાય છે. પ્રેમનાં અનેક સ્વરૂપો હોય છે – બંધુપ્રેમ, કુટુંબપ્રેમ, દેશપ્રેમ વગેરે... પરંતુ સમગ્ર માનવતા માટેનો પ્રેમ સૌથી ઊંચો હોય છે. પ્રેમમાં ગરજ, સ્વાર્થ, બદલાની ભાવના, પરપીડનવૃત્તિ વગેરેને કોઈ સ્થાન નથી. |
સાચો પ્રેમ અર્પણ અને ત્યાગમાં માને છે. સાચો પ્રેમ જવાબદાર હોય છે અને સ્વાતંત્ર્યમાં પણ માને છે. સાચો પ્રેમ સતત વિકસતો હોય છે, અને અન્યોના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. હિંમતવાન, નિ:સ્વાર્થી, પરગજુ અને વિકાસશીલ મનુષ્યો જ સાચો પ્રેમ કરી શકે.
(શ્રી સંજીવ શાહની પુસ્તિકા “...શીખતાં શીખવતાં ”માંથી) |