‘મહાન હ્રદયોના સારેગમપધનિ’ પુસ્તક અદભુત
ફરીથી વાંચીને કહેવાનું મન થાય તેવું.
~ સ્વ. વસંત પરીખ, વડનગર
માનવીય વિકાસનું તર્કબધ્ધ છતાં રુચિર ને વ્યવહારુ આયોજન
‘મહાન હ્રદયોના સારેગમપધનિ’ સાદ્યંત વાંચ્યું છે ને વંચાવાય છે. એમાં માનવીય વિકાસનું તર્કબધ્ધ છતાં રુચિર ને વ્યવહારુ આયોજન છે, એ પ્રેરક પણ છે. આપ સૌ નવી પેઢીને ઘડવાની સંતા લઈને ફરો છો તે ચોપાસની અનવસ્થા વચ્ચે આંખ/મન ઠારતું ‘ઓએસિસ’ જ છે.
~ કનુભાઈ જાની, અમદાવાદ
“જો આપણે સમૃધ્ધ અને સંતુષ્ટ જીવન માણવું હોય તો આપણે શાશ્વત મૂલ્યોનો જ આપણા જીવનના મૂળભૂત બંધારણ તરીકે સ્વીકાર કરવો રહ્યો.” |
વધુ ઊંડાણપૂર્વક જીવવા પ્રેરે છે
વાંચતા થંભી જઈએ અને વિચારે ચઢી જઈએ એવા અનેક વિચારો ‘મહાન હ્રદયોના સારેગમપધનિ’ પુસ્તકમાં સમાવિષ્ટ છે. ‘મહાન હ્રદયોના સારેગમપધનિ’ કોઈ પણ મનુષ્યને ઉપલકિયું જીવન જીવવું છોડી, વધુ ઊંડાણપૂર્વક જીવવા પ્રેરે છે – મનુષ્ય પોતાના હૃદયની સચ્ચાઈની તાકાતે જ છેવટે ટટ્ટાર ઊભો રહી શકે છે.
~ સુવર્ણભાનુ ગુપ્ત, લોકસત્તા-જનસત્તા, ૨૦૦૧, વડોદરા
“જીવનની પરિસ્થિતિઓ પર મનુષ્યનો કાબૂ ભલે ન હોય, જે-તે પરિસ્થિતિઓને પ્રતિભાવ આપવાની પસંદગી હંમેશાં મનુષ્યની પાસે હોય જ છે.” |
ઊંડા વિચાર, દર્શન તથા ડહાપણના સારરૂપે આ પુસ્તક લખાયું છે
લગભગ ૩૧૫ પાનાંમાં પથરાયેલી અને સમજાવાયેલી આ ટેવો વાંચીએ ત્યારે કોઈ ધર્મગ્રંથ વાંચતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે. ઊંડા વિચાર, દર્શન તથા ડહાપણના સારરૂપે આ પુસ્તક લખાયું છે. ગુજરાતીમાં પણ તેને એટલી સરળતાથી ઉતાર્યું છે કે કઠિન વિચારો વાંચવામાં સરળ લાગે છે. જે લોકો જીવનપ્રેમી છે, જીવનની ક્ષણેક્ષણને ભરપૂર રીતે જીવવા માગે છે, તેમણે આ પુસ્તક વાંચવું ફરજિયાત છે.
~ હરેશ ધોળકિયા, કચ્છમિત્ર, ભુજ
“આપણે આપણા વિશે જે વિચારીએ છીએ તે નહીં પરંતુ આપણે જે વારંવાર ઉચ્ચારીએ અને આચરીએ છીએ તે જ આપણું સાચું ચારિત્ર્ય છે.” |
આ પુસ્તકે અનેકને દ્રષ્ટિ, વિશ્વાસ, ગૌરવ અને અજવાળું આપ્યાં છે
આ પુસ્તકે કેવળ યુવાધનને જ નહીં, પણ અનેકને દ્રષ્ટિ, વિશ્વાસ, ગૌરવ અને અજવાળું આપ્યાં છે. જીવન વ્યવહારમાં જે દેખાય છે તેનું મૂલ્ય છે જ. તેનો આદર અને સ્વીકાર હોય જ. પણ જે નથી દેખાતું, અદ્રષ્ટ છે તે પરમ મૂલ્યવાન છે, અને ચારિત્ર્યનો આધાર તેના પર છે.
~ રમેશ સંઘવી, ભુજ
“નિષ્ફળ મનુષ્યો માટે જે અવરોધો હોય છે તે મહાન મનુષ્યો માટે સફળતાનાં પગથિયાંઓ હોય છે.” |
‘મહાન હ્રદયોના સારેગમપધનિ’ સાંભળવા માટે સક્ષમ અને સૂક્ષ્મ શ્રવણેન્દ્રિય જોઈએ
પ્રતિભાશાળી વ્યક્તિઓના જીવનસંગીતની એ સુરાવલી આલાપવા જીવન સમગ્રના આરોહ અને અવરોહની સાથે લયબદ્ધ થઈ પછી નિર્બંધ વહેવું પડે. સંજીવ શાહમાં આ બધી સજ્જતા ભારોભાર પડી છે. એમની વાતમાં આત્મપ્રતીતિનો રણકો છે. એમને વાંચવા-સાંભળવા ગમે છે કારણ કે એમની વાતમાં Concern (સચિંતા) અને Conviction (પ્રતીતિ) એકરૂપ થઈને પ્રગટે છે.
~ પ્રબોધ ર. જોશી, તંત્રી – ઉદ્દેશ, અમદાવાદ
પુસ્તકમાં વ્યક્ત થયેલ જીવન ઘડતરની વાતો અત્યંત સચોટ તથા પાયાની છે
વાતો સમજવી કદાચ એટલી કઠિન નથી પણ તેનો અમલ ચોક્કસ મુશ્કેલ છે. પરંતુ જો સ્વનો વિકાસ કરવો હોય અને આપણાથી અત્યંત નિકટની વ્યક્તિઓ સાથેના સંબંધોનું માધુર્ય વિકસાવવું હોય તો તેનો અમલ અનિવાર્ય છે. ‘મહાન હ્રદયોના સારેગમપધનિ’ પુસ્તક અમલીકરણ માટે માર્ગદર્શન આપે છે.
~ હિતેશ શાહ, વિનસ જ્વેલ્સ, સુરત
|
ચારિત્ર્ય ઘડતરની મહત્તા સિદ્ધ કરતું પુસ્તક છે ‘મહાન હ્રદયોના સારેગમપધનિ’
જીવન ઘડતર કે વ્યક્તિત્વ ઘડતરની વાત કરીએ છીએ ત્યારે ચારિત્ર્ય ઘડતરની ઉપેક્ષા સેવવામાં આવે છે. ચારિત્ર્ય વિનાનું જીવન નકામું છે; એટલે જે મહત્ત્વનું છે એની જ ઉપેક્ષા સેવવામાં આવે છે. ચારિત્ર્ય દ્વારા જ વ્યકિતત્વ ઘડાતું હોય છે અને એ દ્વારા જ જીવન પામી શકાય છે. ચારિત્ર્ય ઘડતરની મહત્તા સિદ્ધ કરતું પુસ્તક છે ‘મહાન હ્રદયોના સારેગમપધનિ’.
~ નવગુજરાત ટાઈમ્સ, ૧૯૯૮
‘જ્યારે પણ આપણને એમ લાગે કે સમસ્યા ‘ક્યાંક બહાર’ છે, તે વિચાર જ ખરેખરી સમસ્યા છે.’ |
આ પુસ્તક એકવાર વાંચવા માટે નથી, પણ અવારનવાર વાંચતા રહેવા માટે છે
~ મનુભાઈ પાંભર, ડિરેક્ટર, સુઝલોન, રાજકોટ
“કોઈ પણ સંબંધમાં સૌથી અગત્યનું પરિબળ આપણે શું કહીએ છીએ કે શું કરીએ છીએ તે નહીં, પણ આપણે જે ખરેખર છીએ તે જ હોય છે.” |
તમારા પ્રત્યે અહોભાવ છલકાતો રહ્યો છે
‘મહાન હ્રદયોના સારેગમપધનિ’ વિશે પરબમાં વાંચ્યું હતું અને હાથમાં લીધું ત્યારથી અજાણ્યા એવા તમારા પ્રત્યે અહોભાવ છલકાતો રહ્યો છે. માનવ સ્વભાવની આંટીઘૂંટી – એના ખરા રોગો અંગેનું તમારું માનસિક સર્વેક્ષણ દાદ માગી લે એવું છે.
~ મુનિ ધ્યાનવલ્લભ વિજયજી, મુંબઈ
ખૂબ પ્રેમથી વાંચ્યું છે અને ખૂબ સરસ પ્રેરણાઓ મેળવી
‘મહાન હ્રદયોના સારેગમપધનિ’ ખૂબ પ્રેમથી વાંચ્યું છે અને ખૂબ સરસ પ્રેરણાઓ મેળવી છે. ગુજરાત માટે આ પુસ્તક એક સરસ ભેટ બની રહ્યું છે. કેટલાંક પુસ્તકો એવાં હોય છે કે જે લાંબા કાળ સુધી એટલાં જ અર્થપૂર્ણ રહે છે. આ પુસ્તક પણ એવું જ છે. સમાજ ઘડતરનું કામ તમે જેટલી ધીરજથી અને ઉત્સાહથી કરી રહ્યા છો એ બદલ ધન્યવાદ.
~ કાંતિસેન શ્રોફ, ભુજ-કચ્છ
“જીવનમાં સૌના માટે બધું જ ભરપૂર પ્રમાણમાં છે. કોઈ પણ વ્યક્તિ બીજાઓને ભોગે કે તેમની બાદબાકી કરીને જીવનમાં સાચી સફળતા મેળવી શકતી નથી.” |
આ પુસ્તક અથાગ પ્રયત્નો અને આત્મશક્તિની પ્રતીતિ કરાવે છે
જીવનમાં સમાવાયેલા, માનવ હૃદયના અવિરત અને સમૃદ્ધ સ્રોતોને ઢંઢોળીને કાર્યાન્વિત કરવા માટે પ્રેરણારૂપ બને તેવું આ પુસ્તક અથાગ પ્રયત્નો અને આત્મશક્તિની પ્રતીતિ કરાવે છે. મનુષ્યના હૃદયમાં મૂકેલી ઊંડી આસ્થા અને વિશ્વાસ આ ટેકનોલોજીના જમાનામાં પાયારૂપ નીવડશે અને ઊજળા ભવિષ્યની ચાવી બનશે.
~ ગૌતમ ત્રિવેદી, વડોદરા
વાચકના મન પર ધારી અસર કરવાનો હેતુ અને લક્ષ્ય સુપેરે પાર પડે છે
આ પુસ્તકની કથનશૈલી અત્યંત મહત્ત્વની છે. પુસ્તકમાં ટાઇપ-ફોન્ટથી માંડીને લખાણના લે-આઉટ, વિવિધ નકશાઓ, ચોકઠાઓ, આકૃતિઓમાં વૈજ્ઞાનિક ઢબે નવીનતા લાવવાના પ્રયત્નો થયા છે અને એ નાવીન્ય માત્ર નવું કરવા ખાતર જ નથી. તેની પાછળ પુસ્તકનું વાંચન વધુ સુગમ કરવાનો તથા વાચકના મન પર ધારી અસર કરવાનો હેતુ છે અને આ લક્ષ્ય સુપેરે પાર પડે છે.
~ તરુ કજારિયા, જન્મભૂમિ પ્રવાસી, ૧૯૯૯, મુંબઈ
“All undertaking in this world depend both on the ordering of fate and on human exertion; but among these two the ways of fate are unfathomable; in the case of man’s work action is possible.” |
યુવા વર્ગને વૈચારિક માર્ગદર્શન આપવા માટે આ પુસ્તક ઉત્તમ છે
આ પુસ્તક જીવન પાઠશાળાના પાઠ્યપુસ્તક સમાન છે. જે કોઈ સ્નેહીજન મિત્રોને છેલ્લાં આઠ વર્ષમાં આ પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યાં છે, તે કુટુંબીજનો અને મિત્રોને વિકાસનો માર્ગ મળતો રહ્યો છે. સ્ટીફન કોવીના વિચારોને ખૂબ સરળ રીતે સમજાવવામાં સંજીવભાઈ અસરકારક રીતે સફળ થયા છે.
~ પ્રફુલ્લ ગોહિલ, રાજકોટ
|
આ પુસ્તકને શાળાઓ/કોલેજો માટે પાઠ્યપુસ્તક જાહેર કરવું જોઈએ
સંજીવનું આ પુસ્તક ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સમાજને તેમણે આપેલું મહામૂલું યોગદાન છે. It is a Life-transforming, Life-enhancing book! જીવન અંગેના સૌથી મહત્ત્વના સિધ્ધાંતો આ પુસ્તકમાં ખૂબ અસરકારક રીતે શીખવાડ્યા છે. હું હૃદયથી ચાહું છું, દ્રઢપણે માનું છું કે આ પુસ્તકને શાળાઓ/કોલેજો માટે પાઠ્યપુસ્તક જાહેર કરવું જોઈએ. આ પુસ્તકના સ્વ-નેતૃત્વ અને સંબંધોમાં નેતૃત્વના સિધ્ધાંતો શાળા સ્તરેથી જ બાળકોને શીખવવા જોઈએ.
~ પરાગ શાહ, કે. ગિરધરલાલ, સુરત
ઘણા પ્રશ્નોનાં સમાધાન અમને આ પુસ્તકમાંથી મળ્યાં છે
ફૂલછાબ સમી કૃતિ ‘મહાન હ્રદયોના સારેગમપધનિ’ના આધારે ઘણા યુવામિત્રો સાથે શિબિરો યોજી. અમને અને અમારા મિત્રોને પજવતા ઘણા પ્રશ્નોનાં સમાધાન અમને આ પુસ્તકમાંથી મળ્યાં છે. આ પુસ્તક એકી બેઠકે, સડસડાટ વાંચવા કરતાં અમને ભાંગ્યાના ભેરુ કે નોળવેલ સમાન લાગ્યું છે. પરમ મિત્ર શ્રી સંજીવભાઇ તથા ઓએસિસ પરિવારના અમે આભારી રહ્યા છીએ. ‘વાંચે ગુજરાત’ના માહોલમાં તેની બીજી આવૃત્તિ થઈ રહી છે તે નવી તાજગી સમાન જ હશે તેમાં શંકા નથી.
~ અતુલ પંડ્યા, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, અમદાવાદ
‘જીવનમાં છેવટે કશું જ અર્થપૂર્ણ પામ્યા સિવાય સતત અત્યન્ત વ્યસ્ત રહેવું તે શક્ય છે. ’ |
પરિવારમાં તેમ જ વ્યવસાયિક જીવનમાં અસરકારક બનવામાં મદદ કરી
જ્યારથી સમજણો થયો ત્યારથી હું હમેશાં મારી જાતને અત્યંત નિષ્ઠાવાન અને એકસૂત્રતા ધરાવતી વ્યક્તિ તરીકે જાણતો આવ્યો છું, જેનું સઘળું શ્રેય મારાં માતાપિતા પાસેથી વારસામાં મેળવેલાં મૂલ્યોને જાય છે. જો કે, આ સહૃદયતા અને એક્સૂત્રતાને અસરકારક રીતે કેવી રીતે ઉપયોગમાં મૂકવા તે સમજવાની તીવ્ર જરૂરિયાત મને અનુભવાતી હતી. ૬ વર્ષ પહેલાં, હું સંજીવભાઈના આ સરસ મજાના પુસ્તકના પરિચયમાં આવ્યો, જેણે ખરેખર મને મારી હકારાત્મક્તાને સાચી રીતે વાળવામાં અને મારા પરિવારમાં તેમ જ વ્યવસાયિક જીવનમાં અસરકારક બનવામાં મદદ કરી. ઓએસિસે આપેલી આ અદ્ભુત, જીવનપર્યંત ભેટ માટે હું તેમનો અત્યંત આભારી છું!
~ આર્કિટેક્ટ સ્નેહલ શાહ, સુરત
“આપણે મહાન શિક્ષકોને અનુસરવાનો નહીં, પણ તેઓ જેને અનુસરતા હતાં, તેને અનુસરવા મથામણ કરવી જોઈએ.” |
આ પુસ્તક એ પુસ્તક નથી, પણ ખરેખર જીવન જીવવાની જડીબુટ્ટી છે
આ પુસ્તક દરેક મનુષ્ય માટે ઉપયોગી સાબિત થશે... સમાજને નવું માર્ગદર્શન મળે અને દરેક મનુષ્ય સાચી રીતે જીવી શકે તો ચોક્કસ સારો સમાજ બની શકે.
~ મહેન્દ્ર જેઠવા, પોરબંદર
આ પુસ્તકે મારા જીવનને જીવંત બનાવ્યું છે
આ પુસ્તકને મેં વાંચીને સમજવાનો એક નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. સમજીને જીવનમાં નાની નાની બાબતોનો અમલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું. ઘણી વખત ચુકાઈ જાય છે. આપના સતત પ્રયત્નોએ મારા જીવનને ઘોંઘાટમાંથી સુમધુર સુરાવલીસભર સંગીતમાં પરિવર્તિત કર્યું છે. જીવનની વિકટ સમસ્યાઓ (જે સર્વસામાન્ય હોય છે) પ્રત્યે કેવો અભિગમ કેળવવો, પરિણામ મેળવવા માટે કેવાં પધ્ધતિસરનાં પગલાં ભરવાં, તથા મારી આવડત, સમર્થતાનો લાભ બીજાઓને કેવી રીતે પહોંચાડવો તે હું આ પુસ્તકના વારંવારના વાંચન તથા તેની ઉપર થયેલી કાર્યશાળાઓમાં ભાગ લઇ શીખ્યો છું. આ પુસ્તકે મારા જીવનને જીવંત બનાવ્યું છે. એક લક્ષ્ય આપ્યું છે.
~ પદ્મકાંત સુથાર, અમદાવાદ
“સાચું આર્થિક સ્વાવલંબન ધનસંપત્તિના હોવામાં નહીં પરંતુ ધનસંપત્તિના ઉત્પાદન માટેની ક્ષમતા વધારવામાં છે.” |
પુસ્તકનો યોગ્ય ઉપયોગ કરવાથી એક સાચા માનવીનું નિર્માણ થાય છે
જેમ સંગીતમાં સાત સૂરનું જ્ઞાન મેળવીને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી એક મધુર સંગીતનું નિર્માણ થાય છે તેમ જ મહાન હ્રદયોના સારેગમપધનિનાં સાત પગથિયાં સમજવાથી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી એક સાચા માનવીનું નિર્માણ થાય છે. હું જ મારી આજ માટે જવાબદાર છું અને મારી કાલ હું આજે જ બનાવી રહ્યો છું – આ વાત મને આ પુસ્તકમાંથી સચોટ રીતે જાણવા, સમજવા અને અનુભવવા મળી છે.
~ સિદ્ધાર્થ મહેતા, શૈરુ જેમ્સ, સુરત
|
ચાહે તમે ગમે તે ભૂમિકાએ જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો –
ચાહે તમે પતિ/પત્ની, માતા/પિતા, સંતાન, ગૃહિણી, શિક્ષક, વિદ્યાર્થી, ઉદ્યોગપતિ, નેતા, મેનેજર, કર્મચારી –
ગમે તે હો –
પણ જો તમે ઉન્નત ચારિત્ર્યના આરાધક હો,
તો તમારે આ પુસ્તક વાંચવું જ જોઈએ,
અને પછી તમારા એકેએક સ્નેહીજનને
તે ભેટમાં આપવું જોઈએ.
ચારિત્ર્ય-ઘડતર માટે તબક્કાવાર
વૈજ્ઞાનિક માર્ગદર્શન આપતું આ પ્રકારનું
પ્રથમ ગુજરાતી પુસ્તક
જે સમગ્ર ગુજરાતમાં ચારિત્ર્ય-ઘડતરની નવી લહેરખી જન્માવવાની
અભીપ્સા ધરાવે છે
જેની સેંકડો નકલો છપાતાં પહેલાં જ ખરીદી માટે નોંધાઈ ગઈ હતી |
લેખકની અંગત નોંધ:
આ મહાન હ્રદયોના સારેગમપધનિ છે,
અને તેથી દરેક બાબતને બુદ્ધિથી માપીને જ
જીવન જીવી લીધાના સંતોષમાં રાચવાની આ બાબત નથી.
હૃદયમાં સિદ્ધાંતોનું બીજારોપણ કરી, તેમાં જીવન પ્રત્યેનો પ્રેમ સીંચી-સીંચીને
તેમાંથી જ હરરોજના, હરપળના આપણા વર્તણૂક-વ્યવહારને,
આપણા સમગ્ર જીવનને પ્રગટાવતા રહેવાનો આ પડકાર છે.
ચારિત્ર્ય-ઘડતરનું હાર્દ ફક્ત બુદ્ધિનો વિકાસ નહીં,
પરંતુ હૃદયની કેળવણી પણ છે.
ચારિત્ર્ય-ઘડતરના માપદંડો મનુષ્યની વિચાર-શક્તિ સાથે નહીં,
પણ તેની આચાર-શક્તિ સાથે સંબંધિત હોય છે.
આ પુસ્તકના વાંચન અને તેના પર ચિંતન-મનનથી
દરેક વાચક તેની ભીતર તરફ વળે
તે જ તેના સદુપયોગની સાચી નિશાની છે.
~ સંજીવ શાહ
Email: sanjivoasis@yahoo.co.in |