આમંત્રિત ૨૫ જેટલા જાગૃત નાગરિકોની હાજરીમાં રાજકોટના ‘લાઇફ બિલ્ડીંગ’ ખાતે, તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ યોજાયેલ સંવાદ-બેઠકનું સંચાલન ઓએસિસના શ્રી સંજીવ શાહ અને શ્રી શીબા નાયરે કર્યું હતું. વિષય હતો ‘વિદ્યાર્થીઓની આત્મહત્યા- આપણી જવાબદારી’. આત્મહત્યા પાછળ દેખીતા મુશ્કેલ અભ્યાસ અને નિષ્ફળતાના ડર જેવા ઉપરછલ્લા કારણોની અંદર વાત લઈ જતા સંજીવભાઈએ અગત્યના પ્રશ્નો ઉઠાવ્યા હતા.
શ્રી સંજીવ શાહે જણાવ્યું હતું કે, ‘જયારે જયારે કોઈ વિદ્યાર્થીના આત્મહત્યાના સમાચાર મળે છે ત્યારે થોડો હોહાપો થાય છે, આક્ષેપો અને હતાશાભરી ચર્ચાઓ શરુ થાય છે પણ થોડા દિવસોમાં બધું ચીલાચાલુ થઇ જાય છે. જેઓ સંવેદનશીલ છે અને વિદ્યાર્થીઓના સાચા હિતેચ્છુઓ છે તેઓ જાણે છે કે આવી ઘટનાઓ તો હિમશીલાની ખાલી બહાર દેખાતી ટોચ સમાન છે. કેટકેટલા યુવાનોને આપણી શિક્ષણ-વ્યવસ્થા મનથી મારી નાખે છે તેનો કદાચ હજુ મોટા ભાગનાને અંદાજ જ નથી. |
આવી ઘટનાઓ પાછળ કોની જવાબદારી? કોઈ કહેશે- શાળાની/આચાર્યની, તો કોઈ કહેશે વાલીઓની કે શિક્ષણ-વ્યવસ્થાની- પણ હકીકત એ છે કે આપણે કોઈ આપણી જવાબદારીઓમાંથી છટકી શકીએ તેમ નથી.’
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘હું અંગત રીતે માનું છું કે માતા-પિતા તરફથી સાચો સ્નેહ, સમજદારી, સ્વીકાર અને પ્રોત્સાહન પામનારા કોઈ બાળકો આવું પગલું ન જ ઉઠાવે. પરંતુ શાળાના સંચાલકોએ પણ વિચારવા જેવું છે કે તેમની શાળાના બાળકો અગર આવી કોઈ હતાશા કે ડરથી પીડાતા હોય તો તે તેમની શાળાના કેવા વાતાવરણને પ્રતિબિમ્બિત કરે છે? શાળાઓનું કાર્ય કેવળ કોર્સિસ પુરા કરવાનું છે? શું ગણિત અને વિજ્ઞાનની સાથે બાળકો સાચી રીતે જીવન જીવતાં શીખે, ફોગટની સ્પર્ધાના ભોગ ન બને, તે માટે આપણી કોઈ જવાબદારી નથી? શું આપણી શાળાઓમાં આવતા બાળકોના આત્મસન્માન અને આત્મવિશ્વાસના સંરક્ષણ અને સંવર્ધનની આપણી કોઈ જવાબદારી નથી?’
|
હાજર રહેલા મહેમાનો સંમત થયા કે આપણા સમાજમાં આવી ઘટનાઓ ન થાય તે માટે નક્કર પગલાઓ ઉઠાવવા જોઈએ. શાળાઓ પણ વિચારવું જોઈએ કે તેઓ આ વિષયે શું કરી શકે? આપણે સૌ પણ સંગઠિતપણે કશું તો કરવું જ જોઈએ.
બેઠક દરમિયાન કેટલાંક સૂચનો થયા હતાં, જેમકે-
૧. આચાર્યો/શિક્ષકો માટે સેમિનાર
૨. શિક્ષકોએ ‘લાઇફ ક્લાસ’ કોઓર્ડીનેટર તરીકે જોડાવુ
૩. પ્રેરણા આપે તેવા પોસ્ટર દરેક શાળામાં લગાવવા
૪. સમાચાર પત્રોની લોકપ્રિય કોલમોમાં છાપવું
૫. વિદ્યાર્થીઓને પ્રેરણા આપે તેવી વાર્તાઓ કહેવી
૬. માતા-પિતાની જાગૃતિ માટે શાળાના સંચાલકો તરફથી પરિપત્રો મોકલવા
૭. સૂચના/તકલીફ પેટી મૂકવી
૮. નૈતિક મૂલ્યો વધારે તેવા ક્લાસ લેવા, ફિલ્મો બતાવવી
અંતે આ દિશામાં નક્કર પગલાં લેવાની શરૂઆત કરવા ફરીથી મળવાનું નક્કી થયું. |