શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારી દ્વારા તા. ૦૮/૦૭/૨૦૧૨ના રવિવારના રોજ પુસ્તકાલયના વાંચનકક્ષમાં ‘સાંદીપની શિક્ષક સ્વધર્મ જાગૃતિ અભિયાન’ની સમજ મેળવવા માટેની પ્રથમ સભાનું આયોજન થયું હતું. નવસારી અને સુરત જિલ્લાના શિક્ષણપ્રેમી અને બાળ-ઉત્કર્ષ માટે વિચારશીલ-પ્રયત્નશીલ એવા લગભગ ૧૫૦થી વધુ યુવાન-વડીલ શિક્ષક ભાઈ-બહેનોએ આ સભામાં ભાગ લીધો હતો. સભામાં ઓએસિસના શ્રી સંજીવભાઈ શાહ અને શ્રી પરાગભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન સંસ્થાના પ્રમુખ શ્રી મહાદેવભાઈ દેસાઈએ કર્યું હતું.
વિષયની પૂર્વભૂમિકા બાંધતા શ્રી મહાદેવભાઈએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું જેના કેટલાક અંશો નીચે મુજબ છે:
• આ ઐતિહાસિક સભાના આરંભ સાથે, આપણે સહુ એક ક્રાંતિકારી યાત્રાનો આરંભ કરી રહ્યા છીએ.
• છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની પ્રતિષ્ઠામાં થયેલો ઘટાડો અત્યંત ખેદજનક છે, એ સમજી, સ્વીકારી, પુન: પ્રતિષ્ઠાના શિખર પર પહોંચવા માટેના વ્યક્તિગત તથા સામૂહિક પ્રયત્નો આરંભવા માટેની આ યાત્રા છે.
• શિક્ષકે માળીની ભૂમિકા ભજવી, સમાજમાં વિવિધ પુષ્પોનો પમરાટ ફેલાવવાનો છે.
• આજે શિક્ષણ સમસ્યા ઉકેલ માટેનું સાધન બનવાને બદલે પોતે જ સમસ્યારૂપ બન્યું છે.
• આઝાદી ટકાવવા માટે, દેશ માટે સાચી રીતે જીવવા માટે મહાન ઇચ્છા-શક્તિ કેળવી, બાળકોને સાચા અર્થમાં દેશની અસ્કયામત બનાવવાના કાર્યમાં સક્રિય બનવા માટે આજે મરવાની જરૂર નથી; જીવવાની જરૂર છે.
• સાધન વગર પ્રગતિ અટકતી નથી; પરંતુ સાધના વગર પ્રગતિ અટકી જાય છે અને તેથી ‘સ્વ’ માટે કરેલું રોકાણ ઉત્તમ છે. |
શ્રી મહાદેવભાઈ દેસાઈએ ૪૦ દિવસની (૪થી ૫ વર્ષના સમયગાળા માટેની) આંતરખોજ, આંતર-સાક્ષાત્કાર, સ્વ-નેતૃત્ત્વ માટેના વ્યવસ્થિત, વૈજ્ઞાનિક ઢબના અભ્યાસક્રમ કેન્દ્રિત ઓએસિસ કાર્યશાળામાં ભાગ લેવા ઉપસ્થિત સહુને આહ્વાન કરી, યાત્રામાં આરંભથી ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.
મુશ્કેલીઓ આવવી એ સફળતાનાં ક્રમશ: સોપાનો છે અને એ સોપાનોને આપણે સૌના સહિયારા પ્રયત્નો દ્વારા આંબીશું અને શ્રેષ્ઠ ગુણવત્તાસભર ૧૦૦૦ શિક્ષકો તૈયાર કરવાનું સ્વપ્ન અવશ્ય સાકાર કરીશું એવો ભરપૂર આત્મવિશ્વાસ મહાદેવભાઈએ વ્યક્ત કર્યો હતો.
ત્યાર બાદ, શ્રી સંજીવ શાહે એમની લાક્ષણિક શૈલીમાં એમના વિચારો રજૂ કર્યા હતા, જેના અંશો નીચે મુજબ છે:
• સમાજના કોઈ પણ વર્ગની વ્યક્તિઓ (ડૉક્ટર, વકીલ કે ઇજનેર) કરતાં શિક્ષકનું કાર્ય અત્યંત કઠિન તથા મહત્ત્વનું છે કારણ કે તે ‘માનવ ઘડતર’ કરે છે.
• સુરેશ દલાલને ટાંકીને તેમણે જણાવ્યું કે, હું ખતમ થઈ જઈશ પરંતુ હારીશ નહીં – તેમ માનનાર સાચા અર્થમાં યુવાન છે અને યુવાનને આક્રોશ હોય તે સ્વાભાવિક છે.
• ‘ધી કૅરેક્ટર બૅંક ઑફ ઇન્ડિયા’ની આઝાદી સમયની સમૃદ્ધિમાં ક્રમશ: થઈ રહેલો ઘટાડો સહુ કોઇ માટે ચિંતાજનક બાબત છે.
• ૧૦૦માંથી માત્ર સદભાગી ગણી શકાય એવી આઠ-દસ વ્યક્તિ સર્વ ક્ષેત્રે ટોચના સ્થાને છે અને તેમના થકી થયેલ ભ્રષ્ટાચાર માટે શું શિક્ષણ જવાબદાર નથી? – એવો માર્મિક પ્રશ્ન એમણે પૂછ્યો હતો.
• ‘ધી કૅરેક્ટર બૅંક ઑફ ઇન્ડિયા’ને સમૃદ્ધ કરવામાં શિક્ષકો જ પ્રયત્નશીલ થઈ સફળતા મેળવી શકે - એવો દ્રઢ વિશ્વાસ એમણે વ્યક્ત કર્યો હતો. |
• શિક્ષણક્ષેત્રના સિંઘમ બનવા માટે તાલીમ જરૂરી છે અને એ તાલીમ ઓએસિસના અભ્યાસક્રમમાંથી સમજદારીપૂર્વક પસાર થવાથી સંપન્ન થઈ શકે અને સાચા અર્થમાં સાંદીપનીનું નિર્માણ થઈ શકે.
સંજીવભાઇએ ભૂમિકા બાંધ્યા બાદ શ્રોતાજનો સાથે સંવાદની ભૂમિકા રચી હતી. તેમણે ઉપસ્થિત શિક્ષક ભાઈ-બહેનોને પોતાના જીવનમાં આવેલા ટર્નિંગ પોઇન્ટ માટે કોઈ શિક્ષકનો ફાળો હોય તો, તેના ફાળાનું સ્વરૂપ દર્શાવતાં સંસ્મરણો રજૂ કરવા જણાવ્યું. જેના પ્રતિસાદમાં ૨૦થી ૨૫ જેટલાં શિક્ષક ભાઈ-બહેનોએ પોતાનાં સંસ્મરણો રજૂ કર્યા હતાં. આ સંસ્મરણોને આધારે ઉપસ્થિત સહુ કોઈએ સમાજમાં ક્રાંતિકારી-આમૂલ પરિવર્તન લાવી બાળકોને સાચા માનવ બનાવવામાં શિક્ષક શું પ્રદાન કરી શકે તેવી મહત્ત્વની બાબતોનો અહેસાસ કર્યો હતો.
સભાના અંતમાં, શ્રી મહાદેવભાઈ દેસાઈએ ઉપસ્થિત સહુ કોઈને ‘શિક્ષક સ્વધર્મ જાગૃતિ’ માટેની કાર્યશાળામાં સમજદારીપૂર્વક ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું અને આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે સમગ્ર યાત્રા દરમ્યાન ગુણવત્તા બાબતે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
સૌના ઋણ સ્વીકાર સાથે સભાનું સમાપન થયું હતું.
(શ્રી કિશોરચંદ્ર પટેલની નોંધને આધારે, સાભાર) |
(above) On 21st & 22nd of July 2012, Oasis Life Camp Facilitator, Vaidehi Desai, Navsari, took Life Camp for the students of std. 8 to std. 10 at Shantaba Vidyalaya, Kukeri, Ta. Chikhali, Dist. Navsari, Gujarat. 33 students took part in their first Life Camp and learnt life values in an atmosphere of fun and freedom.
(below) Praksha Desai, Oasis Life Camp Facilitator, Surat, took Life Camp for the students of std. 5 to std. 7 at Shantaba Vidyalaya, Kukeri on 28th & 29th July 2012. 40 students enjoyed their first Life Camp in an atmosphere of complete freedom and joy.
|