Newsletter-cum-magazine of Oasis Movement YEAR 6  ISSUE 1  Jan 1, 2013

Special SummerHill Camp At Oasis Valleys: For Vatsalyadham Children

93 Students, 14 Teachers, 18 Subjects, 8 days

સમરહિલ કૅમ્પ થકી જીવનના ઝંઝાવાતો સામે
ઝઝૂમવાની તાકાત મેળવતાં વાત્સલ્યધામનાં બાળકો

It was a special SummerHill Camp for students of Vatsalyadham, Kukeri. 93 Students participated in the camp which was organized at Oasis Valleys from 1st Dec to 8th Dec 2012. As expressed by students, it was a life transforming experience for many of them.

{Vatsalyadham is an orphanage patroned by Malvi Educational and Charitable Trust, Kukeri village, Dist. Navsari, Gujarat is a unique effort, founded and run by a dear friend of Oasis, Parimalbhai Parmar for children who are orphans, neglected or have single parent primarily hailing from the tribal & low income communities around South Gujarat. The uniqueness lies in the spirit with which 96 children have been adopted and in the dedication with which they are being educated at this school-cum-hostel premise. This institute aspires to be a model about how under-privileged children can be supported, nurtured and brought up. Oasis has partnered with Vatsalyadham to provide character-life-education to these children. Apart from the regular Life Classes being conducted over the last 1 year, Summerhill Camp was a special initiative in the same direction. The results have been heartwarming & inspiring for all equally - children, teachers & Oasis!}

“એવું બધું શીખ્યા કે જે જિંદગીમાં કોઈવાર નહોતા શીખ્યા;
જે શીખવાનું મળ્યું તેનાથી અમારી આખી લાઇફ જ બદલાઈ ગઈ”

સમગ્ર કૅમ્પમાંથી શું શીખ્યાં? – બાળકોના અભિપ્રાયોનો સાર

હું આવી જ રીતે આગળ વધતી રહીશ અને મારું સ્વપ્નું પૂરું કરીશ

“અહીંથી મને ખૂબ જ શીખવા મળ્યું જેમ કે મુશ્કેલીઓનો સામનો કરવો, હિંમત રાખવી, આત્મવિશ્વાસ હોવો જોઈએ. હું આવી જ રીતે આગળ વધતી રહીશ અને જે કંઈ પણ હોય તેમાં ભાગ લેતી રહીશ અને મારું સ્વપ્નું પૂરું કરીશ.”

~ વંદના તળાવિયા

મારામાં કૉન્ફિડન્સ વધ્યો ને હું અંગત રીતે દુનિયા સામે ઝઝૂમવા માટે તૈયાર થતો ગયો

“પહેલા હું વિદ્યાર્થીઓ આગળ બોલતાં ગભરાતો હતો, મારો પસીનો નીકળી આવતો અને પગ ધ્રૂજવા લાગતા હતા. પરંતુ અહીં આવીને મને જે રીતે ઘણી બધી વાર સાંજે બોલવાનો મોકો મળતો ગયો તેનાથી મારામાં કૉન્ફિડન્સ વધ્યો ને હું અંગત રીતે દુનિયા સામે ઝઝૂમવા માટે તૈયાર થતો ગયો. હવે આવી જ રીતે બોલીને વધારે સારી રીતે વાત જણાવી શકું છું.”

~ અક્ષય ભોયે

પ્રેમ હતો તે પણ ખૂબ જ વધ્યો છે અને ઊંડે ઊતરી ગયો છે

“આ કૅમ્પમાં આવ્યો ત્યારથી હું બધા સાથે સારી રીતે રહું છું અને બીજા બધા પણ મારી સાથે સારી રીતે રહે છે. અહીં આવીને અમારો જે પ્રેમ હતો તે પણ ખૂબ જ વધ્યો છે અને ઊંડે ઊતરી ગયો છે. હવે આ પ્રેમ ક્યારેય નીકળશે નહીં. કૅમ્પ પહેલાં હું બધાથી દૂર દૂર રહેતો હતો પણ હવે હું વધારે કરીને બધાની નજીક રહું છું.”

~ આનંદ હળપતિ

અમને ખબર જ ન હતી કે બધાના દિલમાં (અંગત) વાત છે

“અમે જે લોકો સાથે રહીએ છીએ પણ અમને ખબર જ ન હતી કે બધાના દિલમાં (અંગત) વાત છે જે તેમણે અહીંયાં આવીને કહી તો ખબર પડી, તે મને ખૂબ ગમ્યું.”

~ ભાવેશ નાયકા

હું આ કૅમ્પમાં આવી તો મારો ગુસ્સો પણ ગાયબ થઈ ગયો

“અમે ઘણું બધું શીખ્યા કે આપણે આપણી જવાબદારી પોતે સંભાળી લેવી જોઈએ. પહેલાં હું બધા સાથે સરખી રીતે વાતો પણ કરતી ન હતી, હું ગુસ્સામાં કોઈને પણ કંઈ પણ બોલી દેતી હતી. હું આ કૅમ્પમાં આવી તો મારો ગુસ્સો પણ ગાયબ થઈ ગયો અને હું બધા સાથે પ્રેમથી વાતો કરું છું. તેથી મને આ આઠ દિવસમાં ખૂબ જ અને ખૂબ જ ફાયદો થયો.”

~ હેતલ પટેલ

ડર અહીં આવીને નીકળી ગયો અને પોતાને ખબર પડી કે પોતે કેટલાં સ્વતંત્ર છે

“પહેલાં બાળકો પોતાની વાત રજૂ કરવામાં બહુ ડરતાં અને તે ડર અહીં આવીને નીકળી ગયો અને પોતાને ખબર પડી કે પોતે કેટલાં સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે એવું ના માનવું કે બધી રીતે સ્વતંત્ર છે. કેટલાક નિયમો આપણે જ બનાવવા જોઈએ અને પોતે બનાવેલા નિયમો પ્રમાણે જ રહેવું જોઈએ.”

~ અર્જુન હળપતિ

હવે હું કોઈ વસ્તુમાં ભાગ લેવાથી ડરતો નથી

“મને આ સમરહિલ કૅમ્પમાંથી ઘણું બધું ગમ્યું છે જેમ કે મને બધાની સામે બોલવામાં શરમ આવતી હતી અને બધા મારી હાંસી ઉડાવશે એનો ખૂબ ડર લાગતો હતો. અને હું હવે બધાની સામે બોલવા કહે તો બધું સારી રીતે બોલી શકું છું. હવે હું કોઈ વસ્તુમાં ભાગ લેવાથી ડરતો નથી અને બધી વસ્તુઓમાં ભાગ લઈ શકું છું.”

~ રીતેશ પટેલ

મેં મારા દિલની વાત બીજાને કહી દીધી તેથી હું ખૂબ ખુશ છું

“આ સમર કૅમ્પમાંથી હું શીખી કે આપણે એકવાર હિંમત કરીને આગળ જઈને કંઈ બોલીએ તો પછી આપણને હિંમત આવે છે. આપણે મનમાં ડર રાખીશું તો તે આપણા મનમાં જ રહેવાનો છે. અહીં મેં મારા દિલની વાત બીજાને કહી દીધી તેથી હું ખૂબ ખુશ છું અને મારો ડર પણ જતો રહ્યો.”

~ હિના ઝાંઝાર

મારા દિલનો બોજ ઊતરી ગયો

“આ કૅમ્પમાં દિલની જે વાતો કરવામાં આવી હતી એમાં મારી અંદર જેટલો ડર હતો એ નીકળી ગયો. મારા દિલનો બોજ ઊતરી ગયો કારણ કે આગળ ઊભા રહીને મને બોલવાનો ચાન્સ મળ્યો. બીજાને મારવું ન જોઈએ એના વિશે જાણવા મળ્યું. મને સ્વતંત્રતા મળી એટલે કે મનપસંદ જમવાનું મળ્યું, મિત્રો સાથે વાતો કરવાનું મળ્યું, મનપસંદ સેશન્સ મળ્યા.”

~ સંજય રાઠોડ

“આ સમર કૅમ્પમાં અમે હિંમતવાન બન્યા. જે અમને આગળ જવાનો અને બધાની સામે બોલવાનો ડર લાગતો હતો, તે ડરનો અમે ભુક્કો કરી નાખ્યો અને હિંમતવાન બની ગયા.”

~ જયેશ પટેલ

નાનાં બાળકોને મારવું જોઈએ નહીં તે જીવનભર યાદ રહેશે

“હવે કોઈ પણ વાતમાં ખોટું થશે તો હું હિંમત કરીને આગળ આવીને બોલીશ, તેની સામે અવાજ ઉઠાવીશ. નાનાં બાળકોને મારવું જોઈએ નહીં તે જીવનભર યાદ રહેશે.”

~ રવિના રાઉત

જીવનમાં શું કરવું જોઈએ એ અમને ખૂબ સારી રીતે શીખવા મળ્યું

“જૂથ ચર્ચામાં મને ખૂબ રસ પડ્યો. અમારે ઓએસિસ વેલીઝમાંથી શું-શું શીખીને અમારી શાળામાં, હોસ્ટેલમાં શું-શું લઈ જવું છે અને કેવી રીતે કરવું તે સારું સારું અમને શીખવા મળ્યું. અમારે શું કરવાનું, શું નહીં કરવાનું અને જીવનમાં શું-શું કરવું જોઈએ એ અમને ખૂબ સારી રીતે શીખવા મળ્યું.”

~ ધર્મિષ્ઠા પરમાર

“આપણે ડરને બાજુ પર મૂકીને આગળ વધવું જોઈએ. આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. આપણે હંમેશાં દોસ્તી રાખવી જોઈએ.”

~ જીજ્ઞા નાયકા

બાળકોની અદાલત : સ્વ-અનુશાસન માટેનું પ્રત્યક્ષ શિક્ષણ

બાળકોની અદાલત એ સમરહિલ કૅમ્પનું હાર્દ છે. સમરહિલ કૅમ્પના પહેલા દિવસે સૌને બાળકોની અદાલત શું છે, અહીં બાળકોએ પોતાના નિર્ણયો જાતે લેવાના છે તથા સ્વ-અનુશાસનથી જ સમગ્ર કૅમ્પ ચાલશે તે બાબત સમજાવવામાં આવી. બધાં જ બાળકો દ્વારા ૧૫ જેટલા ઉમેદવારોમાંથી મોટાં બાળકોની અદાલત માટે ૬ જ્યૂરી મેમ્બર્સ અને ૧ સ્પીકર ચૂંટવામાં આવ્યા અને નાનાં બાળકોની અદાલત માટે ૪ જ્યૂરી મેમ્બર્સ અને ૧ સ્પીકર ચૂંટવામાં આવ્યા. બધાં જ બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. બાળકોની બંને અદાલતમાં સૌ પ્રથમ બધાં બાળકો દ્વારા જ રહેવા, સૂવાના-ઊઠવાના સમય, સ્વચ્છતા અને સુરક્ષા વગેરે અંગે નિયમો બનાવવામાં આવ્યા. બાળકો દ્વારા ૫-૬ દિવસ અદાલત ચલાવવામાં આવી અને ૧૫થી વધુ કેસો/મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા. નેતૃત્વ વિકાસના સેશનમાં તથા અદાલત દરમ્યાન જ્યાં પણ જરૂરિયાત જણાઈ અથવા બાળકો દ્વારા મદદ માંગવામાં આવી ત્યારે ઓએસિસ ફેસિલિટેટર્સ મેહુલ પંચાલ, પલ્લવી રાઉલજી તથા ડૉ. નેહા વખારિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

“કોઈ પણ સાથે પક્ષપાત નથી; નાનાં મોટાં બધાં જ સરખાં”

બાળકોની અદાલત વિશે બાળકોના જ અભિપ્રાયો સંક્ષિપ્તમાં –

આપણે બધાની સાથે કેવો વ્યવહાર કરવો તે અમે શીખ્યા

“આપણે નાનાં બાળકો સાથે કેવો પ્રેમ રાખવો, આપણે તેમની ભૂલ ન હોય તો પણ તેને મારીએ તો તેના દિલમાં કેવું થશે અને આપણે બધાની સાથે કેવો વ્યવહાર કરવો તે અમે શીખ્યા. આપણે નાનાં બાળકોનું અપમાન ન કરવું અને નાનાં બાળકોનું દુઃખ આપણું સમજવું જોઈએ. તેથી મને અદાલત ખૂબ જ ગમી.”

~ હેતલ પટેલ

બાળકો જ બાળકોને સમજી શકે છે

“હું ઓએસિસ સમરહિલ કૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થામાં જ્યૂરી તરીકે ચૂંટાયો હતો. મને સૌથી વધુ એ ગમ્યું કે તેમાં કોઈની સાથે પક્ષપાત કરવામાં આવતો નથી અને ત્યાં નાનાં મોટાં બધાં જ સરખાં હોય છે. બીજી જગ્યાએ પણ આવી પાર્લામેન્ટ રાખવી જ જોઈએ જેથી બાળકોને ન્યાય મળી શકે કારણ કે બાળકો જ બાળકોને સમજી શકે છે.”

~ અક્ષય ભોયે

“આ અદાલતમાં બાળકો હિંમત કરીને આગળ આવીને પ્રશ્ન અથવા જવાબ આપતાં હતાં. અદાલતમાં બાળકોને હિંમત મળી હતી અને હિંમત સાથે ન્યાય પણ મળ્યો હતો.”

~ રવિના રાઉત

સાચો નિર્ણય કે ન્યાય કેવી રીતે મળે તે શીખવા મળ્યું

“ઓએસિસ સમરહિલ કૅમ્પમાં બાળકોની અદાલતમાં તેમને ગમે તે દબાણ કે તકલીફ હોય તે રજૂ કે ફરિયાદ કરી શકે. તે વ્યક્તિ પોતાની ઇચ્છા પણ અદાલતમાં રજૂ કરી શકે છે. તેમને સાચો નિર્ણય કે ન્યાય મળ્યો કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકાય તે શીખવા મળ્યું.”

~ કિરણ હળપતિ

જ્યૂરી મેમ્બર્સ સાચો ન્યાય આપતા

“જ્યૂરી મેમ્બર્સ ખૂબ જ સારી રીતે ચર્ચા કરીને સાચો ન્યાય આપતા અને બન્નેને સંતોષ થાય તે રીતે ન્યાય આપતા હતા. કોઈનું અપમાન ન કરતા અને કોઈને ખીજવતા ન હતા.”

~ અનિલ રાઠોડ

અદાલતમાં બાળકોએ પોતાની ભૂલ કબૂલ કરી અને તેઓ સાચું બોલ્યાં

“બાળકોની અદાલતમાં બાળકોએ પોતાની ભૂલ કબૂલ કરી અને તેઓ સાચું બોલ્યાં તેથી અમને આ અદાલત ગમી. અમને પણ ના આવડે તેવી નાનાં બાળકોની વાતો ખૂબ સરસ લાગી. તકલીફ હોય, કંઈક ખાવું હોય, ક્યાં ભૂલ છે એવી રીતે તેઓ સાચેસાચ કહી દેતાં હતાં અને તેઓ કબૂલ પણ કરી લેતાં હતાં.”

~ કલાવતી પટેલ

બાળકો જ ન્યાય આપે, કોઈ મોટા માણસે બોલવાનું નહીં

“મને ઓએસિસની બાળકોની અદાલતની વ્યવસ્થા ગમી કારણ કે અહીં કોઈનો પણ ડર રાખ્યા વિના ક્મ્પ્લેઈન કરી શકાય છે. ડર્યા વગર બોલી શકાય અને જે પણ નિર્ણય લેવાનો હોય તે બાળકો જ કરી શકે છે. બાળકો જ ન્યાય આપે, તેમાં કોઈ મોટા માણસે બોલવાનું નહીં.”

~ હિના ઝાંઝાર

“મને ઓએસિસ કૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા ગમી કારણ કે બાળકને ઘણા પ્રૉબ્લેમ હોય છે. તે કોઈને કહી શકતાં નથી. અને અહીં એ પોતાના પ્રૉબ્લેમ કહી શકે છે.”

~ માલવી પરમાર

બધા જ્યૂરી મેમ્બર્સ અને સ્પીકરે પણ સાચો ચુકાદો આપ્યો

“આ અદાલતમાં મને ખૂબ રસ પડ્યો અને આ અદાલતમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું જેમ કે આપણા મિત્રએ પણ ભૂલ કરી હોય તો તેને પણ સજા થવી જોઈએ. અને બધા જ્યૂરી મેમ્બર્સ અને સ્પીકરે પણ સાચો ચુકાદો આપ્યો તેથી અમને ખૂબ ગમ્યું.”

~ ધર્મિષ્ઠા પરમાર

વિષય પસંદગીની પૂરી સ્વતંત્રતા : શારીરિક અને માનસિક કસરતની પૂરી તકેદારી

સમરહિલ કૅમ્પમાં રોજ સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સેશન રાખવામાં આવતા. ક્રાફ્ટ, સોફ્ટ ટોય્સ, લીડરશિપ, પર્યાવરણ અને વિજ્ઞાન, વ્યવહારિક ગણિત, વાર્તા લેખન-પઠન જેવાં રોજિંદાં સેશન ઉપરાંત સજીવખેતી, અળસિયાં અને પર્યાવરણ, ડિઝાઇન્સ, રસોઈકળા જેવા સ્પેશિયલ વિષયોના ક્લાસ પણ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત, લૅન્ડસ્કેપ પેઇન્ટિંગ, ડ્રામા, લોકનૃત્ય, બોલીવુડ ડાન્સ જેવા ક્લાસ દ્વારા તેમની સર્જનાત્મકતા બહાર આવે તેવા અવસરો આપવામાં આવ્યા. સવારે શારીરિક કસરત માટે ડુંગર-જોગિંગ, ખેતી અને ગૌશાળા, યોગ અને પ્રાણાયામ, મુક્ત વ્યાયામ અને સાંજે રમતગમત માટે ફૂટબોલ, વોલીબોલ અને દેશી રમતોની પસંદગીઓ આપવામાં આવી હતી. બાળકોને મીઠી મૂંઝવણ હતી કે કયો વર્ગ પસંદ કરું અને કયો ના કરું? બાળકોને તેમની પસંદગી જાતે કરવા દેવામાં આવી હતી. છતાં દરેક બાળકને ક્લાસ બદલવા માટે પ્રસ્તાવ મૂકવાની સ્વતંત્રતા હતી. સવારના ૭થી રાતના ૧૦ સુધીના ભરચક દિવસમાં બાળકોને પૂરતી શારીરિક અને માનસિક કસરત મળે તેની તકેદારી રાખવામાં આવી હતી. કૅમ્પના છેલ્લા દિવસે બાળકો દ્વારા જુદા જુદા વર્ગોમાં જે કાંઈ બનાવ્યું હતું કે બીજું જે કાંઈ શીખ્યા હતા તેની રજૂઆત કરવામાં આવી હતી.

“ગણિત મને ગમતું ન હતું પણ મને ગણિત ગમ્મત ખૂબ ગમી;
શીખવાનું મળ્યું અને બીજાને શિખવાડવાની પણ મજા આવી”

પોતાના પ્રિય સેશન વિશે બાળકો કહે છે –

મને જીવનને લગતા તમામ ઉદ્દેશો જાણવા મળ્યા

“આ કૅમ્પમાં મારો સૌથી પ્રિય સેશન લીડરશિપનો હતો કારણ કે તેમાં મને જીવનને લગતા તમામ ઉદ્દેશો જાણવા મળ્યા. આ લીડરશિપના ક્લાસમાં દરરોજ જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે જેથી અમે પોતાનું મગજ કસી શકીએ. ઉપરાંત મને એ પણ શીખવા મળ્યું કે આપણી સાથે કોઈ ગુસ્સાથી વાત કરે કે દુઃખ આવી પડે તો તેમાંથી સુખ કેવી રીતે મેળવવું.”

~ અક્ષય ભોયે

ક્રાફ્ટમાં મને જે શીખવા મળ્યું તે હું કદાચ કોઈ દિવસ ન શીખી શકત

“મને ક્રાફ્ટ અને અભિનય ગીતનો સેશન ખૂબ જ ગમ્યો કારણ કે ક્રાફ્ટમાં મને જે શીખવા મળ્યું તે હું કદાચ કોઈ દિવસ ન શીખી શકત. અહીં હું પહેલીવાર લોકનૃત્ય કરતી હતી, હું પહેલાં તો કોઈ દિવસ ભાગ લેતી નહોતી પણ અહીં આવીને બધું જ શીખી ગઈ છું. અહીં પહેલાં તો મને થતું કે હું કયા સેશનમાં જાઉં તો મને આવડશે પણ નેહાબેને ક્રાફ્ટમાં એટલી સરસ રીતે શિખવાડ્યું કે હું રોજ એ જ ક્રાફ્ટના સેશનમાં જતી હતી. અને લોકનૃત્ય પણ ખૂબ જ અઘરા લગતા હતા પણ તેમાં પણ હું બધું જ શીખી ગઈ. આથી મને ઘણી ખુશી છે.”

~ રવિના રાઉત

“મને ઢીંગલા બનાવવાનું પહેલીવાર શીખવા મળ્યું, સજીવખેતી પણ પહેલીવાર શીખવા મળી, ખાવાનું બનાવતાં પણ પહેલીવાર શીખ્યો, ડાન્સ પણ પહેલીવાર શીખ્યો, ડુંગર જોગિંગ પણ પહેલીવાર કર્યું, ફૂટબોલ પણ અમે પહેલીવાર રમ્યા... તેથી હું ખૂબ ખુશ છું.”

~ મહેશ મોકાસી

હું જઈને મારી મમ્મીને પણ ડાન્સ શીખવીશ

“મને ડાન્સ શીખવામાં ખૂબ રસ પડ્યો અને ખૂબ ખૂબ મજા આવી. મારી મમ્મીને પણ ડાન્સનો ખૂબ શોખ છે. તો મને ખુશી છે કે હું જઈને મારી મમ્મીને પણ ડાન્સ શીખવીશ અને મારી મમ્મી પણ ખૂબ ખુશ થશે.”

~ માલવી પરમાર

અમને સોફ્ટ ટોય બનાવવાનું બહુ ગમ્યું

“આખા કૅમ્પમાં સૌથી પ્રિય સેશન સોફ્ટ ટોય્સ હતો. અમને સોફ્ટ ટોય બનાવવાનું બહુ ગમ્યું. તેમાં અમે મંકી બનાવવા માટે ઘણી મહેનત કરી અને અમે સારી રીતે બનાવી શક્યા.”

~ આરતી રાઠોડ

જાતજાતની વાનગી બનાવવાનું શીખ્યા

“અમે આ સમરહિલ કૅમ્પમાંથી પર્યાવરણ વિશે સમજ્યા, તેના પર નાટકો કર્યાં અને ગીતો ગાયા તે મને ખૂબ ગમ્યાં. કિચનના સેશનમાં ફ્રૂટભેલ, મુઠીયા, તુવેરના ઓળા જેવી જાતજાતની વાનગી બનાવવાનું શીખ્યાં. તેનાથી આપણે ઘર બેઠાં બનાવી શકીએ, કિચનમાં કે મોટી હોટલમાં નોકરી મળી શકે અને ગમે ત્યારે આપણને કામ મળી જાય. અને અમે સોફ્ટ ટોય્સમાં ગયા ત્યારે ઢીંગલા બનાવવાનું ખૂબ જ ગમ્યું.”

~ ભાવિક પટેલ

મારો સૌથી પ્રિય સેશન પર્યાવરણ અને વિજ્ઞાનનો હતો

“આખા કૅમ્પમાંથી મારો સૌથી પ્રિય સેશન પર્યાવરણ અને વિજ્ઞાનનો હતો કારણ કે પર્યાવરણ મને બહુ ગમે છે. પર્યાવરણ અને વિજ્ઞાનમાં ઝાડના પ્રકાર શીખ્યા, તેનો ઉપયોગ શીખ્યા, પ્રદૂષણ વિશે શીખ્યા.”

~ અનિલ રાઠોડ

લીડરશિપના સેશનમાં શીખીને પહેલા અમે કર્યું અને બાકીના મિત્રોએ સાંભળ્યું

“મારો સૌથી પ્રિય સેશન લીડરશિપનો હતો જેમાં શું બોલવું, બાળકો સાથે કેવી રીતે વાત કરવી એ જાણવા અને શીખવા મળ્યું. બધાં જ બાળકો શરૂઆતમાં આગળ આવવાથી ખૂબ ડરતાં હતાં. પરંતુ લીડરશિપના સેશનમાં શીખીને પહેલા અમે કર્યું અને બાકીના મિત્રોએ સાંભળ્યું. મેં જે પોતાના દુઃખની વાત કરી કે હું કેવી રીતે આગળ આવ્યો તેની આખી વાત કહી અને તેનાથી તેઓના મનમાં પણ થયું કે આપણે પણ આગળ જઈને કંઈક બોલવું જોઈએ જેથી આપણો ડર પણ દૂર થાય.”

~ કિરણ હળપતિ

“આખા કૅમ્પમાં મને લોકનૃત્ય અને બોલીવુડ ડાન્સ સૌથી પ્રિય સેશન હતા કારણ કે જ્યારે પણ અમારી સ્કૂલમાં આવા કંઈ પ્રોગ્રામ રાખતા હોય તો હું ખૂલીને નાચી શકતી નથી અને ડર લાગતો હતો, પણ અહીં તો ડર રાખ્યા વગર ખૂલીને નાચવાનું હતું એટલે ખૂબ ગમ્યું... અમે બધાએ ખૂબ ઉત્સાહથી ડાન્સ કર્યો. હવે અમે અમારી સ્કૂલમાં પ્રોગ્રામ હોય તો ડાન્સ કરી શકીએ.”

~ હિના ઝાંઝાર, મંદા પાલવી

બીજાને શિખવાડવાની પણ મજા આવી

“ગણિત મને ગમતું ન હતું પણ મને ગણિત ગમ્મત ખૂબ ગમી. કોઈ દિવસ દીવાલ કેવી રીતે માપી શકાય અને પ્લાસ્ટર કે કલરની બચત કેવી રીતે કરી શકાય તે શીખવા મળ્યું. અલ્કેશભાઈએ અમને આવી રીતે રમત રમાડી એ રમત તો ગમી અને તેમાંથી શીખવાનું પણ મળ્યું. અને બીજાને શિખવાડવાની પણ મજા આવી.”

~ સંતોષ ચુડાસમા

પ્રેમ અને આત્મવિશ્વાસની મહામૂલી મૂડી બાળકોએ મેળવી

બાળકો માટે પુષ્કળ પ્રેમ ધરાવતા શિક્ષકો, મુક્ત વાતાવરણ, ઘણા બધા વિષયો અને કુદરતના ખોળે વસેલી ઓએસિસ વેલીઝ ઇન્સ્ટિટ્યૂટ શીખવાનો એક અનોખો જ અવસર પૂરો પડે છે. વાત્સલ્યધામનાં ઘણાં બધાં બાળકો સાંજના કૉમન સેશનમાં જીવનમાં પહેલીવાર પોતાના દિલની વાત ખૂલીને રજૂ કરી શક્યા, પોતાનું દુઃખ મિત્રો સમક્ષ વહેંચી શક્યાં.

“મને ગર્વ થાય છે કે હું અહીંથી ખૂબ શીખ્યો છું અને ત્યાં જઈને બીજાં બાળકોને પણ શીખવીશ”

‘અહીંથી પાછા ગયા પછી સૌથી વધુ શું યાદ કરશો?’ –ના જવાબમાં બાળકો કહે છે –

દિવસો કેમ કરી નીકળી ગયા તે ખબર જ ન પડી

“અહીં સમર કૅમ્પમાં અમે જીવનમાં ખૂબ જ ઉપયોગમાં આવે તેવી વાતો શીખી અને અમને બોલવાની પણ હિંમત આવી અને અમે ડર કે સંકોચ વગર આગળ બોલવા ગયાં. સમર કૅમ્પમાં અમારો બધો જ ડર ભાગી ગયો અને અત્યારે એવું લાગે છે કે અમે એક નવું જીવન જીવીએ છીએ. અહીં ફ્રીડમ છે, જે સ્કૂલમાં પણ ન હોય એટલે ખૂબ મજા પડી. દિવસો કેમ કરી નીકળી ગયા તે ખબર જ ન પડી.”

~ પ્રકાશ કોંકણી

સ્વતંત્રતામાં ગમ્મત પણ થાય ને કંઈક શીખી પણ શકાય

“આખા કૅમ્પમાં અમને અહીં સ્વતંત્રતા આપી હતી તે ગમી કારણ કે સ્વતંત્રતામાં ગમ્મત પણ થાય ને કંઈક શીખી પણ શકાય... અમને સ્વતંત્રતા આપી પણ તે સ્વતંત્રતાનો અમે દુર-ઉપયોગ કર્યો ન હતો.”

~ વિશાલ જાદવ, દામુ સરનાયક

“આ કૅમ્પમાં હું પહેલા દિવસે આવી હતી ત્યારે મને એમ થતું હતું કે મને તો અહીંયાં ગમશે જ નહીં પણ પછી જ્યારે સેશન ચાલુ થયા ત્યારે મને ખૂબ મજા પડી. અહીંથી પાછા ગયા પછી જે અહીંયાં પોતાનું મનપસંદ જે કાંઈ પણ કર્યું, મોજ-મસ્તી કરી તે અને ઓએસિસની ખૂબ યાદ આવશે.”

~ અર્ચના પાલવા

સ્વતંત્રતા મળી તો જ અમે આ બધાનો ફાયદો લઈ શક્યા

“અમને અહીંયાં સ્વતંત્રતા આપવામાં આવી તો અમે અહીંયાં રહી શક્યાં, અમે અમારા મનપસંદ ક્લાસમાં જઈ શક્યાં, અમારી મનપસંદ વસ્તુ કરી શક્યાં, અમારા મનના વિચારો કહી શક્યાં. અમને સ્વતંત્રતા મળી તો જ અમે આ બધાનો ફાયદો લઈ શક્યાં.”

~ કલાવતી પટેલ

સૌથી વધારે પાયલદીદી અને ઉર્વશીદીદીની યાદ આવશે

“અહીંથી પાછા ગયા પછી અમને સૌથી વધારે પાયલદીદી અને ઉર્વશીદીદીની યાદ આવશે કારણ કે હું ડાન્સની શોખીન છું અને એ લોકોએ અમને ડાન્સ શીખવ્યો... તે લોકો ન આવડે તો ફરી કરાવતા અને પછી આવડી જતું.”

~ પ્રતિભા ભોયે

આ વાતાવરણ અમને ખૂબ જ ગમ્યું

“ઓએસિસમાં અમને આજુબાજુનું વાતાવરણ સૌથી વધારે ગમ્યું કારણ કે ખુલ્લી હવા છે, પક્ષીઓનો અવાજ છે, ફૂલની સુગંધ છે, ઝાડનો છાંયડો છે, જાતજાતનાં ફૂલો છે, નાના-મોટા વાંદરા અને પ્રાણીઓ છે. તેથી આ વાતાવરણ અમને ખૂબ જ ગમ્યું હતું.”

~ પૂજા પટેલ

“અહીંથી પાછા ગયા પછી અમને સૌથી વધારે નેહાદીદી, પલ્લવીદીદી, માયાદીદી, ઉર્વશીદીદી, પાયલદીદી, અલ્કેશભાઈ, મેહુલભાઈ અને ઓએસિસની ખૂબ યાદ આવશે કે આ બધાં પણ વાત્સલ્યધામમાં રહે તો કેટલું સારું!”

~ દિવ્યા કોંકણી

આવી સ્વતંત્રતા બધે જ મળવી જોઈએ

“અહીં જે સ્વતંત્રતા મળી તે મને ખૂબ જ ગમી. આવી સ્વતંત્રતા બધે જ મળવી જોઈએ. આ ઓએસિસ સંસ્થા ખૂબ જ પ્રેમ આપે છે. આવી સંસ્થા જો દુનિયામાં ખૂબ થશે તો ધરતી પર સ્વર્ગ ઊભું થઈ જશે. અહીંના બધા સ્ટાફનો પ્રેમ છે તેવો પ્રેમ હું બીજાને આપવાનો પ્રયત્ન કરીશ.”

~ રવિના રાઉત

“અહીંથી પાછા ગયા પછી અમને સૌથી વધુ ઓએસિસ યાદ આવશે, તમારી પણ યાદ આવશે. આવા માણસો ક્યાંય નથી મળ્યા. કોઈ આવું પ્રેમથી સમજાવતું નથી. કોઈક મારશે તો પહેલાં તમારી યાદ આવશે.”

~ ગણેશ ભોગિયા

જો હું આ કૅમ્પમાં ન આવ્યો હોત તો મને ખૂબ નુકશાન થાત

“મને લાગે છે કે જો હું આ કૅમ્પમાં ન આવ્યો હોત તો મને ખૂબ નુકશાન થાત અને અત્યાર સુધી જે શીખ્યો છું તે શીખવા ન મળત અને એકબીજાના દુઃખને કે વાતને સમજી ન શકત. તેથી મને ગર્વ થાય છે કે હું અહીંથી ખૂબ શીખ્યો છું અને ત્યાં જઈને બીજાં બાળકોને પણ શીખવીશ. બધા સાથે પ્રેમથી વાતો કરીશ, બધાને મદદ કરીશ, સૌને પોતાના મિત્રો બનાવીશ, બધાની સુખદુઃખની વાતો સાંભળીશ, તેમનો ઉત્સાહ વધારીશ અને તેમનો સાથ આપીશ. હવે તો અમે ત્યાં જઈને ટીચરો કે કોઈ મોટા વ્યક્તિને પણ સમજાવી શકીએ અને તે પણ ખૂબ સારી રીતે અને પ્રેમથી.”

~ કિરણ હળપતિ

બાળકોનાં ઉત્સાહ, હિંમત અને પરિપક્વતાને બિરદાવ્યાં શિક્ષકોએ,

તો, શિક્ષકોના પ્રેમને વ્યાજ સાથે વાળ્યો બાળકોએ...

ગુજરાતના જુદા જુદા પ્રદેશોથી આવેલા ૧૪ જેટલા શિક્ષકોએ બાળકો સાથે પોતાનું જ્ઞાન વહેંચવાની સાથે ભરપૂર પ્રેમ વહેંચ્યો. તો સામે બાળકોએ પણ બમણા પ્રેમથી શિક્ષકોને વધાવ્યા અને છલકાતી આંખો સહ પ્રેમભરી વિદાય આપી. ક્યાંક બાળકોની હિંમત અને પરિપક્વતા જોઈ શિક્ષકોનું આદરથી મસ્તક ઝૂક્યું, તો ક્યાંક બાળકોના ઉત્સાહે શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા.

“બાળકો સાથેનો અનુભવ: Amazing Experience”

Crux of feedbacks by teachers:

હું આ જગ્યાને, ટીચર્સને અને મારાં વહાલાં બાળકોને ખૂબ ખૂબ ખૂબ જ miss કરીશ

“આ બધાં બાળકોએ કાલે તેમના જીવનનો સૌથી દુઃખદ પ્રસંગ શેર કરવાનો હતો. ખરેખર ખૂબ જ હિંમતનું કામ છે. આપણે આપણા હૃદયના ઊંડાણમાં જે વાત ખૂબ દબાવી રાખી છે, જે આપણી જિંદગીના આ મોડ પર સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ કહો કે જે ઘટવાથી આખી જિંદગી જાણે સાવ સૂની થઈ જાય એ કહેવી ખૂબ જ અઘરી છે. અને હા, આવી વાત ગમે તેટલા સાચા મિત્રો હોય તો પણ આપણે આસાનીથી કોઈની સાથે share કરતા હોતા નથી. ઘણો સમય લાગે છે આત્મીયતા બંધાતા. પણ અહીં બાળકોને એવું વાતાવરણ, એવો પ્રેમ, એવી સ્વતંત્રતા આપવામાં આવે છે. અહીંના ટીચર્સ બધા જ પલ્લવીદીદી, નેહાદીદી, માયાદીદી, મેહુલસર અને બીજો સ્ટાફ એટલા બધા પ્રેમાળ છે, એટલા જિંદાદિલ છે, એક એક પળ જાણે જીવે છે અને બાળકોને જીવવાનો એક રસ્તો કાયમ કરે છે. તેમની વાતો એટલા પ્રેમથી કહે છે કે બાળકોને સીધી જ દિલમાં ઊતરી જાય. ખરેખર અહીં બે દિવસથી હું છું પણ મને અત્યારે એવું લાગે છે કે જાણે હું અહીં ઘણા સમયથી છું. અને બધા મને ખૂબ પહેલેથી ઓળખતા હોય એવું લાગે છે. મને આ બાળકો ખૂબ જ યાદ આવશે. હું મારી સાથે ઘણીબધી વાતો, ઘણી સુંદર પળ, બહુ બધો પ્રેમ અને બીજી કેટલીય અમૂલ્ય ચીજો મારી સાથે લઈને જાઉં છું.

હું આ જગ્યાને, ટીચર્સને અને મારાં વહાલાં બાળકોને ખૂબ ખૂબ ખૂબ જ miss કરીશ. Love You All.”

~ જીજ્ઞા ભાવસાર, રસોઈકળાનાં શિક્ષિકા

Children’s excitement was over whelming

“I came there with the thinking that that I just have taught them dancing and then go away. But from the very moment we enter the periphery of Oasis valleys, the nature, the ambience, the people and specially the children, the way they welcome and applaud for their teacher, the excitement was over whelming. They were quick learner and hard working clad. I was wondering that how come a group of 35+ children can love to shake up their body in patent for 5 minutes song with just 5 hours time to practice. But to my amazement they were all through the song in just 3 hours!!!!!!!!! At one point of time; the teacher might feel tired but they were charged with some Duracell! After spending those few hours there I felt rather than giving anything, I got a lot many …..a lot of love, a lot of belongingness, a much more to list. I would love to be part of something like this again for sure.”

~ Jenny Vakharia, Bollywood Dance Teacher

ખરેખરી હિંમત તો હું આ લોકો પાસેથી જ શીખી

“આ સમરહિલ કૅમ્પનાં બાળકોને હું ઓળખાતી તો હતી પણ તેમની ખરેખરી ઓળખાણ તો આ કૅમ્પમાં જ થઈ. જે એ લોકોના દિલમાં હતું તે એ લોકો બોલી નહોતાં શકતાં પણ જ્યારે એ વાત એ લોકોએ share કરી ત્યારે એ લોકોની હિંમત અને સહનશીલતા જોઈને દંગ રહી જવાયું. આ બાળકો સાથે કેવી જોડાઈ ગઈ તે લાગણીથી વ્યક્ત નથી કરી શકતી. ખરેખરી હિંમત તો હું આ લોકો પાસેથી જ શીખી. દિલમાં એમ થતું હતું કે હું આ કૅમ્પમાંથી બે દિવસ વહેલી જઈ રહી છું તો બહુ બધું મિસ કરી રહી છું.”

~ પ્રક્ષા દેસાઈ, સોફ્ટ ટોય્સનાં શિક્ષિકા

એમની સાથે સમય ગાળ્યાનો મને ખૂબ જ સંતોષ છે

“બાળકો હંમેશની જેમ ખૂબ જ સુંદર હતાં. વાત્સલ્યધામનાં બાળકો ખૂબ જ શિષ્ટ અને પ્રેમાળ છે. ક્લાસ લેવામાં જરા પણ તકલીફ પડી નહીં. એમનો પ્રતિસાદ ખૂબ જ અદભુત હતો. એમની સાથે સમય ગાળ્યાનો મને ખૂબ જ સંતોષ છે.”

~ નૈનિતા રાણા, ડિઝાઇન્સનાં શિક્ષિકા

I congratulate Oasis team for those wonderful efforts

“I had come with an objective of telling and demonstrating Vermiculture technology to children who were not familiar with the basic understanding. I thought it would be difficult due to my language limitation but to my surprise I found the students listening to me with great interest. This experience was the best as I have done many such demonstration & lectures in good schools of urban area but didn’t get such good response. I feel good and satisfied when I see that the students listening to us have understood our inputs. I congratulate Oasis team for those wonderful efforts.”

~ Dr. Suneet Dabke, Teacher of Vermiculture

વિદાય વખતે એમણે આપેલો પ્રેમ ક્યારેય પણ નહીં ભુલાય

“બાળકોની સાથેનો અનુભવ: Amazing Experience. બાળકોની સાથે બોલીવુડ ડાન્સનો વર્કશોપ કર્યો, બહુ મજા પડી ગઈ. બાળકોને પોતાનો વિષય પસંદ કરવાની છૂટ/અધિકાર બહુ પસંદ પડ્યું. ‘ભાર વિનાનું ભણતર’ ચોક્કસ બનાવી શકાય. ઘણાં બધાં બાળકો હંમેશાં યાદ રહેશે. અમારી વિદાય વખતે એમણે આપેલો પ્રેમ ક્યારેય પણ નહીં ભુલાય. All the best. Thank you so much.”

~ મૌલિક પટેલ, બોલીવુડ ડાન્સના શિક્ષક

મારા જીવનમાં આ પહેલો અનુભવ છે તે હું જીવનભર નહીં ભૂલી શકું

“As a teacher તરીકેનો મારા જીવનમાં આ પહેલો અનુભવ છે તે હું જીવનભર નહી ભૂલી શકું. હું અહીંયાં બધાં બાળકોને ડાન્સ, વાર્તા, ગેમ્સ શિખવાડતી ત્યારે બધાં બાળકો ખૂબ જ સુંદર રીતે રૂલ્સનું પાલન કરીને શાંતિથી જે કાંઈ પણ ટીચર કહે તે માનતાં. અને બાળકોને કેવી રીતે સંભાળવા, સાચવવા, તેમની દેખરેખ રાખવી અને એક ટીચરે એક સ્ટુડન્ટ સાથે કેવો વ્યવહાર કરવો એ પણ અહીં આ ઓએસિસમાં શિખવાડવામાં આવે છે. પહેલાં તો બાળકો સ્ટેજ પર આવતાં કે માઇક પકડતાં પણ ગભરાતાં હતાં ને બે-ત્રણ દિવસ થયા ત્યારે તો કોઈને કાંઈ કહેવું જ ન પડે, સામેથી પ્રશ્નો પૂછતાં અને કહેતાં, “ટીચર તમે આ ના કરશો, અમે કરી લઈશું”. હું લકી છું કે મને એક ચાન્સ મળ્યો. અને હવે હું પણ બનતી કોશિશ કરીશ કે હું અહીંયાં ઓએસિસમાં જ સાથે કામ કરું.”

~ ઉર્વશી રણા, ડાન્સ, લોકનૃત્ય, વાર્તા કથન અને બાળરમતના શિક્ષક

અહીંયાં ઓએસિસ વેલીઝમાં અમે તેમને ખૂબ ખૂબ પ્રેમ આપવાની કોશિશ કરી છે

“ઓએસિસ વેલીઝમાં હું as a Teacher આવી હતી અને મારો અનુભવ ખૂબ ખૂબ સારો રહ્યો હતો. મેં first time as a Teacher કામ કર્યું હતું અને મને અહીંયાં ખૂબ સારું અને નવું જાણવા અને શીખવા મળ્યું છે. બાળકોને ખૂબ જ પ્રેમની જરૂર છે. જો કોઈ બાળક ખૂબ જીદ કરે તો એને પ્રેમથી સમજાવી શકાય છે. એમણે લઢવાથી કે મારવાથી એ લોકો બસ આપણાથી ડરીને જ રહે છે. અને ડરીને જ જીવતાં શીખે છે, જે ન થવું જોઈએ. અહીંયાં ઓએસિસ વેલીઝમાં અમે તેમને ખૂબ ખૂબ પ્રેમ આપવાની કોશિશ કરી છે, જે સફળ પણ બની છે. બાળકો તરફથી અમને એ પ્રેમ પણ મળ્યો છે.

ઓએસિસ વેલીઝના કૅમ્પમાં આવેલાં બાળકોને ખૂબ જ સ્વતંત્રતા આપવામાં આવે છે. તે લોકો અહીં પોતાના નિયમો જાતે જ બનાવે છે અને તેનું પાલન કરે છે અને કરાવે પણ છે. બાળકોને આ બધું આયોજન કરવા માટે અને તેમને આ બધાની સમજણ આપવા માટે ઓએસિસ વેલીઝ ખૂબ મદદ કરે છે. તે લોકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ બધાની સમજણ આપવામાં આવે છે. ઓએસિસ વેલીઝ એ એક એવી સંસ્થા છે જે બાળકોને પોતાનામાં રહેલા ડરનો સામનો કેવી રીતે કરવો, એ ડરને કેવી રીતે દૂર કરવો એ પણ શીખવે છે. અહીંયાં બાળકોને એટલી બધી સ્વતંત્રતા આપવામાં આવે છે કે જો કોઈ ટીચરે પણ કોઈ ખોટું કામ કર્યું હોય તો એ લોકો કોઈ ડર વિના ટીચરને પણ કોઈ કહી શકે છે કે ‘ના, તમે આ ખોટું કરી રહ્યા છો. આવું ન કરવું જોઈએ અને આ રીતે નહીં પણ આ રીતે કરો તો સારું’ એમ પણ કહી શકે છે. અહીંયાં કોઈનામાં ભેદભાવ રાખવામાં આવતો નથી, બધાને એકસમાન રાખવામાં આવે છે.”

~ પાયલ રણા, ડાન્સ, લોકનૃત્ય અને વાર્તા કથનનાં શિક્ષિકા

Special feedback from special guests - Smitaben Navre & Jyotiben from Sion Praja Mandal, Mumbai, Donor-friends of Vatsalyadham, who visited the camp:

We would like to thank you all - Oasis team for all the care and love at Oasis Valleys and then continuously looking after us so well. Also we thank you for letting us be part of some sessions and get a first hand feel of the sessions as unless we stayed there and attended these sessions it would be impossible to comprehend. Your team is really passionate, competent and sincere. Please thank all your team on our behalf and like Mayaben says “amaro rang kem na chade" we want to say "Chokash chade che". Good job guys, good team - passionate and walking your talk.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
 Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.