|
Newsletter-cum-magazine of Oasis
Movement |
YEAR 6 I ISSUE 14 I Aug 1, 2013 |
Special Summerhill Camp For Students Associated With 'School On Wheels'
A Project Run By Sister Nivedita Foundation, Rajkot
|
This June, 78 Students From 8 Schools Of Saurashtra, Gujarat
Celebrated Festival Of Happiness & Freedom At Oasis Valleys
“मस्ती की पाठशाला” |
|
Collage above: Morning Mountain Jogging to various sessions throughout the day to evening celebrations - Photo Highlights of the Special Summerhill Camp for School-on-Wheels Children at Oasis Valleys in June'13.
ઓએસિસ તથા સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ ઑન વ્હીલ્સનાં બાળકો માટે 23થી 30 જૂન દરમ્યાન ઓએસિસ વેલીઝ, ચાણોદ ખાતે સમરહિલ કૅમ્પનું આયોજન થયું. તેમાં જુદાં જુદાં ગામોમાંથી આવતાં 78 બાળકોએ ભાગ લીધો. સમગ્ર કૅમ્પનું મુખ્ય સંચાલન ઓએસિસના શીબાબેન નાયરે કર્યું હતું.
સ્કૂલ ઑન વ્હીલ્સ બાળકોને ગ્રામ્ય વિસ્તારોમાં અને અંતરિયાળ વિસ્તારનાં બાળકોને શિક્ષણ મળે, પોથીનું શિક્ષણ નહીં પણ તેમને રસ પડે તે રીતે શિક્ષણ મળે તે માટે બાળકોને શાળામાં લાવવાને બદલે, શાળાને બાળકો સુધી લઈ જાય છે. બાળકો સુધી શિક્ષણ પહોંચે તે ઉપરાંત તે રસપ્રદ રીતે પહોંચે તે તેના ઉદ્દેશોમાંનો એક મુખ્ય ઉદ્દેશ છે. સ્કૂલ ઑન વ્હીલ્સ અર્બન ઇન્ડિયા અને ગરીબ ભારત વચ્ચેની ખાઈને શિક્ષણ થકી પૂરવા પ્રયત્નશીલ છે. |
“આ શિબિર દ્વારા ખબર પડી કે આપણી દુનિયા માટે, આપણા દેશ માટે આપણે શું કરી શકીએ” |
|
Collage above: Photo highlights of various activities of the camp. Children loved each and every activity and learnt a lot, did their duties without supervision, laughed, danced and celebrated every moment heartily.
સમરહિલ કૅમ્પ સાતથી દસ દિવસનો રહેવાસી કૅમ્પ હોય છે. આ કૅમ્પમાં શું થાય છે, તે કેવો હોય છે તેનું વર્ણન એક સહભાગીના શબ્દોમાં, કૅમ્પ પૂરો થયા બાદ-
ઓએસિસ વેલીઝની સંસ્થા એટલે મારા મતે સૌથી શ્રેષ્ઠ સંસ્થા. આવી સંસ્થા મેં હજુ પહેલીવાર જોઈ અને તેને સમજી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે વિશ્વભરનાં બાળકોને સારી સમજણ પ્રાપ્ત થાય તે. અહીં તો બાળકોનું રાજ, બાળકોની સ્વતંત્રતા, બાળકોની ખુશી માટેના થાક્યા વગરના સતત પ્રયત્નો. બાળકો ધારે તે જ આ સંસ્થાના લોકો સમજે અને તેને સ્વીકારે. બાળકોની ભૂલ હોય તો અહીંના લોકો તેમને સારી રીતે સમજાવી પણ શકે. ટૂંકમાં કહીએ તો બાળકોને ગમે તેવું બધું જ કરવા માટે આ સંસ્થા તૈયાર છે. ...આ સંસ્થામાં જુદા જુદા પ્રદેશનાં બાળકોને દર વર્ષે વારંવાર બોલાવવામાં આવે છે અને બાળકોને અવનવું જ્ઞાન આપવામાં આવે છે. બાળકોને જ્ઞાન આપવા માટે જુદા જુદા વિસ્તારોમાંથી ખૂબ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને બોલાવવામાં આવે છે. આ વર્ષે (2013) પણ મુંબઈ, રાજકોટ, નવસારી વગેરે જેવાં શહેરોમાંથી જુદા જુદા વિષયોના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. વળી અહીં વિષયો જુદા જ પ્રકારના છે. બીજી બધી સંસ્થાઓની જેમ અહીં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી વગેરે જેવા વિષયોનું જ્ઞાન બાળકોને આપવામાં આવતું નથી. પણ એવા વિષયોનું જ્ઞાન બાળકોને આપવામાં આવે છે કે જે વિષય બાળકને પસંદ હોય... બાળકને વિષય પસંદ કરવાની તક આપવામાં આવે છે, ત્યારબાદ તેની પસંદગી પ્રમાણે તેને ક્ષેત્રમાં વધુ ને વધુ જ્ઞાન આપવામાં આવે છે. અહીંના વિષયો આ પ્રમાણે છેઃ યોગ અને પ્રાણાયામ, પર્યાવરણ અને વિજ્ઞાન, રસોઈકળા, નાસ્તો ફટાફટ, દેશી રમતો, એકાંતમાં વાંચન, ડુંગર જોગિંગ, ફિલ્મ માણતા શીખીએ, ગણિત ગમ્મત, વિજ્ઞાનની ગરબડ અને નકશાની ચળવળ, ચિત્રકળા, નાટક શીખવું, સ્વબચાવની તકનીકો, સંસદ સત્રો, નૃત્ય, નકામી વસ્તુમાંથી સર્જન, રિપેરવિપેર, ગાયન, મારા સ્વપ્નનું ઘર, રંગોળી, ખેતી, ગૌશાળા, નેતૃત્વ વિકાસ, પુસ્તકો આપણા મહાન મિત્રો, વગેરે જેવા વિષયોનું અહીં બાળકોને જ્ઞાન આપવામાં આવે છે. ...
આ સંસ્થા ખરેખર મને ખૂબ ગમે છે. આ સંસ્થા એટલે જંગલમાં મંગલ. આ સંસ્થાના ટીચરો પણ ખૂબ પ્રેમાળ, દયાળુ, સહનશીલ વગેરે જેવા અનેક ગુણોનો અખૂટ ભંડાર છે. આવા શિક્ષકો આપણા તમામ વિદ્યાર્થીઓને જો મળી જાય તો ખરેખર તેવો વિદ્યાર્થી પોતાના જીવનકાળ દરમ્યાન કોઈ પણ મુશ્કેલી વગર સારી રીતે જીવન જીવી શકે છે. આવા ટીચરમિત્રોનો આભાર; એમને હું ક્યારેય નહીં ભૂલું. – ગીતા બારૈયા
સમગ્ર કૅમ્પમાંથી શું શીખ્યા? - એ વિશે વિદ્યાર્થીઓના પ્રતિભાવોના અંશો: |
અમે આત્મવિશ્વાસ કેળવતાં શીખ્યા
સમરહિલ કૅમ્પમાં મને ઘણું શીખવા મળ્યું જેમ કે સત્ય બોલવું. અમે આત્મવિશ્વાસ કેળવતાં શીખ્યા અને ડાન્સ કરતાં શીખ્યા. બીજું એ શીખ્યા કે આપણે કોઈ દિવસ ડર રાખવો જોઈએ નહીં કારણ કે ડર રાખશું તો આપણે જિંદગીમાં કદી સફળ નહીં થઈ શકીએ. એટલે આપણામાં હિંમત હોવી જોઈએ જેથી આપણે ક્યાંય પાછાં ન પડીએ અને જીવનમાં આપણે સફળ થઈએ. આ અમને ખૂબ જ ગમ્યું.
~ સેજલ સાંકળિયા
કૅમ્પમાંથી અમને શીખવા મળ્યું કે જીવન કેવી રીતે જીવી શકાય
આ સમરહિલ કૅમ્પમાંથી અમને શીખવા મળ્યું કે જીવન કેવી રીતે જીવી શકાય, કેવી રીતે સ્વતંત્ર રહી શકાય, આપણે મહાન માણસ બનવું હોય તો શું કરવું, સ્વતંત્રતા અને ખુશીથી કઈ રીતે રહી શકાય. આ શિબિર દ્વારા ખબર પડી કે આપણી દુનિયા માટે, દેશ માટે તમે શું કરી શકો.
~ બુધા ગંજેળીયા
મસ્તીથી જિંદગી જીવવી જોઈએ
હંમેશાં બધાની સાથે પ્રેમપૂર્વક હળીમળીને રહેવું જોઈએ, મસ્તીથી જિંદગી જીવવી જોઈએ. હંમેશાં બીજાના સદ્ગુણો શોધવા જોઈએ અને પોતાના દુર્ગુણો શોધવા જોઈએ અને તેને દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ - આ બધું શીખ્યા જેનાથી હું ખૂબ ખુશ છું.
~ ગીતા બારૈયા |
સમરહિલ કૅમ્પમાંથી અમે જો મોટા માણસ બનીએ તો કેવી રીતે કામ કરીએ તે શીખ્યા
આ સમરહિલ કૅમ્પમાંથી અમે જો નેતા કે મોટા માણસ બનીએ તો કેવી રીતે કામ કરીએ અને કેમ ન્યાય આપીએ તે શીખ્યા. આપણે સારા મિત્ર પસંદ કરવા જોઈએ, જેથી આપણને મુશ્કેલીના સમયે સાથ દે. હું જેટલું લખું કે કહું તે બહુ ઓછું છે. અમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી છે અને હું ખૂબ ખુશ છું.
~ સતીષ મેવાડા
અહીંયાં ભાઈ-બહેનમાં કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી
આ સમરહિલ કૅમ્પમાંથી અમે શીખ્યા કે અહીંયાં ભાઈ-બહેનમાં કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી. આથી મને તો ખૂબ જ મજા આવી છે અને જે રીતે છોકરા-છોકરી હળી મળીને રહે છે તે તો મને ખૂબ જ ગમ્યું. તેથી હું ખૂબ જ ખુશ છું.
~ જયા બાવળિયા
કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અહીં ખૂબ આનંદથી રહ્યા
આ કૅમ્પમાં અમે શીખ્યા કે પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. અમને બધા વિદ્યાર્થીઓને ભોજન અને સંસદમાં ખૂબ જ આનંદ મળ્યો. આ બિલ્ડિંગ પણ ખૂબ ગમી. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અહીં ખૂબ આનંદથી રહ્યા અને ખુશ થયા.
~ ગોપાલ ગળધરિયા |
કૅમ્પમાંથી અમે એવું શીખ્યા કે સાચું બોલવું, હિંમત રાખીને બોલવું અને દિલથી બોલવું
આ સમરહિલ કૅમ્પમાંથી અમે એવું શીખ્યા કે સાચું બોલવું, હિંમત રાખીને બોલવું, કોઈ પણ જાતની બીક રાખ્યા વગર બોલવું અને દિલથી બોલવું. અહીંયાં અમે બહુ જ બધું શીખ્યા છીએ, સારું શીખ્યા છીએ. અહીંયાં આવ્યા પછી અમને ન્યાય કેવી રીતે કરવો તે અને કેવો દિલથી ન્યાય કરવો તે શીખ્યા. તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ.
~ ભાવેશ ચરાણિયા
અમે દોસ્તો બનાવવાનું શીખ્યા
આ સમરહિલ કૅમ્પમાંથી અમે દોસ્તો બનાવવાનું શીખ્યા અને મા-બાપ સમાન શિક્ષકોને પણ અમે દોસ્તો બનાવ્યા. અહીં આવ્યા પછી અમે મસ્તી કરવાનું શીખ્યા. આટલાં વરસથી હું ભણું છું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં મેં ક્યાંય ભાગ લીધો નહોતો અને અહીં આવ્યા પછી મેં નાટકમાં ભાગ લીધો હતો.
~ દિપક બોહાકિયા
આ સમરહિલ કૅમ્પમાં અમને શીખવા મળ્યું કે કેવી રીતે કોઈ જગ્યાએ એકલા રહી શકાય, મિત્રો બનાવી શકાય, પોતાનું વક્તવ્ય રજૂ કરી શકાય અને પોતાની અંદર આત્મવિશ્વાસ કેવી રીતે લાવી શકાય...
~ ચિરાગ વ્યાસ
|
બાળકોની અદાલત: જવાબદારી અને સ્વ-શાસન થકી સ્વતંત્રતા માણવાનો અનોખો અવસર
“જો વડીલો અને શિક્ષકો બાળકો પર ભરોસો મૂકે, સ્વતંત્રતા આપે તો બાળકો જરૂર
તેમની જવાબદારી સમજે છે અને પોતાની ફરજો નિભાવવા માટે સમજણ ઊભી કરે છે” |
|
Collage above: Highlights of the Children's Parliament during the Camp. Evening parliament sessions were heart of the camp. Complains for rule breaking were dealt with maturity, suggestions were discussed thoroughly, justice was established rightly and thus freedom was enjoyed responsibly.
બાળકોની અદાલત વિશે વિદ્યાર્થીઓના પ્રતિભાવોના અંશો:
|
જે અદાલતમાં આખી પ્રજા માટે વિચારાય છે તે અમને બહુ ગમી
આ અદાલતમાં અમને એ શીખવા મળ્યું કે ગમે તે જુઠ્ઠું બોલે કે જુઠ્ઠાંનો સાથ દે, પછી ભલે આપણો મિત્ર હોય કે ભાઈ હોય તેને સજા આપવાની જવાબદારી લેવી જોઈએ. ભૂલમાંથી જ આપણને કશુંક શીખવા, જાણવા, સમજવા મળે છે. આપણો મિત્ર હોય અને તે અસત્યને માર્ગે ચાલતો હોય તો તેને પાછો વાળવો તે આપણી ફરજ છે.
~ મધુ ડેરવાળિયા
બાળકોએ પોતાના મિત્રો, શિક્ષકો બધાને એક સમાન ગણી ન્યાય આપ્યો
અમને આ બાળકોની અદાલત બહુ ગમી કારણ કે બાળકોએ પોતાના મિત્રો, શિક્ષકો બધાને એક સમાન ગણી ન્યાય આપ્યો અને આ બાળકોમાં આ શક્તિ બહાર કાઢવાનો મોકો મળ્યો. ગમે તેવા પ્રશ્નોના ઉકેલ તેઓએ સરસ અને ન્યાયી રીતે આપ્યા.
~ અશ્વિન બાવળિયા
અદાલતમાં બધા જ મિત્રોએ સાચાનો જ પક્ષ લીધો
ઓએસિસ સમરહિલ કૅમ્પમાં બાળકોની અદાલતને ખૂબ વ્યવસ્થિત રીતે ચલાવી તે મને ખૂબ ગમ્યું. અદાલતમાં બધા જ મિત્રોએ સાચાનો જ પક્ષ લીધો અને પોતાનો જ મિત્ર ભૂલ કરે તો તેને પણ સજા દેતા. બધાં બાળકોએ આ અદાલતની ખૂબ સારી તૈયારી કરી, વ્યવસ્થા પણ કરી તે મને ખૂબ ગમ્યું.
~ કિંજલ તાવિયા |
સંસદને કારણે બાળકોને તેમની અંદર રહેલી હિંમત બતાવવાની તક મળે છે
મને બાળકોની અદાલત ખૂબ જ ગમી, કારણ કે તેના દ્વારા જ સંસદમાં આત્મવિશ્વાસથી બોલવાની અને હિંમતથી પોતાનો ગુનો સ્વીકારવાની તક મળે છે. અને બધા ગુનો ન થાય તેવી કાળજી રાખીને સત્કાર્યો કરે છે. બાળકોની સંસદને કારણે બાળકોને સ્ટેજ પર આવવાની તથા તેમની અંદર રહેલી હિંમતને બતાવવાની તક મળે છે, જેથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતના સંજોગોમાં તે કોઈ પણ જાતનો ડર કે સંકોચ રાખ્યા વિના પોતાની વાત બીજાને રજૂ કરી શકે છે. માણસોથી તો ભૂલો થાય છે પણ તે ભૂલને સ્વીકારીને પશ્ચાતાપ કરે તેને સાચી વ્યક્તિ કે આગેવાન કહેવાય. તેથી અમને આ વ્યવસ્થા ખૂબ જ સરસ લાગી જેનાથી અમને સાચો ન્યાય કરતા આવડે.
~ મહેન્દ્ર મકવાણા
બાળકો પોતાની રીતે બધાના પ્રશ્નો સૉલ્વ કરતાં
સમરહિલ કૅમ્પમાં અમને બાળકોની અદાલત એટલે ગમી કે બાળકો પોતાની રીતે બધાના પ્રશ્નો સૉલ્વ કરતાં અને જરાય ડર વિના બધા હિંમતથી કામ કરતાં. બાળકોની અદાલતમાં બધા સાચાના પક્ષ બાજુએ થાય છે. પછી ભલેને તે મિત્ર હોય, પણ બાળકોની અદાલત હંમેશાં સાચા પક્ષે રહે છે ને ન્યાય આપે છે. દરેક બાળકને પોતાની સ્વતંત્રતા ગમે છે.
~ અસ્મિતા કટેશિયા
|
મોટામાં મોટો પ્રશ્ન હોય તો પણ બાળકો જ તે પ્રશ્ન સૉલ્વ કરે છે
અમને ઓએસિસ સમરહિલ કૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા ગમી. કારણ કે અમારે બાળકોઅે જ જાતે નિર્ણય કરવાનો કે તેને સજા કરવી કે ન કરવી. જે કોઈ પણ પ્રશ્ન લાવે તો તેને સૉલ્વ કરવા પ્રતિનિધિ બનાવેલા હોય, તેણે પ્રશ્ન સૉલ્વ કરી આપવાનો, કોઈ પણ હોય તેને સજા સરખી કરવી જેમ કે પ્રતિનિધિનો મિત્ર, દોસ્ત હોય તો તે તેને બચાવવા પ્રયત્ન કરે નહીં. પછી તેનો મિત્ર કે શિક્ષક હોય તેને એકસરખી સજા કરવી. પ્રતિનિધિઓ પણ ખોટા રસ્તે ચાલે તો તેમને પણ સજા સરખી જ થાય. મોટામાં મોટો પ્રશ્ન હોય તો પણ બાળકો જ તે પ્રશ્ન સૉલ્વ કરે છે. કોઈ પણ શિક્ષક તે પ્રશ્ન સૉલ્વ કરવામાં તેને મદદ કરતા નથી. હા, તે ખોટા રસ્તે ચાલે તો શિક્ષકો સાચો માર્ગ દેખાડે છે.
~ હેતલ બાવળિયા
તેમાં અમને ઘણું શીખવા પણ મળે છે
મને આ કૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા ગમી છે કારણ કે
• તેમાં ન્યાય મળે છે.
• તેમાં બધા જ સાચું બોલે છે.
• તેમાં ઘણાં બાળકો પ્રશ્ન કરે તો તેમને તે પ્રશ્નનું સોલ્યુશન કરી દે છે.
• તેમાં અમને ઘણું શીખવા પણ મળે છે.
• અમે અહીં સ્વતંત્ર રહી શકીએ છીએ.
~ આશિષ દુધરેજીયા
|
સ્વતંત્રતાના વાતાવરણમાં જ બાળકો સૌથી વધુ શીખે છે, સૌથી વધુ વિકસે છે
૩૧ જુદા જુદા વિષયો, ૨૧ શિક્ષકો અને ખૂબ બધી મસ્તી સાથે ખૂબ બધુ શીખતાં બાળકો
|
|
Collage above: Glimpses of regular sessions. Every subject & every teacher was selected carefully to give best learning experiences to children. Teachers from even Mumbai, Ahmedabad, Navsari, Surat had came specially for the children.
જુદાં જુદાં રોજિંદા સેશન્સમાંથી પોતાના મનગમતાં સેશન્સ વિશે બાળકો કહે છે:
|
હું કોઈ પણ જગ્યાએ આત્મવિશ્વાસથી કામ કરી શકું છું
કોઈ બાબતથી ડર્યા વગર કામ કરવાનો આત્મવિશ્વાસનો ક્લાસ મને ખૂબ ગમ્યો. આજથી હું કોઈ પણ જગ્યાએ આત્મવિશ્વાસથી કામ કરી શકું છું. નેતૃત્વ વિકાસમાંથી હું શીખ્યો કે કઈ રીતે વાતચીત કરવી અને કેવું વર્તન કરવું જોઈએ. આ ક્લાસથી મારા માટે મોટો ફાયદો એ થયો કે આજથી હું કોઈ પણ જગ્યાએ, લાખ માણસોની વચ્ચે પણ વાતચીત કરી શકું છું અને મને કોઈ પણ જગ્યાએ ડર નથી લાગતો.
~ વિપુલ ભાદાણીયા
આત્મવિશ્વાસના ક્લાસ જોઈન કર્યા પછી મારામાંથી બધો જ ડર નીકળી ગયો છે
સમગ્ર કૅમ્પમાંથી અમારો સૌથી પ્રિય વિષય આત્મવિશ્વાસ હતો કે જેમાં અમને શીખવા મળ્યું કે જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ નામુમકિન કામ મુમકિન કરી શકો છો અને જો આપણામાં આત્મવિશ્વાસ હોય તો આપણે દુનિયામાં કોઈ પણ જગ્યાએથી પાછા ન ફરવું પડે. મારામાં પહેલાં ઘણો બધો ડર હતો પણ આત્મવિશ્વાસના ક્લાસ પછી મારામાંથી બધો જ ડર નીકળી ગયો છે.
~ ચિરાગ વ્યાસ
ડુંગર જોગિંગમાં જવાની મને ખૂબ મજા આવી.
આ સમગ્ર કૅમ્પમાંથી મારો પ્રિય સેશન ડુંગર જોગિંગ છે. જ્યારે ડુંગર જોગિંગમાં પહેલી વાર ગઈ ત્યારે ખૂબ જ થાકી ગઈ હતી. ત્યારે સમજાયું કે આપણા શરીર માટે વ્યાયામ અને કસરત કરવી ખૂબ જ જરૂરી છે. દોડવાથી આપણને ઘણા બધા લાભ થાય છે અને વ્યાયામ કરવાથી પણ આપણા શરીરના સ્નાયુ મજબૂત બને છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ.
~ બાઘુ મેર |
હું શીખીશ, હું કરીશ અને હું કરીને બતાવીશ
સમગ્ર કૅમ્પમાંથી અમારો પ્રિય સેશન ડાન્સનો હતો કારણ કે ડાન્સમાં હું પહેલીવાર ભાગ લેતી હતી. મને એમ થતું કે મને ડાન્સ નહીં આવડે પણ અમને હસ્મિતાદીદીએ કહ્યું કે તમારે ત્રણ શબ્દો મનમાં રાખવાના – હું શીખીશ, હું કરીશ અને હું કરીને બતાવીશ. મને હસ્મિતાદીદીએ ખૂબ જ પ્રેમથી ડાન્સ શિખવાડી દીધો.
~ પાયલ બાવળિયા
મારો સૌથી પ્રિય સેશન સ્વબચાવની તકનીકનો હતો
મારા માટે સમગ્ર કૅમ્પમાંથી મારો સૌથી પ્રિય સેશન સ્વબચાવની તકનીકનો હતો. તે મારા માટે પ્રિય છે કારણ કે તે મારા માટે અથવા તો બધી જ છોકરીઓને તેની જરૂર છે. જ્યારે કોઈ માણસ અથવા કોઈ છોકરો આપણી સાથે જબરજસ્તી કરે તો આપણને આવડતું હોય તો આપણે આપણો બચાવ કરી શકીએ.
~ હંસા અણિયાળિયા
રસોઈકળામાં એમણે જે રીતે સમજાવ્યું તેમાં અમે સહેલાઈથી શીખી ગયા
સમગ્ર કૅમ્પમાંથી અમને સૌથી પ્રિય સેશન રસોઈકળાનો હતો. અમને તેમાં રાઇસ પકોડાં બનાવવાની બહુ મજા આવી અને અમને તે આવડી પણ ગયું. તેથી અમને રસોઈકળાનો સેશન બહુ ગમ્યો. રસોઈકળામાં એમણે જે રીતે સમજાવ્યું તેમાં અમે સહેલાઈથી શીખી ગયા.
~ નીતા રોજીયા
સમગ્ર કૅમ્પમાં મને સોફ્ટ ટોય્સનો સેશન ગમ્યો હતો કારણ કે હું ને પાયલદીદી બન્ને ગીત ગાતાં ગાતાં, હસતાં હસતાં શીખ્યાં હતાં.
~ ભારદ્વાજ જોષી
|
મને બધાં જ સેશન ખૂબ ગમ્યાં
સમગ્ર કૅમ્પમાંથી મને બધાં જ સેશન ખૂબ ગમ્યાં. તેમાંથી હું મારો પ્રિય વિષય એવા ગણિત વિશે કહું છું. ગુણાકાર, બાદબાકી, સરવાળો આ મને આવડતું તો હતું પરંતુ અહીંયાંથી હું ખૂબ ઝડપથી ગણતરી કરતા શીખી છું. તે માટે અમારા ગણિત ગમ્મતના શિક્ષક એવા શાશ્વતભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમણે અમને દાખલા સિવાય બીજી પણ ઘણી રીતે ગણિત શીખવ્યું.
~ કૈલાશ રોજાસરા
પ્રિય સેશન વિજ્ઞાનની ગરબડ અને નકશાની ચળવળ હતો
સમગ્ર કૅમ્પમાંથી મારો સૌથી પ્રિય સેશન વિજ્ઞાનની ગરબડ અને નકશાની ચળવળ હતો. તેમાં અમને શાહિદભાઈએ ઘણા પ્રયોગો શીખવ્યા, તેમાંથી અમે ત્રણ-ચાર પ્રયોગ શીખ્યા. પછી આપણો હોલ, રૂમ વગેરે કેવી રીતે દોરવાં, તેનો નમૂનો બનાવવો તે અમને નકશાની ચળવળમાં શિખવાડ્યું.
~ દક્ષા જોળિયા
શિક્ષકોએ વૃક્ષો વિશે અને પર્યાવરણ વિશે ખૂબ જ માહિતી આપી
સમગ્ર કૅમ્પમાં મારો પ્રિય સેશન વિજ્ઞાન અને પર્યાવરણનો હતો. આમાં અમને રાજેન્દ્રભાઈ, મયુરભાઈ, મેહુલભાઈ ત્રણેય શિક્ષકોએ વૃક્ષો વિશે અને પર્યાવરણ વિશે ખૂબ જ માહિતી આપી. આ સેશનમાં અમને પર્યાવરણ કોને કહેવાય, ઊર્જા, પાણી, હવા, જમીન, વૃક્ષો, જંગલ, ખનીજતેલ વગેરે વિશે ખૂબ જ જાણવા મળ્યું. આ ત્રણેય શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર.
~ અજય પરમાર
મેં ક્યારે પણ ગ્રીટિંગ કાર્ડ જોયાં નહોતાં અને મને બનાવતાં આવડી ગયું.
~ હેતલ સાપરા
|
|
કેળવણી અને અંતે તો જિંદગીનું ધ્યેય ખુશીથી કામ કરવું અને આનંદ ઊભો કરવો તે જ છે
“અદાલત ગમી, સફાઈ કરવાની મજા પડી, સુંદર વસ્તુઓ બનાવી શક્યા,
રમતો ગમી અને ડુંગર જોગિંગમાં ખૂબ મજા પડી” |
|
Collage above: Students enjoying various moments of the camp.
આખા સમર કૅમ્પ દરમ્યાન તમને સૌથી વધુ શું ગમ્યું કે માણ્યું?- એના જવાબમાં બાળકો લખે છે:
|
સવારનું ડુંગર જોગિંગ અને રાત્રિની પાર્લામેન્ટ બહુ જ/અતિશય ગમ્યાં
આખા સમર કૅમ્પ દરમ્યાન અમને સવારનું ડુંગર જોગિંગ અને રાત્રિની પાર્લામેન્ટ બહુ જ/અતિશય ગમ્યાં. કારણ કે મિત્રો, હું જ્યાં જીવું છું ત્યાં અમે જોગિંગમાં ક્યાંય જતા નથી તેથી તે મને બહુ ગમ્યું. અને અમારે ત્યાં પાર્લામેન્ટ તો નથી હોતી. પણ હું બધાને સાચો ન્યાય આપી શકીશ મને તે તો બહુ/અતિશય ગમ્યું.
~ ચંદુ લિંબડિયા
સફાઈ કરવાની પણ મજા પડી
આખા સમરહિલ કૅમ્પ દરમ્યાન અમને અદાલત ગમી અને સફાઈ કરવાની પણ મજા પડી. પછી નકામી વસ્તુમાંથી અમે સુંદર વસ્તુ બનાવી શક્યા તે ખૂબ ખૂબ ગમ્યું. અમને રમતો રમવાનું પણ ગમ્યું.
~ ધર્મેશ સરવૈયા
|
અમને સૌથી વધારે ભોજન અને નાસ્તો ગમ્યો
આખા કૅમ્પ દરમ્યાન અમને સૌથી વધારે ભોજન અને નાસ્તો ગમ્યો કારણ કે અમને જે ભોજન અને નાસ્તો મળ્યો તેમાં ઘણી બધી વાનગીઓ અમને ખૂબ જ ગમી હતી. તેમાં પાઉંભાજી, સાબુદાણાની ખીચડી, દાબેલી, બાજરાના રોટલા વગેરે બહુ ગમ્યું અને નાસ્તામાં દૂધ, કેળા, બિસ્કિટ, જ્યૂસ વગેરે ખૂબ જ ગમ્યું.
~ પીયુષ કાગડિયા
શીબાબેને કૅમ્પનું સંચાલન કર્યું તે મને ખૂબ ગમ્યું
શીબાબેને કૅમ્પનું સંચાલન કર્યું તે મને ખૂબ ગમ્યું. અને ઉર્વશીબેનનો ડાન્સ ગમ્યો. અમને જમવાનું ખૂબ ગમ્યું. અમે જ્યારે પાછાં આવીએ ત્યારે પાઉંભાજી રાખજો તો અમને મજા આવશે.
~ રાધિકા અણિયાળીયા
|
સૌથી વધુ બહારનું વાતાવરણ ગમ્યું
આખા સમર કૅમ્પ દરમ્યાન અમને સૌથી વધુ બહારનું વાતાવરણ ગમ્યું કારણ કે મને અહીં ઘણાં બધાં પંખીઓ, વાંદરા અને ઘણું જોવાની મજા આવી અને અમને ડુંગર જોગિંગ પર લઈ જતા ત્યારે અમને ડુંગર ચડવામાં પણ મજા આવી અને નર્મદા નદી પણ જોવાની ઘણી મજા આવી.
~ મનીષા જેજરીયા
સ્વતંત્રતાથી રહેવાનું, મસ્તી કરવાનું - બધું જ અમને ગમ્યું
આખા સમર કૅમ્પમાં અમને અદાલત, તેના નિયમો અને તેના કાયદા ગમ્યા. અહીંયાં રહેવાનું, અહીંયાં જમવાનું, સ્વતંત્રતાથી રહેવાનું, મસ્તી કરવાનું તે બધું જ અમને ગમ્યું. અને દીદી ને ભાઈ બધા સાથે હળી મળીને રહેવાનું તે અમને ગમ્યું. અમે પિક્ચર જોયું તેમાં અમને મજા આવી.
~ આરતી ભુસડીયા
|
શિક્ષકની ભૂમિકા બાળકોને માણવાની, પ્રોત્સાહિત કરવાની, બાળકોની વિકાસ માટેની જરૂરિયાતોને પોષવાની
અને પૂરી કરવાની તથા તેમને સ્વતંત્રતા મળે તેવું વાતાવરણ ઊભું કરવાની છે
“અહીંથી પાછા ગયા પછી અમે પહેલાં બધા શિક્ષકોને યાદ કરીશું
કારણ કે તેમણે એટલો પ્રેમ-વહાલ કર્યાં છે જે અમારા શિક્ષક પણ ના કરી શકે”
|
|
Collage above: Teachers poured their love while teaching and
Children reflected their love for teachers when they departed.
બાળકો અને કૅમ્પ વિશે શિક્ષકોના અભિપ્રાય સંક્ષિપ્તમાં -
|
સુંદર કુદરતી વાતાવરણમાં વણખીલ્યાં બાળકોને નજર સમક્ષ ખીલતાં જોવાનો અદ્દભુત અનુભવ
સુંદર કુદરતી વાતાવરણમાં વણખીલ્યાં બાળકોને નજર સમક્ષ ખીલતાં જોઈને જે અનુભવ થાય છે તે કહેવા મારી પાસે શબ્દ નથી. આ કેમ્પમાં ખરેખર બાળકોને જે સ્વતંત્રતા, મુક્ત વાતાવરણ, ભય વગરનું જીવન, આઝાદી, મસ્તી, ખુશી, ખૂલીને જીવવાની તક, શિક્ષકો વિશે ફરિયાદ કરવાનો હક વગેરે બીજા કોઈ કૅમ્પમાં ચોક્કસપણે ન જ મળી શકે.
~ કોમલ દવે, સ્વાસ્થ્ય અને સુંદરતાના શિક્ષક, અમદાવાદ
संस्था के नाम के मुताबिक उनका काम मुझे ओएसिस जैसा लगता है
समरहिल केम्प में आनेवाले सभी बच्चो के जीवन में आप रेत के झरने का काम कर रहे है। जिस तरह एक छोटा झरना तरसानेवाले की प्यास बुझाता हैं उसी तरह आप की संस्थाने सभी बच्चो की ग्यान लेने की प्यास आप के शिक्षको द्वारा बुझाई जाती है। बच्चो का व्यक्तित्व विकास करने में आपके विचार बहुत अच्छे लगे। मैंने पहेली बार ऐसी संस्था में जाकर गाँव के बच्चो को शिखाने का अनुभव लिया है। आपकी इस संस्था में आकर मुझे बहुत कुछ जानने और समझनेका मौका मिला।
~ Pratiksha Kulkarni, Painting Teacher, Vadodara
છોકરાઓએ એટલું સુંદર કામ કર્યું કે મને શીખવા મળ્યું
આ વખતે મને એક Session લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી એનાથી હું ખુશ હતો. મેં બાળકો ને પ્લાસ્ટિકની બોટલમાંથી ફૂલ બનાવતા શિખવાડ્યું જે મને ખુબ ગમ્યું. અને છોકરાઓએ પણ એટલું સુંદર કામ કરી બતાવ્યું કે એમનામાંથી મને પણ કઈક શીખવા મળ્યું.
~ વિરલ પંચાલ, મ. શિક્ષક – ક્રાફ્ટ, ઓએસિસ કેમ્પ કો-ઓર્ડીનેટર
|
સત્યપ્રિયતાના પાઠ શીખવવા ખૂબ જ અઘરા છે તે અહીં થાય છે
• વિદ્યાર્થીઓની પાર્લામેન્ટમાં સત્ય, નિષ્ઠા, નેતૃત્વ વિકાસ, નિખાલસતા ગમ્યાં.
• દરેક બાળકમાં કંઈક દૈવી શક્તિ હોય છે. ફક્ત તેની ઓળખ કરવી અને આગળ લાવવું ખૂબ જ મહત્ત્વનું છે.
• કૅમ્પમાં વિદ્યાર્થીઓની સારી બાબતોને બિરદાવવામાં આવે છે, જે બાળકને ભવિષ્યમાં આગળ વધવા માટે ખૂબ જ મહત્ત્વની છે.
• પાર્લામેન્ટની વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને સ્વતંત્રતાનો હક મળે છે. બધા નિર્ણયો પોતે સ્વતંત્ર રીતે લઈ શકે છે. વિદ્યાર્થીઓ જે કાંઈ ભૂલો કરે છે તો તેની માફી માંગે છે તે ખરેખર ખૂબ મોટી વાત છે. વિદ્યાર્થી નીડર બને છે, સત્ય બોલતા શીખે છે માટે બહુ મહત્ત્વ આ અદાલતનું છે....
• આ સંસ્થાના કૅમ્પમાં બધા જ શિક્ષકો, બહેનો ખૂબ જ ભાવનાશાળી, નિખાલસ, સત્યનિષ્ઠ લાગ્યા જે ખૂબ જ મોટી વાત છે. ખાસ શીબાબેનનો બાળકો પ્રત્યેનો નિખાલસતાવાળો પ્રેમાળ સ્વભાવ જે દરેક બાળકને એક સરસ લાગણીસભર વાત્સલ્ય પૂરું પાડે છે. સત્યપ્રિયતાના પાઠ શીખવવા ખૂબ જ અઘરા છે તે અહીં થાય છે.
• અહીં વિદ્યાર્થીઓ રાજા છે.
• અહીંથી પાછા ગયા પછી બાળકોનો પ્રેમ અમને બહુ જ યાદ આવશે.
~ રાજેન્દ્રસિંહ ગોહિલ, પર્યાવરણ શિક્ષક (એક્સેલ ક્રોપ-કેર લિ., કચ્છ)
બાળકો સાથે કામ કરવાની મને ખૂબ મજા આવી
ઓએસિસ દ્વારા બાળઘડતર માટે આટલી સુંદર, આયોજનવાળી શિબિર થાય છે એ જોઇને મને ખૂબ આનંદ થયો. અંતરિયાળ વિસ્તારમાંથી આવતાં બાળકો પોતાના ગમતા વિષયો અલગ વાતાવરણમાં શીખે છે એ આનંદની બાબત છે.
~ શૈલી પરીખ-શાહ, સંગીતના શિક્ષક, અમદાવાદ
|
I simply loved being here.
These children had never seen cards in their life so it was a whole new thing for them. But they all were too good at learning new things! Even I learnt 2-3 new designs from them. They were like wow moments! They all are brilliant and smart; just needing a push or guidance.
What you all are doing with children at Oasis Valleys is awesome!! It needs lots of patience (which is so difficult for common people)! Hats off to you! I would like to join this again and again in future. Feeling lucky to have fellowship with world's best people!
~ Nirali Dhum, Teacher of Greeting Card & Oasis Volunteer
અદાલત દ્વારા લાગ્યું કે બાળકો શું નથી કરી શકતાં, બધું જ કરી શકે છે
અદાલત દ્વારા છોકરાઓમાં નિર્ણયશક્તિનો પાવર વધ્યો, તેઓ વિચારતા થયા તે ગમ્યું. કારણ કે કોઈ પણ સમયે તેઓ નિર્ણય લેતા હતા જેથી વિચારતાં વિચારતાં તેઓમાં ડરવાનું પ્રમાણ ઘટ્યું હતું તે ગમ્યું. અદાલત દ્વારા લાગ્યું કે બાળકો શું નથી કરી શકતાં, બધું જ કરી શકે છે. આથી તેમના વિચારોની નોંધ લેવી જોઈએ. ખાસ કરીને ઘરમાં જો છોકરાઓને આવું વાતાવરણ આપવામાં આવે તો નાની ઉંમરમાં તેઓ પ્રગતિ કરી શકે છે.
આ અદાલત દ્વારા તેઓ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે. દા.ત. સ્ટેજ ઉપર બોલી શકે, નિર્ણયશક્તિ વધારી શકે, મહત્ત્વનાં કામો કરાવી શકે, નવા નિયમો વિશે વિચારી શકે તે ગમ્યું. તેમણે પોતાની ભાષામાં જે નિર્ણયો આપ્યા તે માણ્યા.
~ મયુર જોષી, પર્યાવરણ શિક્ષક (એક્સેલ ક્રોપ-કેર લિ., કચ્છ)
|
|
ખરી કેળવણી એટલે બાળકમાં બહારથી ‘જ્ઞાન’ ઠાંસવું એ નહીં;
ખરી કેળવણી એટલે બાળકમાં જે પહેલેથી જ રહેલું છે તે બહાર કાઢવું
અંતિમ સાંજે ઉજવણીમાં બાળકોએ પોતાની આવડત બતાવી |
|
Collage above: Children learnt as many as 31 different subjects during the camp. They learnt singing, drama, public speaking, dancing... and so on. The last evening was time to show what they learnt in 7 days. A show was organized and children showcased their talents.
સમરહિલના આચાર્ય અને કેળવણીકાર એ. એસ. નીલે કહ્યું છે તેમ વિશ્વના તમામ ગુનાઓ, તમામ નફરત, તમામ યુદ્ધોનું મૂળ છેવટે નાખુશી પર આવીને અટકી જાય છે. ઓએસિસનો સમરહિલ કૅમ્પ પણ બાળકો ખુશ રહે, આત્મવિશ્વાસપૂર્વક જીવે તે માટે સમર્પિત છે. એક અઠવાડિયાના અનુભવથી બાળકોનું સમગ્ર જીવન ધરમૂળથી બદલાઈ જાય તેવો કોઈ ભ્રમ કે દાવો નથી, છતાં એક અઠવાડિયાના અંતે બાળકોના ચહેરા પર ચમકતી ખુશી અને આત્મવિશ્વાસ ઊડીને આંખે વળગે તેવાં હોય છે. સ્વતંત્રતાનો, જવાબદારીપૂર્વકની સ્વતંત્રતાનો સ્વાદ આપતો આ કૅમ્પ બાળકોની સ્મૃતિમાં કાયમી સ્થાન મેળવે છે. આવી પણ એક દુનિયા હોઈ શકે અને આપણે પણ આવી દુનિયા ઊભી કરી શકીએ એવી ભાવના તે બાળકોમાં જન્માવે છે. સ્વાભાવિક રીતે, તેમના જીવન પર તેની અસરો દૂરગામી રહેવાની.
બાળકો ખુશહાલ અને જવાબદાર વ્યક્તિ બને એ દિશામાં આ કૅમ્પ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાં બાળકોને પોષતું વાતાવરણ, બાળકોમાં હરઘડી વિશ્વાસ ધરાવનારા ફેસિલિટેટર્સ, તેમને રસપ્રદ રીતે શિખવાડતા શિક્ષકો અને તેમને અપાતી સ્વતંત્રતા વચ્ચે શીખવાનું અને ખીલવાનું સંપૂર્ણ શ્રેય બાળકોના ભાગે જાય છે. |
|
Team Alive |
Alive Archives |
Alkesh Raval
Jolly Madhra |
Kshama Kataria
Mayuri Gohil |
Mehul Panchal
Sanjiv Shah |
Sheeba Nair
Umesh Patel |
To View Alive Archives, Please Click here>>> |
|
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. |
To unsubscribe from this group, reply with
"Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self
Leadership Education for Community Development, Vadodara, Gujarat,
India.
|
|