Oasis Proudly Launches... The Youngest Translator in Gujarati Language!
Tanya Khatri
Translator of the book
'Tolstoyni JivanKathao'
collection of 37 stories in Gujarati
ગુજરાતી સાહિત્ય જગતમાં ઓએસિસે રચ્યો ઇતિહાસ!
તા- ૧૫મી ઑક્ટોબર, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિવસે ગુજરાતી સાહિત્ય પરિષદના હોલમાં અનેક કેળવણીકારો, શુભેચ્છકો તથા ઓએસિસના યુવાટ્રસ્ટીઓની હાજરીમાં ઓએસિસની યુવાટ્રસ્ટી કુ. તાન્યા ખત્રીનું ‘તોલ્સતોયની જીવનકથાઓ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
વિશ્વવિખ્યાત રશિયન લેખક લિયો તોલ્સતોયની પ્રસિદ્ધ ૩૭ વાર્તાઓને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. મૂળ રશિયનમાં લખાયેલી વાર્તાઓ ગુજરાતી વાચકો માણી શકે એવું લખાણ આ ૩૭૪ પાનાંના દળદાર વાર્તાસંગ્રહની વિશિષ્ટતા છે. આ વાર્તાઓમાં જીવનરસ ઠાંસોઠાંસ ભરેલો છે, જે જીવનપ્રેમીઓ માટે એક અનોખી ભેટ પુરવાર થશે.
તાન્યા એ માત્ર ૨૦ વર્ષની અત્યંત સંવેદનશીલ અને પ્રતિભાશાળી યુવતી અને ઓએસિસ સંસ્થાની ટ્રસ્ટી છે. ૩૭૪ પાનાંના આ દળદાર વાર્તાસંગ્રહના સર્જન પાછળ તેનો અથાગ ખંત રહેલો છે. આવનારા સમયમાં વોર એન્ડ પીસ, અન્ના કરેનીના સહિત લિયો તોલ્સતોયનું સમગ્ર સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય તેવી ઓએસિસની નેમ છે. અત્યાર સુધી ઓએસિસે જીવન-ઘડતરને લગતાં ૧૭૫થી વધુ પુસ્તકોનું પ્રકાશન કર્યું છે અને જેની ૧૫ લાખથી વધુ નકલો સમાજમાં પ્રસરી છે.
પુસ્તકનું વિમોચન તાન્યાનાં માતા-પિતા, કેળવણીકારોના પ્રતિનિધિ તરીકે શ્રીમતી પરિશા પરમાર, યુવાવર્ગના પ્રતિનિધિ તરીકે કુ. યેશા મહેતાએ કર્યું હતું. હાજર રહેલ સૌએ તાન્યાને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. આ પ્રસંગે ઓએસિસના અન્ય યુવાટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે સૌએ કુ. તાન્યા ખત્રી વિશે અનેક રસપ્રદ અને ખૂબ જ પ્રેરક વાતો શેર કરી હતી, જેને કારણે વાતાવરણમાં પ્રચંડ હકારાત્મકતા વ્યાપી ગઈ હતી. કાર્યક્રમના અંતે શ્રોતાઓએ પણ કુ. તાન્યા અને યુવાઘડતરના ઓએસિસના પ્રયાસોની દિલ ખોલીને પ્રશંસા કરી હતી.
આજના સમયે જ્યારે યુવાનો જીવનલક્ષી સાહિત્યથી દૂર જઈ રહ્યા છે, વધુ ભૌતિકતા તરફ ખેંચાઈ રહ્યા છે એવું મનાય છે ત્યારે તાન્યા અને ઓએસિસના અન્ય યુવાનો આજની યુવાપેઢી માટે મિસાલરૂપ છે. આ યુવાનો પોતાની પ્રતિભા અને જીવન થકી સમાજની સેવા કરી રહ્યા છે.
સંપાદક, અલાઇવ
ઓએસિસ મૂવમેન્ટ
Group photo in the 'Gujarati Sahitya Parishad' hall at the end of event
Hearty Blessings by the Audience
આ પ્રસંગે સાક્ષી બનવું એ મારા જીવનની સૌથી ખુશીની પળોમાંની એક હતી. મિસાલ કાર્યક્રમ વખતે રોપાયેલું બીજ એક-બે નહીં, પાંચ-પાંચ પુસ્તકો લખનાર લેખિકા સ્વરૂપે વટવૃક્ષ બની ઊભેલું દેખાય ત્યારે વિસ્મયની સાથે હું અંદર ખુશીથી જાણે નાચી ઉઠી. યુવા પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી આટલી હદ સુધી નિખારવાનું કામ માત્ર ઓએસિસ જ કરી શકે.
પરિશાબહેન આચાર્ય, અમદાવાદ
આટલુ મોટું કામ એકલા હાથે કરવું એ ખૂબ મોટી વાત કહેવાય જે તાન્યાએ સિદ્ધ કર્યું છે. હું ઘણા વર્ષોથી શિક્ષણ-વ્યવસ્થા સાથે જોડાયેલી છું પણ હજુ સુધી આવી તાન્યા નથી ઊભી કરી શકી તો એનો ખૂબ મોટો શ્રેય ઓએસિસને અને તેમની ટીમને જાય છે. એક શ્રદ્ધા છે કે જ્યાં સુધી ઓએસિસ જેવી સંસ્થા હશે ત્યાં સુધી દેશને આવા સારા યુવાનો મળતાં રહેશે.
રેખાબહેન
આચાર્ય, અમદાવાદ
આ અદ્ભુત કાર્ય કરવામાં જે કૌશલ્ય અને સમર્પણ તાન્યાએ આપ્યું છે તે ખૂબ પ્રશંસનીય છે. તાન્યાના અનુવાદે મને વાર્તાના વિષયો અને લાગણીઓ સાથે સંપૂર્ણપણે એવી રીતે જોડી કે જાણે તે મેં મારી પોતાની ભાષામાં જ લખ્યું હોય. હવે મને સમજાય છે કે ભાવાનુવાદ કરતી વખતે મૂળ ભાવને અભિવ્યક્ત કરવો કેટલો પડકારજનક હોઈ શકે છે, અને તેણીએ તે કુશળતાપૂર્વક કર્યું છે.
કવિતાબહેન
શિક્ષક, અમદાવાદ
તાન્યાએ નાની ઉંમરે ખૂબ મોટું કામ કર્યું છે. તાન્યાની ઉંમરનાં ને વળી ૫૦ કે ૮૦ વર્ષની ઉંમરના લોકો પણ આજે મસ્તીમાં જ ખોવાયેલા હોય છે. કોઈને ખ્યાલ પણ નથી હોતો કે દુનિયામાં શાના માટે આવ્યાં છીએ. ૧૭-૨૦ વર્ષની ઉંમરે તાન્યાને એવી ખબર પડે છે કે તે શાના માટે આ દુનિયામાં આવી છે તો એ ખૂબ મોટી ઉપલબ્ધિ કહેવાય. જ્યાં ગુજરાતી ભાષા મૃતપાય થઈ રહી છે ત્યાં આ કાર્ય ખૂબ મોટું યોગદાન છે.
મિહિરભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદ
Photo Glimpses
Right side: Reflection by Tanya's Mother
Audience taking autograph from Tanya
Right side: Reflection by Tanya's Father
Sharing about Tanya by her colleagues
News paper highlight : (Right) Gujarat Samachar Plus and (Left) Ahmedabad City Bhaskar
ભાવાનુવાદ કરતા કરતા ભાવનાત્મક વિકાસ
લિયો તોલ્સતોયની વાર્તાઓને ગુજરાતીમાં ભાવાનુવાદ કરવા માટે મેં આશરે બે વર્ષ જેટલો સમય લીધો. આ વર્ષો દરમિયાન મારા જીવનમાં અંગત ધોરણે પણ હું કેટલીક રીતે સંઘર્ષ કરી રહી હતી. અને કારણ કે સાહિત્ય સાથેની મારી સફરની આ શરૂઆત છે, માટે આ ભાવાનુવાદનું કામ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું.
લિયો તોલ્સતોયની વાર્તાઓ - પછી તે બે-ચાર પાનાંની કોઈ નાનકડી બાળવાર્તા હોય કે એક હજાર પાત્રોથી રચાયેલી "વૉર એન્ડ પીસ" જેવી મહાનવલ; તોલ્સતોયની દરેક વાર્તામાં પ્રાણ હોય છે, જેને તેઓ ખૂબ જ ભાવથી રજૂ કરે છે. અને મારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કરતી વખતે વાર્તાનો જે પ્રાણ છે, જે ભાવથી વાર્તાને લખવામાં આવી છે, તે જળવાઈ રહે. જેવી રીતે રશિયા અને ભારત દેશની સંસ્કૃતિ, રહેણી-કરણી, ભાષા, રીતરિવાજો વગેરે બાબતો જુદી છે, એવી જ રીતે જ્યારે મૂળે રશિયન ભાષામાં લખાયેલી વાર્તાઓને ગુજરાતી વાચકો માટે પીરસવાની હોય, ત્યારે તે સુસંગત લાગે એ બાબતે ખાસ ચોકસાઈ રાખવાની જરૂર હોય છે.
તોલ્સતોયની વાર્તાઓનો ભાવાનુવાદ કરતી વખતે મારા અંગત જીવનમાં પણ મને ઘણી શીખ મળી છે. ક્યારેક કોઈને માફ કરવું (જે કદાચ મારા માટે અશક્ય હતું) સહજ બન્યું છે, તો ક્યારેક આ વાર્તાઓના કારણે હું પરિસ્થિતિને વધુ સંવેદનશીલતાથી જોવાનું શીખી છું.
અંતે, જ્યારે મારા માતાપિતા, મારા માર્ગદર્શકો, મારા મિત્રો, શિક્ષકો, આચાર્યો અને ઘણા જાગૃત નાગરિકોની આંખમાં મારા માટે શ્રદ્ધા જોઉં છું, ત્યારે મારા કામ માટે મને વધારે ઊંડાણથી જવાબદારીનો અહેસાસ થાય છે.
તાન્યા ખત્રી
Surprise welcome by audience to Tanya and her parents
Editor-In-Chief: Riya Shah, Aatmaja Soni,
Divya Hadiya
Editorial Team: Sanjiv Shah, Sheeba Nair
IT Team: Alkesh Raval, Mehul Panchal
Alive Newsletter/ Magazine21 October 2024
Year 17, Issue 24
You receive this newsletter because you may be one of the participants of Oasis activities or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family, and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive a copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. In case if you do not want this Newsletter, you may unsubscribe it.